ભરૂચઃ ભરૂચ પોલીસે ભરૂચથી ચાલતા આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી કરોડો રૂપિયાની ડ્રગ્સની ટેબ્લેટ તેમજ કેપ્સુલ સાથે બે જણાની અટકાયત કરી છે. ભરૂચના મનુબરમાં રહેતા રિઝવાન ઇંટવાલા ભરૂચમાં કુરીયર સર્વિસ ચલાવવા સાથે કેનેડાના ટોરેન્ટોમાં રહેતા ભાઇ ઇમરાન સાથે સંપર્કમાં રહીને ભરૂચથી કેનેડા ડ્રગ્સ મોકલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. કુરીયરમાં આવતા અને પોસ્ટમાંથી થતા પાર્સલ્સનું પોલીસે સતત મોનીટરિંગ કર્યા પછી બે જણા પર વોચ રાખી હતી. ભરૂચના લાલબજારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસમાં મનુબરનો જ રાહુલ નરસિંહ પરમાર કેનેડાનું પાર્સલ કરવા આવતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. રાહુલે કહ્યું કે મનુબરના જ રિઝવાન ઇંટવાલાએ તેને મોકલ્યો છે અને પાર્સલમાં શું છે તે ખબર નથી. એ પછી રાહુલ પરમારને સાથે રાખીને પોલીસે મનુબરમાં રિઝવાનને પકડી પાડીને પૂછપરછ કરતા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહ્યું હતું. પોલીસે તેના ઘરની તપાસ કરતાં પાણીની ટાંકીમાંથી ડ્રગ્સની ટેબ્લેટ અને કેપ્સુલનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ જથ્થો જપ્ત કરવા સાથે પોલીસે રિઝવાનની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.