ગાંધીનગરઃ ભારતની આર્થિક રાજધાની મુંબઈની જેમ કરાચીમાં પણ એક સમયે વેપારની ભાષા તરીકે જાણીતી ગુજરાતી હવે માત્ર પારિવારિક કે સામાજિક સંમેલનો પુરતી મર્યાદિત થઈ રહી છે. આથી પાકિસ્તાનમાં પણ ગુજરાતી મૂળના અનેક સમુદાયો, સંગઠનો ‘ગુજરાતી બચાવો અભિયાન’ ચલાવી રહ્યા છે.
ભારતની બહાર અમેરિકા અને યુકે પછી સૌથી વધુ ગુજરાતી ભાષી પાકિસ્તાનમાં વસતાં હોવાનું મનાય છે. વિશ્વમાં જીવતી ભાષાઓના સર્વેક્ષણનો ડેટા જાહેર કરતા ‘ઇથનોલોગ’ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ગુજરાતી બોલતા એકથી ત્રણ લાખ નાગરિકો છે. જેમાંથી અધિકાંશ કરાચી શહેરમાં વસે છે.
વિભાજન પહેલા અને ત્યાર બાદ વર્ષ ૧૯૭૦ના અંત સુધી પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીમાં સરકારી સ્કૂલોમાં ગુજરાતીમાં શિક્ષણ ઉપલબ્ધ હતું. આ ભાષાના વિષયો હતા. પરંતુ વિતેલા ત્રણ દાયકામાં ગુજરાતી મૂળના હિન્દુ, પારસી, વોહરા, ખોજા, ઇસ્માઇલી, મેમણ, કચ્છીઓના રૂઢિચૂસ્ત પરિવારોમાં જ હવે ગુજરાતી ભાષા ઉચ્ચારણ પૂરતી જ મર્યાદિત રહી છે. ગુજરાતી ભાષા લખનાર ઘટી રહ્યા છે.
અધૂરામાં પૂરું, પાકિસ્તાન સરકારે ઘણા સમય પહેલાં જ નેશનલ ડેટાબેઝ એન્ડ ડેટાબેઝ રિસર્ચ ઓથોરિટી (એનડીઆરએ)માં માતૃભાષાના કોલમમાંથી ગુજરાતી ભાષાનો વિકલ્પ રદ કરી નાંખ્યો છે. પરિણામે હવે પાકિસ્તાનમાં ગુજરાતી બોલનાર કેટલા છે તે જાણી શકાય તેમ નથી. પાકિસ્તાન સરકારના આ નિર્ણય સામે જે તે સમયે કરાચીના ગુજરાતીઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો.