પાલનપુર: સાગ્રોસણા ગામે પિતાએ ૨૩ વર્ષ પહેલા શ્રાવણ મહિનામાં શિવલિંગને સવા લાખ બિલિપત્ર ચડાવવાનું શરૂ કર્યું હતું. પિતાનું છ વર્ષ પહેલાં અવસાન થતાં મુંબઈ રહેતા પુત્રો વતનમાં આવી શ્રાવણ મહિના દરમિયાન શિવજીને સવાલાખ બિલિપત્ર ચડાવતા હતા, પરંતુ કોરોનાને લઇ શ્રાવણ મહિનામાં શિવમંદિરો બંધ રહેતા પુત્રોએ ઘરે જ સવા લાખ શિવલિંગ બનાવી પૂજા શરૂ કરી છે.
પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામના કેશરભાઈ ચૌધરીએ ૨૩ વર્ષ પહેલાં શ્રાવણ મહિનામાં શિવજીની આરાધના શરૂ કરી હતી. જે અંતર્ગત શ્રાવણ મહિનામાં શિવલીંગને સવાલાખ બિલિપત્ર ચડાવતા હતા. કેશરભાઇનું ૧૪ વર્ષ પહેલાં અવસાન થતાં પુત્રો વિજયભાઈ અને ભાવેશભાઈએ પણ પિતાનો શિવપૂજાનો ક્રમ ચાલુ રાખ્યો હતો. બંને પુત્રો દર વર્ષે શ્રાવણ માસમાં મુંબઈથી વતન પરત આવી શિવપૂજા કરતાં હતા.
વિજયભાઈ કેશરભાઈ પટેલે જણાવ્યું હતું કે, પિતાના સંકલ્પને ચાલુ રાખવા માટે મુંબઈથી આવ્યા બાદ મંદિરો બંધ હોવાને લઇ પરિવારના સાતથી આઠ સભ્યો વહેલી સવારથી જ માટીના શિવલિંગ બનાવવાનું શરૂ કરીએ છીએ. બપોર સુધીમાં ૩ થી ૪ હજાર જેટલા શિવલિંગ બનાવીએ છીએ. સાંજ સુધી પૂજા કરીએ છીએ અને સાંજની આરતી બાદ બાલારામ નદીમાં વિસર્જન કરીએ છીએ. પાંડાલમાં શિવપૂજા કરાવતા વિકાસભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, યજમાનોની શિવ ભક્તિ જોઇને અભિભૂત થઈ જવાય છે. મંદિરો બંધ હોય તો શું થયું પિતાનો સંકલ્પ ચાલુ રહેવું જોઈએ તેને લઇ યજમાનના ઘરે જ સવા લાખ શિવલિંગનો સંકલ્પ હાથ ધરી રોજના ત્રણથી ચાર હજાર શિવલિંગની પૂજા કરી સાંજે વિસર્જન કરાય છે. શાસ્ત્રીજીએ જણાવ્યું કે શિવના અલગ-અલગ સ્વરૂપમાં શિવપૂજા કરાય છે.