સુરત: પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સેંકડો દીકરીઓનાં કરિયાવર સાથે કન્યાદાન કરનાર પી. પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષે લગ્ન સમારંભ યોજીને દીકરીઓને પરણવાય છે. આ વર્ષે સવાણી પરિવારની સાથે બટુકભાઈ મોવલિયાનો પરિવાર પણ સહભાગી બન્યો છે. સવાણી ગ્રુપ અને મોવલિયા પરિવાર દ્વારા આયોજિત ૨૫૧ દીકરીઓનો લગ્નોત્સવ ‘પારેવડી’ ૨૪ ડિસેમ્બર ૨૦૧૭, રવિવારે સુરતના અબ્રામામાં આવેલા પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં રંગેચંગે પાર પડ્યો હતો. અનેક મહાનુભાવો અને લાખ્ખો લોકોની હાજરીમાં દીકરીઓને સાસરે વળાવાઈ હતી. મહેશભાઈ સવાણી, રમેશભાઈ સવાણી, રાજુભાઈ સવાણી, બટુકભાઈ મોવલિયા, અશ્વિનભાઈ મોવલિયા અને હાજર અનેક મહાનુભાવોએ કન્યાદાન કરીને દીકરીઓને વિદાય આપી હતી. આ સમારંભમાં પાંચ મુસ્લિમ દીકરી અને એક ખ્રિસ્તી દીકરીની વિદાય પણ થઈ હતી.
૨૪મીએ સાંજે પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલના પટાંગણમાં યોજાયેલા લગ્ન સમારોહમાં ઓલ ઈન્ડિયા એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડના ચેરમેન મનીન્દરજીત સિંહ બીટ્ટા, પદ્મશ્રી દીપા મલિક, પૂજ્ય માર્ગીય સ્વામી, પૂજ્ય પી પી સ્વામી, દિયા જ્વેલ્સ-બેલ્જિયમના દિલીપભાઈ ઠક્કર, ભદ્રાયુ વચ્છરાજાની, ડો. જીતેન્દ્ર અઢીયા, સ્વરૂપ સંપટ, મંજુ રમાનન, આયેશા અઝીઝ જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
સવાણી પરિવાર છેલ્લા છ વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સેંકડો દીકરીઓનું પિતા બનીને કન્યાદાન કરે છે. એ જ પરંપરાને આગળ વધારતા આ વર્ષે એમની સાથે બટુકભાઈ મોવલિયા પણ જોડાયા હતા. ૨૫૧ દીકરીઓનું કન્યાદાન અનેક મહાનુભાવોના હસ્તે કરાયું હતું. સવાણી પરિવાર દ્વારા યોજાતા સમૂહલગ્ન સમારોહની શરૂઆતથી વરવધૂને પાંચમો ફેરો ફેરવવામાં આવે છે અને એક અનોખો સંકલ્પ લેવડાવવામાં આવે છે. આ વખતે લગ્નમંડપમાં આવેલી દીકરીઓને એમના થનારા જીવનસાથીએ શ્રીફળ સાથે વધામણા કરીને આવકારી હતી.