અમદાવાદ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વોટર ડિ-સેલિનેશન પ્લાન્ટથી સજ્જ એક અનોખી કાર ભેટ આપી છે. આ કારની વિશેષતા એ છે કે, દરિયાના ખારા પાણીને પણ ઘડીભરમાં તે પીવાલાયક બનાવી શકે છે. હવે આ કારને નડાબેટ સરદહે રાખવામાં આવશે. લશ્કરી જવાનો માટે હવે પીવાના પાણીની એક નવી સુવિધા ઉપલબ્ધ છે.
વર્ષ ૨૦૧૭માં મોદીએ ઇઝરાયલની મુલાકાત લીધી તે વખતે મોદી અને નેતન્યાહુએ ડિસેલિનેશન વોટર પ્લાન્ટથી સજજ કારમાં ઓલગા બીચની સફર માણી હતી. એટલું જ નહીં, કારમાં પ્રોસેસિંગ કરેલા શુદ્ધ પાણીનો ટેસ્ટ પણ કર્યો હતો.
આ જ કારને વિમાનમાર્ગે ઇઝરાયલથી સૂઇગામ લાવવામાં આવી હતી. આ કારમાં રોજ દરિયાનું ૨૦ હજાર લીટર ખારું પાણી શુદ્ધ થાય છે. આ ઉપરાંત તળાવ કે નદીનું વહેતું ૮૦,૦૦૦ અશુદ્ધ પાણી પ્રતિદિન શુદ્ધ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
અંદાજે ૭૦ લાખની કિંમતની અનોખી કારને નડાબેટ સરહદે રાખવા નક્કી કરાયું છે. અહીં બીએસએફના જવાનો માટે આ કાર આર્શિવાદરૂપ બની રહેશે.સૂઇગામ બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને હવે પીવાના પાણીની મુશ્કેલી નહી પડે.
આ કાર ૯૦ કિમીની ઝડપે દોડી શકે છે. ૧૧૦ લિટર ડિઝલની ટાંકી ધરાવતી કાર ૧૫૪૦ કિલો વજન ધરાવે છે. પૂર-ભૂકંપ જેવી કુદરતી આફતોમાં ય આ કાર આશિર્વાદરૃપ બની રહેશે.
બાવળામાં આઇક્રિએટ સંસ્થામાં વીડિયો કોન્ફરન્સથી બંન્ને વડાપ્રધાનના હસ્તે આ કાર જવાનો માટે લોકાપર્ણ કરાઇ હતી. આખીય કારનું ડેમો અપાયો હતો.