અંબાજીઃ અંબાજીમાં રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણીનાં પત્ની નીતાબહેને ૨૯મી નવેમ્બરે સાસુ કોકિલાબહેન સાથે મા અંબાના દર્શન કર્યાં હતાં અને તેમની પુત્રી ઈશાના લગ્નપ્રસંગની કંકોતરી મા અંબાના ચરણોમાં અર્પણ કરી હતી. નીતાબહેન તેમનાં માતુશ્રી તથા સાસુ સાથે હવાઈમાર્ગે મુંબઈથી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત દાંતા ઉતરાણ કરી કારથી અંબાજી આવ્યા હતા. મંદિરમાં તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સૌ પ્રથમ ગણપતિ દાદાના દર્શન કરી પછી માતાજીના ગર્ભગૃહમાં ગયા હતા અને ત્યાં પૂજા-અર્ચના કરી હતી.
કંકોતરી માતાજીને અર્પણ કરી પોતાની દીકરી સૌભાગ્યવતી રહે તે માટે માતાજીને અરજ કરી હતી. એક કલાકથી વધુ ચાલેલી પૂજા વિધિમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરાવવામાં આવી હતી. ત્યારબાદ અંબાજીની ગાદી પર જઈ ત્યાં ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. માતાજીના દર્શન કરી અંબાણી પરિવાર આનંદવિભોર બની જવા પામ્યો હતો.