આણંદઃ તાલુકાના સારસાના વતની અને બે દસકા પૂર્વે અમેરિકા જઇને સ્થાયી થયેલા ૫૩ વર્ષના અશ્વિનભાઈ મનુભાઈ પટેલની ૨૬ ઓક્ટોબરે
ન્યૂ જર્સીના ઇર્વિંગ્ટનમાં બે અશ્વેત લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.
અશ્વિનભાઈ ઇર્વિંગ્ટન સિટીમાં મિત્રો સાથે ભાગીદારીમાં ગેસ સ્ટેશન અને સ્ટોર ચલાવતા હતા. અશ્વિનભાઇ બે દસકા બાદ આવતા મહિને ૮૨ વર્ષના માતા શાંતાબહેનને મળવા સારસા જવાના હતા. જોકે કુદરતને કંઈક ઓર મંજૂર હતું.
આણંદ પાસેના સારસા ગામની માયાશેરીમાં રહેતા મનુભાઈ પટેલના એકના એક દીકરા અશ્વિનભાઈ પટેલ ૧૯૯૫માં અમેરિકા સ્થાયી થયા હતા. તેઓ ૨૦ વર્ષથી પત્ની ઈલાબેન (૪૭) અને બે સંતાનો રિકીન (૨૩) અને રાધિકા (૨૧) સાથે ન્યૂ જર્સીમાં સ્થાયી થયા હતા.
૨૬ ઓક્ટોબરે મોડી સાંજે અશ્વિનભાઈ સ્ટોર બંધ કરવાની તૈયારીમાં હતા ત્યારે જ બે અશ્વેત લૂંટારા ત્યાં ધસી આવ્યા હતા. આમાંના એક શખસે અશ્વિનભાઇને જણાવ્યું હતું કે પોતે લૂંટ કરવા આવ્યો છે. આ સમયે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને બીજા શખસે રિવોલ્વર વડે અશ્વિનભાઈ પર ધડાધડ ત્રણ ગોળીઓ છોડી હતી. આમાંથી એક ગોળી અશ્વિનભાઇને પગમાં, બીજી છાતીમાં અને ત્રીજી પેટના ભાગે વાગી હતી. લૂંટારુઓ રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. અશ્વિનભાઈને હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
માતાનો વલોપાત
અશ્વિનભાઈના માતા શાંતાબહેન ઘટના અંગે જાણીને શોકમગ્ન બની ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ઉંમરે મારા દીકરાનું મોત જોવાનું... ભગવાને મારું આયુષ્ય તેને આપ્યું હોત તો... છેલ્લા ૨૦ વર્ષથી હું તેને જોવા ઇચ્છતી હતી. ચાર દિવસ અગાઉ તેણે મારી સાથે ટેલિફોનિક વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે, આ વર્ષે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં તે ભારત આવવાનો છે. અમે લોકો તેને મળવા ખૂબ આતુર હતા. હું તેને ૨૦ વર્ષ બાદ મળવાની હતી. તે મને મળવા આવવાનો હતો. પરંતુ હવે હું તેને મળવા જઈ રહી છું...’ મૃતક અશ્વિનભાઈની સાત નવેમ્બરના રોજ અંતિમવિધિ થશે, એમ તેમના નાના બહેન સૂર્યાબહેન વિનુભાઈ પટેલે જણાવ્યું હતું.