ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને હાલ અમેરિકાના કેલફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા યુવા વયના દિગ્ગજ ટેક્નોક્રેટ પ્રણવ મિસ્ત્રીએ વિદેશમાં માદરે વતન પાલનપુરનું નામ કંઈક અનોખી રીતે જ ગુંજતું કર્યું છે. ભારતમાં ચોક્કસ ફી ચૂકવીને આરટીઓ પાસેથી નવા વાહન માટે પસંદગીનો રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાય છે તેમ અમેરિકામાં ચોક્કસ ફી ચૂકવીને મહત્તમ છથી સાત અક્ષરનો એક શબ્દ થાય તે પ્રકારની વ્હીકલ રજીસ્ટ્રેશન પ્લેટ રાખવાની છૂટ હોય છે. પ્રણવ મિસ્ત્રીએ તેમની અત્યંત વૈભવી ગણાતી અને જેમ્સ બોન્ડની કાર તરીકે વિશ્વપ્રસિદ્ધ થયેલી એસ્ટન માર્ટિન બ્લેક ખરીદી અને તેની રજિસ્ટ્રેશન પ્લેટ ‘PALANPUR’ નામની કરાવીને વતનની સ્મૃતિને ચિરંજીવ બનાવી છે. બ્લેક એસ્ટન માર્ટિનના ફોટોગ્રાફ્સ ટ્વીટ કરતાં પ્રણવ મિસ્ત્રીએ લખ્યું હતું કે ‘પાલનપુરની ત્રાડ મારા બીજા સૌથી પ્રિય શહેર સારાટોગામાં ગુંજતી કરી છે.’