પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું અક્ષરધામગમન

Sunday 14th August 2016 00:29 EDT
 
 

અમદાવાદઃ હરિસેવા, સમભાવ અને સદવિચારના ત્રિવેણીસંગમ થકી સમગ્ર વિશ્વને અધ્યાત્મ પંથે દોરી નાર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે શનિવારે સાંજે અક્ષરધામગમન કર્યું છે. વિશ્વભરમાં પરમ આદરણીય સ્થાન ધરાવતા આ દિવ્ય સંતની વિદાયથી દેશ-વિદેશમાં ફેલાયેલા તેમના કરોડો હરિભક્તોમાં આઘાત અને શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ ૯૫ વર્ષના હતા. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા કેટલાક સમયથી ઉંમરના કારણે બીમાર હતા. નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેઓની સારવાર ચાલી રહી હતી. જોકે ફેફસાંમાં ઇન્ફેક્શનના કારણે તેઓનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું હતું. શનિવારે અચાનક જ ફેફસાંની વધુ તકલીફ સર્જાતાં તેઓ વધુ અસ્વસ્થ બન્યા હતા અને સાંજે છ વાગ્યે તેમણે પોતાના પ્રિય તીર્થધામ સાળંગપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. દેશ-વિદેશમાં વસતાં હરિભકતો તેમના દર્શન કરી શકે તે માટે ૧૪થી ૧૬ ઓગસ્ટ એમ ત્રણ દિવસ અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવારે ૧૭ ઓગસ્ટેનાં રોજ બપોરે ૩ વાગ્યે સાળંગપુરમાં જ અંતિમ સંસ્કાર થશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર પરમ પૂજ્ય મહંત સ્વામી (કેશવજીવનદાસ સ્વામી) બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે.

ચિરસ્મરણીય યોગદાનઃ વડા પ્રધાન

પ્રમુખ સ્વામીના દેહાવસાનના સમાચાર પ્રસરતાની સાથે જ તેમના ભાવિક ભકતોએ દર્શનાર્થે આવવા માટે સાળંગપુર તરફ આગમન શરૂ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂ. પ્રમુખસ્વામી મહારાજના નિધન અંગે ટ્વિટ કરીને ઊંડા શોક અને દુ:ખની લાગણી વ્યક્ત કરતાં તેમને પોતાનાં માર્ગદર્શક ગણાવતાં કહ્યું કે પ્રમુખસ્વામીજીએ મારું ઘડતર કર્યું છે અને તેમની સાથે વિતાવેલી ક્ષણો હું ક્યારેય ભૂલી નહીં શકું. માનવજાતનાં જતન માટે તેમનું યોગદાન ચિરસ્મરણીય બની રહેશે. માનવસેવાની તેમની ખોટ ક્યારેય પૂરી નહીં શકાય.

૧૯ વર્ષની વયે દીક્ષા

૯૫ વર્ષ સુધી અનેક કષ્ટો વેઠીને માનવજાતની સેવા માટે અવિરત પુરુષાર્થ કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જન્મ વડોદરા પાસેના ચાણસદ ગામે તારીખ ૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ એક ખેડૂત પરિવારમાં થયો હતો. માત્ર ૧૯ વર્ષની વયે તેમણે ગૃહત્યાગ કર્યો હતો અને સન ૧૯૩૯માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું હતું. સન ૧૯૩૯માં અમદાવાદ ખાતે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે દીક્ષા લીધા બાદ સંસ્કૃતનું અધ્યયન કર્યું હતું. આમ તેઓ ‘શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી’ બન્યા હતા. માત્ર ૨૮ વર્ષની ઉંમરે જ પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા.

ઉત્તરાધિકારી પદે પ. પૂ. મહંત સ્વામી

તમામ બીએપીએસ મંદિરોમાં મૂર્તિઓને સફેદ વસ્ત્ર પહેરાવવામાં આવ્યા છે અને ગાંધીનગર અક્ષરધામ ૧૪થી ૧૬ બંધ રહેશે તેવી જાહેરાત કરાઇ છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની પરંપરા મુજબ માહિતી આપતાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તા. ૨૦ જુલાઇ, ૨૦૧૨ના રોજ એક નિયુક્તિ પત્ર લખીને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે પરમ પૂજ્ય મહંત સ્વામીને અનુસરવા જણાવ્યું હતું. તેઓની એ આજ્ઞા અનુસાર પરમ પૂજ્ય મહંત સ્વામી (કેશવજીવનદાસ સ્વામી) બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે. તેઓ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી ગુરુવર્ય તરીકે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આદરેલા અનેક મહાન કાર્યોને આગળ ધપાવશે અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવન અને સંદેશને પ્રસરાવશે.

હરિભક્તો સાળંગપુર ભણી

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અક્ષરધામગમનના સમાચાર જાણીને દુનિયાભરમાં વસતા હરિભક્તોની આંખો અશ્રુથી છલકાઇ ગઇ હતી. વોટ્સએપ, એસ.એમ.એસ. અને મોબાઇલ દ્વારા આ સમાચાર વાયુવેગે ફેલાઇ જતાં તેમનાં અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પવા દેશવિદેશમાંથી મહાનુભાવો અને લાખો લોકોનો પ્રવાહ સારંગપુર ભણી વહેવાનો શરૂ થઇ ગયો છે. ખાસ કરીને વિદેશથી હરિભક્તોએ ફ્લાઇટ બુક કરાવીને ગુજરાત પહોંચવાની વ્યવસ્થા કરી છે. તો રાજકીય અગ્રણીઓ પણ પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ દર્શન માટેની તારીખ નક્કી કરી ચૂક્યા છે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં

• ૧૦૦૦થી વધુ સંતો કાર્યરત

• ૧૧૦૦થી વધુ મંદિરોનું નિર્માણ

• ૧૭,૦૦૦થી વધુ સત્સંગ કેન્દ્રો

• ૧૬૦થી વધુ માનવસેવાની પ્રવૃત્તિઓ

• કરોડો હરિભક્તોનો પ્રેરણાસ્ત્રોત

પ્રમુખસ્વામીના અંતિમ દર્શન માટેનો કાર્યક્રમ

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન માટે સાળંગપુર મંદિર દ્વારા ભાવિક ભક્તજનો માટે વ્યવસ્થા કરાઇ છે. અલગ અલગ જિલ્લાના ભક્તો માટે અલગ અલગ દિવસે દર્શનનો સમય ફાળવાયો છે.

• તા. ૧૪ ઓગસ્ટે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા

• તા. ૧૫ ઓગસ્ટે તાપી, નર્મદા, ડાંગ, સેલવાસ, મુંબઇ, નવસારી, સુરત, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર

• તા. ૧૬ ઓગસ્ટે જામનગર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, અરવલ્લી, પાટણ, મહિસાગર, વડોદરા, પંચમહાલ, આણંદ

• તા. ૧૭ ઓગસ્ટે સવારે ૮.૦૦થી ૧૧.૦૦ વાગ્યા સુધી ભરુચ, વલસાડ અને વિદેશનાં હરિભક્તો આવશે.

આ સાથે જણાવામાં આવ્યું છે કે અંતિમવિધિ બુધવારે બપોરે ૩.૦૦ વાગ્યે યોજાશે. અંતિમ વિધિનાં દર્શન સંસ્થાની વેબસાઇટ www.live.baps.org ઉપર થઇ શકશે. તમામ પ્રકારની વ્યવસ્થા સારી રીતે સચવાય તે માટે ઉતારાની કોઇ જ વ્યવસ્થા નથી. દર્શન કરીને તુરત જ વિદાય લેવા માટે જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter