અમદાવાદની ભદ્ર સેશન્સ કોર્ટે સ્વ. પંકજ ત્રિવેદી હત્યાકેસમાં દસ આરોપીને આજીવન કેદની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કેસની તલસ્પર્શી તપાસ કરીને મૂળ સુધી પહોંચવા માટે ભદ્ર કોર્ટના જજ ભરતભાઇ જાદવથી લઇને પોલીસ ડિપાર્ટમેન્ટના તપાસનીશ અધિકારીઓ અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવું છું. અનીતિના માર્ગે ચાલતા નિર્દય ગુંડાઓની ક્રૂરતા પર પવિત્ર વિજય છે.
આ હત્યાકેસમાં જીવ ગુમાવનાર શહીદ પંકજ ત્રિવેદીએ જે હિસાબો અને પ્રશ્નોના ઉત્તર દીદી ધનશ્રી આઠવલે ઉર્ફે દીદી જયશ્રી તલવલકરે આપી દીધા હોત તો ના એક બહાદુર બ્રાહ્મણને જીવ ગુમાવવો પડ્યો હોત. અને ના તો દસ સ્વાધ્યાયીઓને જન્મટીપની સજા થઈ હોત. પંકજ ત્રિવેદીને તેમના પ્રશ્નોના જવાબ ન મળતા સ્વાધ્યાય પરિવાર દ્વારા ભગવાનના નામે ચાલતી કથિત આર્થિક ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવ્યો અને એક અશુભ પત્રિકા પ્રકાશિત કરી. આ સામે રોષે ભરાયેલા દીદી જયશ્રીએ પંકજ ત્રિવેદીને હેરાન-પરેશાન કરવા અમુક સમાજના પોલીસ કર્મચારીઓ અને માથાભારે તત્વોનો સાથ લઈને જુદાજુદા શહેરોના પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં ખોટી ક્રિમિનલ ફરિયાદો કરી હતી. આ સામે મર્દ પંકજ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટમાં ધા નાંખી કે મારી સામેની આ બધી ફરિયાદ ખોટી અને દ્વેષપૂર્ણ છે. હાઇકોર્ટે પણ તપાસના અંતે આ બધી જ ફરિયાદોને ખોટી જાહેર ઠરાવીને કચરાટોપલીમાં ફેંકી દીધી હતી. દીદીભક્તો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો ત્યાં પણ હાઇકોર્ટનો ચુકાદો જ માન્ય રહ્યો હતો.
પંકજ ત્રિવેદીનો સુપ્રીમ કોર્ટમાં પણ ઝળહળતો વિજય થતાં રોષે ભરાયેલા અનુયાયીઓના એક વર્ગ દ્વારા પંકજ ત્રિવેદી ઉપરાંત દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદજી, શંકરભાઈ ઠક્કર, મહેશભાઈ શાહ, વિનોદભાઇ શાહ, હિતુ ગાંધી અને આ પત્રના લેખક સહિતના લોકો પર જીવલેણ હુમલા શરૂ થયા. જેમાં હુમલાખોરો પંકજ ત્રિવેદીનો જીવ લેવામાં સફળ થયા.
અમદાવાદની ભદ્ર કોર્ટમાં જ 12 વર્ષ પહેલાં, મેં (વિનુ સચાણીયા ગજ્જરે) પણ લંડનથી મારા વકીલ મારફત પોલીસ એફઆઈઆરમાં દીદી જયશ્રી તલવલકર ઉર્ફે દીદી ધનશ્રી આઠવલેનું નામ દાખલ કરવા પિટીશન અરજી કરી હતી. જોકે મારી અરજી સ્વીકારાઇ નહોતી. જો આ અરજી સ્વીકારાઇ હોત તો સજા પામેલા દોષિતોમાં બીજા નામો પણ જોવા મળતા હોત.
જોકે સ્વાધ્યાય પરિવારની કથિત આર્થિક ગેરરીતિઓ સામે મારી લડત અવિરત ચાલુ જ રહી. શહીદ થયેલા સ્વ. પંકજ ત્રિવેદી અને તેમના પરિવારને ન્યાય મળે અને દોષિતોને સજા થાય તે માટે વર્ષોથી ચાલતી ઝૂંબેશમાં આદરણીય ડો. વિજય મહેતા (અમેરિકા), પદ્મશ્રી લેખક-તત્વચિંતક ગુણવંત શાહ (વડોદરા), પદ્મશ્રી સ્વામી સચ્ચિદાનંદજી, આપણા લંડનના ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ, ‘આરપાર’ મેગેઝિનના પ્રકાશક-તંત્રી મનોજભાઇ ભીમાણી, ‘ચિત્રલેખા’ મેગેઝિન સહિત અનેક નામી-અનામી લોકોનો સહયોગ મળ્યો છે. છેલ્લા 18 વર્ષથી શહીદ પંકજ ત્રિવેદીની પુણ્યતિથિએ શ્રધ્ધાંજલિ સભા યોજાતી રહી છે અને તેમાં આ મહાનુભાવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાતા રહ્યા છે. આ લડત છેવટે સફળ રહી છે. આપ બધા જ મહાનુભાવો - સમર્થકો વિનુ સચાણીયા માટે ઓક્સિજન બની રહ્યા અને આજે ન્યાયની જ્યોત ઝળહળી રહી છે. શહીદ પંકજ ત્રિવેદીને ન્યાય મળ્યો છે. હું તો અંતમાં એટલું જ કહીશક કે આ દૈવી ચુકાદો છે... ભગવાન યોગેશ્વરનો અણસારો છે કે તે આજે પણ સુદર્શન ચક્ર ચલાવી શકે છે. તેઓ એટલું જ કહે છે કે તું અર્જુન બનીને લડ.. તારો ધર્મ નિભાવ.