સુરતઃ પલસાણા, બલેશ્વર, ગાંગપોર અને ગલુડા તથા સાયણી ગામના યાત્રાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને અમૃતસર આવી રહ્યા હતા તે દરમિયાન પઠાણકોટ પાસે ખાનગી બસ ડિવાઈડર સાથે અથડાતાં ૨૭મી જાન્યુઆરીએ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં પલસાણા નજીકના ગાંગપુરના અને અમેરિકા નિવાસી રમીલાબહેન નરેશભાઈ (ઉં ૬૦)નું અને પલસાણા નજીકના સોયાણી ગામના સાઉથ આફ્રિકાના જોહાનિસ બર્ગમાં વસતાં મીનાબહેન દિવ્યેશભાઈ (ઉં ૨૦)નું મોત થયું હતું. આ બંને મહિલાઓને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. ૨૨ યાત્રાળુઓને અકસ્માતમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને કઠુઆ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. રાજ્ય સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત મૃતદેહોને પણ ગુજરાત લાવવા માટે વ્યવસ્થા કરાઈ છે તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.