પાલનપુર: ગુજરાતના અનેક પ્રતિભાશાળી યુવકો અને યુવતીઓએ ટેકનોલોજી ક્ષેત્રે દેશ-વિદેશમાં નામ ગૂંજતું કર્યું છે, જેમાં બનાસકાંઠાના પાલનપુર શહેરના પ્રણવ મિસ્ત્રીએ ટેકનોલોજી ક્ષેત્રે ઉમદા સંશોધન કરી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. સ્ટાર લેબ્સના સીઈઓ તરીકે ફરજ બજાવતા પ્રણવે મિસ્ત્રીએ
હાલમાં ‘નિયોન’ નામનો એક એવો હ્યુમનોઈડ રોબોટ તૈયાર કર્યો છે, જે મારી-તમારી જેમ વાતચીત અને વર્તન કરી શકે છે. આ ‘નિયોન’ તાજેતરમાં યુએસમાં લાસ વેગાસ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા સીઇએસ ૨૦૨૦ (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો)માં દુનિયા સમક્ષ રજૂ થયો હતો. કન્ઝ્યુમર પ્રોડક્ટના ક્ષેત્રે થતા નવીનતમ સંશોધનો રજૂ કરવા માટે સીઇએસ જગવિખ્યાત છે.
નિયોન શું છે?
નિયોન એટલે એવો યંત્રમાનવ જે મનુષ્યની જેમ વર્તે છે. આ મનુષ્ય ભલે કૃત્રિમ હોય, પણ તેને સવાલ પૂછાય છે ત્યારે વાસ્તવિક મનુષ્ય જેવા જવાબો આપે છે અને લાગણીઓ પણ વ્યકત કરી જાણે છે. નિયોન તમારો વર્ચ્યુઅલ મિત્ર પણ હોઈ શકે છે અને તમે તેની સાથે વાત પણ કરી શકો છો. નિયોન નવી નવી વસ્તુઓ શીખવામાં પણ નિષ્ણાત છે. આ સિવાય એ તેના અગાઉના અનુભવના આધારે નવું કામ પણ કરી શકશે. કંપનીના જણાવ્યા અનુસાર આ નિયોન પ્રોપ્રિટયેટ્રી ટેકનોલોજી પ્લેટફોર્મ પર તૈયાર કરાયો છે જેને કોર આર-થ્રી તરીકે ઓળખવામાં આવે છે. આર-થ્રીનો અર્થ છે રિયાલિટી, રિયલ ટાઈમ અને રિસ્પોન્સિવ. આ ટેકનિકની મદદથી નિયોન મિલિસેકન્ડમાં રિએક્શન આપી શકે છે.
પ્રણવના મતે આ રોબોટનું મોડેલ માનવી જેવું જ તૈયાર કરાયું છે. મિસ્ત્રી કહે છે કે એઆઇ હ્યુમન એટલે કે આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત મનુષ્ય એવી ભાષા પણ બોલી શકે છે કે જેને ક્યારેય કોઇ વ્યક્તિ બોલી ન હોય કેમ કે તેને પ્રોગ્રામ કરવાની સુવિધા છે. મિસ્ત્રી કહે છે કે આ રીતે ડિજિટલ બિઇંગ્સ તૈયાર કરવો એક જાદુ જેવું છે અને તે આ જાદુ દુનિયા સમક્ષ રજૂ કરવા ઇચ્છે છે. પ્રણવે કંપનીના બિઝનેસ મોડેલનો તો ખુલાસો નથી કર્યો, પરંતુ તેમનું કહેવું છે કે ભાગીદાર કંપનીઓ કેટલીય સેવાઓ માટે ‘નિયોન’નો ઉપયોગ કરી શકે છે.
મોબાઈલમાં ગુજરાતીઃ પ્રણવનું યોગદાન
અગાઉ મોબાઈલ ફોનમાં ગુજરાતી ભાષા ટાઇપ થઇ શકતી નહોતી કે વાંચી શકાતી નહોતી, પરંતુ મોબાઈલમાં ગુજરાતી ભાષામાં લખી તેમજ વાંચી શકાય તે માટે પ્રણવ મિસ્ત્રીનો અમૂલ્ય ફાળો રહ્યો છે. એટલું જ નહીં, મોબાઈલમાં જોવા મળતી ભારતીય ભાષાઓના મૂળમાં તેમનો અક્ષર પ્રોજેક્ટ છે.
પાલનપુરનો અસલી ‘હીરો’
બનાસકાંઠાના પાલનપુરમાં જન્મેલા પ્રણવ મિસ્ત્રીને મિત્રો ઝોમ્બીના હુલામણા નામે ઓળખે છે. ૨૦૦૩માં અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાંથી બેચલરની ડિગ્રી મેળવ્યા બાદ ૨૦૦૫માં તેણે ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન સેન્ટરમાંથી માસ્ટર ઈન ડિઝાઈન કર્યું હતું. ૨૦૦૮માં અમેરિકાની એમઆઈટીમાંથી માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવ્યા બાદ ૨૦૧૨માં એમઆઈટી મીડિયા લેબમાં મીડિયા આર્ટ્સ એન્ડ સાયન્સમાં પીએચ.ડીની ડિગ્રી મેળવી હતી. આ પછી તેણે માઈક્રોસોફ્ટ કંપનીથી ઈન્ટર્ન તરીકે કરિયરની શરૂઆત કરી હતી. પ્રણવે ૨૦૦૫-૦૬માં માઈક્રોસોફ્ટમાં જ યુએક્સ (યુઝર એક્સપિરિયન્સ) ડિઝાઈનમાં રિસર્ચર તરીકે કામ કર્યું.
સફળતાના અનેક પડાવો પસાર કરીને ૨૦૧૨માં સેમસંગ કંપનીથી કરિયરની નવી સફર શરૂ કરી. તેઓ સેમસંગ અમેરિકામાં ડિરેક્ટર ઓફ રિસર્ચ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે તો ઓક્ટોબર ૨૦૧૯થી સેમસંગ સ્ટાર લેબ્સ કંપનીના પ્રેસિડેન્ટ અને સીઈઓ કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે સ્ટાર લેબ્સને સેમસંગ કંપનીએ ફંડીંગ કર્યું છે. આ સ્ટાર્ટઅપ કંપનીએ કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં જે આર્ટિફિશિયલ હ્યુમન રજૂ કર્યા છે, તે દેખાવમાં માનવી જેવા જ છે. કંપનીના મતે આર્ટિફિશિયલ હ્યુમન માનવીની જેમ વાત કરે અને સહાનુભૂતિ વ્યક્ત કરવામાં પણ સક્ષમ છે. કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટઅપ સ્ટાર લેબ્સ સાઉથ કોરિયાની કંપની સેમસંગની સહાયક યુનિટ છે. આ ટેક્નિકની મદદથી એવા ડિજિટલ અવતાર તૈયાર કરી શકાશે, જે ડિસ્પ્લે કે વીડિયો ગેમ્સમાં તો નજરે પડશે જ, ઉપરાંત તેને ટીવી એન્કર, પ્રવક્તા, ફિલ્મ કલાકાર કે સાથી અને મિત્રના સ્વરૂપમાં પણ ડિઝાઇન કરી શકાય છે. પાલનપુરના પ્રણવે ચાઈનીઝ યુવતી ફરાહ શેન સાથે લગ્ન કર્યા છે તેમને બે સંતાનો પણ છે.
પ્રણવના નામે અનેક પેટન્ટ
ટેક્નોલોજીને સમર્પિત પ્રણવે પોતાને નામ અનેક પેટન્ટ ફાઈલ કરાવી છે. તેમાં ડિજિટલ યુઝર ઇન્ટરફેસ ફોર ઈનપુટિંગ ઈન્ડિક સ્ક્રિપ્ટ્સ, રેડિયો ફ્રિક્વન્સી કન્ટ્રોલ ફોર કમ્પ્યૂટિંગ સિસ્ટમ, સ્ટાર્ટ મેન્યુ ડિસ્પ્લે મોડેલ, હાર્ડવેર કન્ટ્રોલ ઈનિશિએટેડ ટાસ્ક સ્વિચિંગ સહિતની અનેક પેટન્ટનો સમાવેશ થાય છે. પ્રણવે માઉસલેસ ઇન્વિઝિબલ કમ્પ્યૂટર, થ્રી-ડી પેન, સેમસંગ સ્માર્ટ વોચ સહિતની અનેક ટેક્નોલોજી વિકસાવવામાં પોતાનો ફાળો આપ્યો છે. CES ૨૦૨૦માં રજૂ કરાયેલી બેલી સ્માર્ટ બોલ અને ‘Neons’ સહિતની અન્ય પ્રોડક્ટ્સ વિકસાવવામાં પ્રણવનો સિંહફાળો છે.
પ્રણવ મિસ્ત્રીને મળેલી સિદ્ધિઓ
સિક્સ્થ સેન્સ ટેક્નોલોજી ક્ષેત્રે કામગીરી માટે જાણીતા પ્રણવની સિદ્ધિઓ અગણિત છે. વર્ષ ૨૦૧૩માં તેને ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડરનો ખિતાબ મળ્યો છે. વર્ષ ૨૦૧૦માં તેને સ્પીકર ફોર TED ઇન્ડિયા ૨૦૧૦માં સિક્સ્થ સેન્સ ટેક્નોલોજી માટે અવોર્ડ મળ્યો છે. પોપ્યુલર સાયન્સ દ્વારા તેને વર્ષ ૨૦૦૯માં ‘ઈન્વેન્શન ઓફ ધ યર ૨૦૦૯’ નો અવોર્ડ એનાયત કરાયો છે. આ સિવાય પણ પ્રણવે અનેક અવોર્ડ પોતાને નામ કર્યા છે.