પાવાગઢઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર સંકુલમાં યુદ્ધના ધોરણે વિકાસ-કાર્યો હાથ ધરાયા છે. ગયા ઓક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી પાવાગઢ પરિસરના વિકાસ માટેના કામોનો શિલાન્યાસ કર્યો હતો. પાવાગઢમાં મહાકાળીના મંદિર સુધી રોપ વે દ્વારા સીધા પહોંચાય તે માટે બે વર્ષના ટૂંકા ગાળામાં મંદિરના સાંકડા પરિસરનો પાંચ ગણી વિશાળ જગ્યામાં વિસ્તાર થશે તેવી જાહેરાત થઈ હતી.
હાલમાં યાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તેવું આયોજન અમલી બન્યું છે.
ત્રણ માળના નિર્માણાધીન પરિસરમાં વરિષ્ઠ નાગરિકો અને શારીરિક અશક્ત યાત્રાળુ માટે લિફ્ટની સુવિધા બની રહી છે. આ ઉપરાંત આઇસીયુ સજ્જ નાની હોસ્પિટલ, ૫૦૦ લોકો સાથે ભોજન લઈ શકે તેવું ભોજનાલય પણ આકાર પામી રહ્યું છે. આ કામોની ટેન્ડરીંગ તથા અન્ય વહીવટી પ્રક્રિયાઓ ચાલી રહી છે અને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોના કહેવા મુજબ બે વર્ષમાં સાંકડું પરિસર વિશાળ બની જશે.
નવીન સુવિધાઓ
• ૨૯૮૦ ચોરસ મીટર મંદિર પરિસર ત્રણ માળનું બનશે • ૫૦૦ ભાવિકોની વ્યવસ્થાવાળું ભોજનાલય • માત્ર વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગોને લિફ્ટની સુવિધા • કાલિકા યંત્રના મોડેલ સાથેની યજ્ઞશાળા • દુધિયા તળાવમાં ૫૨ ફૂટની શિવમૂર્તિ • યાત્રાળુઓ માટે વિરામસ્થળ • લોકર-સ્ટ્રોંગરૂમ બનાવાશે. છેક મંદિર સુધી બીજા ફેઝનો રોપ વે નંખાશે • આગામી દાયકામાં છેક મંદિર સુધી પહોંચાય તેવો બીજો રોપ વે બનશે. કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. હાલ માંચીથી ડુંગર સ્ટેશન સુધી ૩૨ કેબિનમાં રોજના ૧૦ હજાર યાત્રિકોની હેરફેર કરાવાય છે.