પોરબંદરઃ ફિશિગ સિઝનની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં અરબી સમુદ્રમાંથી ત્રણ જેટલી ગુજરાતની બોટો અને તેમાં સવાર ૧૮ જેટલા ખલાસીઓનું ૧૨મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ અપહરણ કર્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.
સામાન્ય રીતે ૧૫ ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની સિઝન આ વખતે ખરાબ વાતાવરણના કારણે અને ઓછા વરસાદમાં ૨૩ ઓગસ્ટ પછી શરૂ થઈ હતી અને કેટલીક બોટોની તો હજુ એકાદ ટ્રીપ જ થઈ છે ત્યાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા મધદરિયે કહેર મચાવ્યો છે આ અંગે માહિતી આપતા નેશનલ ફીશ ફોર્મ વર્કર્સના સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ ફીશરમેન કોંગ્રેસના ચેરમેન મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે ૧૨મીએ ભારતીય જળસીમા નજીક પોરબંદરની બે અને ઓખાની એક ફિશિંગ બોટ ગ્રુપ માછીમારી કરી રહી હતી ત્યારે અચાનક પાકિસ્તાન મરીન સિક્યુરિટીની પેટ્રોલિંગ શીપ દ્વારા તેને ઘેરી લેવામાં આવી અને આ તમામ બોટનાં કુલ ૧૮ જેટલા ખલાસીઓને કરાચી ખાતે લઈ જવાયા હતા.