વલસાડઃ પારસી અંજુમન ટ્રસ્ટે ૧૦ વર્ષ પહેલાં એવો નિર્ણય જાહેર કર્યો હતો કે, આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પારસી મહિલાઓ અગિયારીમાં અને દખમા-સ્મશાનગૃહમાં પ્રવેશી શકશે નહીં. દિલબર નામની પારસી મહિલાએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં પછી તેની માતાની અંતિમવિધિમાં તે સામેલ ન થઈ શકી. દિલબરની મિત્ર અને વલસાડના હોટેલ માલિક અદિ કોન્ટ્રાકટરની દીકરી ગુલરૂખે પણ ૧૯૯૧માં મહિપાલ ગુપ્તા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હતાં. ગુલરૂખે આ હાઈ કોર્ટમાં અરજી કરી કે, પારસી મહિલાઓનાં માતાપિતા જ્યારે મૃત્યુ પામે ત્યારે દખમા (ટાવર ઓફ સાયલન્સ)માં હાજર રહેવાની મંજૂરી આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પારસી દીકરીઓને મળે. હાઇ કોર્ટે તેમની અરજી ફગાવી દેતાં ગુલરૂખે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી ૭ ડિસેમ્બરે હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે પારસી અંજુમન ટ્રસ્ટ પાસે કેસને લગતા સૂચન માગી આગામી સુનાવણી ૧૪ ડિસેમ્બરે નિર્ધારિત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં ૧૪મી નવેમ્બરે હાથ ધરાયેલી સુનાવણીમાં નિર્ણય જાહેર કર્યો કે, પારસી મહિલા અને તેમની બહેનને માતા કે પિતાના મૃત્યુના કિસ્સામાં અંતિમવિધિમાં અને બંગિલ અને સ્મશાનગૃહમાં મૃત્યુ પછીના ચાર દિવસે કરાતી પ્રાર્થનાવિધિમાં હાજર રહેવાની મંજૂરી આપવી જોઇએ. આ એક વચગાળાનો હુકમ હતો.
સુપ્રીમ કોર્ટે વલસાડ પારસી અંજુમન ટ્રસ્ટ પાસે માગેલા સૂચનમાં ટ્રસ્ટે આ નિયમમાં ફેરફારના સ્વીકારની સંમતિ દર્શાવ્યા પછી જ સુપ્રીમે આ નિર્ણય જાહેર કર્યો હતો.