સુરતઃ મહિધરપુરા સ્થિત ઘીયા શેરીમાં રહેતા પીયૂષ ધીરજલાલ પચ્ચીગર (ઉં. ૫૧) ૨૪મી સપ્ટેમ્બરે નહેરુ સ્ટ્રીટ પર આવેલા ટાઉન પોલીસની સ્ટેશનની સામે મહારાજ હોટલમાં રૂમ બુક કરાવીને રોકાયા હતા. બીજે દિવસે ૨૫મી સપ્ટેમ્બરે પીયૂષભાઈ લિફ્ટથી ટેરેસ પર ગયા અને હોટલના સાઇન બોર્ડ પર બેસી ગયા. એ પછી બે હાથ જોડીને તેમણે નીચે છલાંગ લગાવી દેતાં તેમનું મૃત્યુ થયું હતું. પીયૂષે જે હોટલ ઉપરથી મોતની છલાંગ લગાવી એની સામે જ પોલીસ સ્ટેશન છે અને પોલીસ સ્ટેશનના પાછલના ભાગે નગરપાલિકાનું ફાયર બ્રિગેડ છે. અંદાજે ૨૦ મિનિટ સુધી પીયૂષભાઈ બોર્ડ ઉપરથી હાથ જોડતો રહ્યો હતો, પરંતુ તેમને આપઘાત કરતા રોકવા માટે પોલીસ કે ફાયર બ્રિગેડે પગલાં લીધા નહીં. લોકો પણ આ વેપારીને બચાવવાના બદલે વીડિયો ઉતારી રહ્યા હતા. વેપારીએ આપઘાત શા માટે કર્યો એ અંગે પોલીસે તપાસ આદરી છે.