ગાંધીનગર: પ્રદેશ ભાજપે વડા પ્રધાન સાથે કમલમ્ મળનારી બેઠકમાં આમ તો સાંસદ અને ધારાસભ્ય હોદ્દેદારોને જ આમંત્રણ આપ્યું હતું. જોકે આ બેઠકમાં 75-80 કે તેથી વધુ વય વટાવી ચૂકેલા પૂર્વ મંત્રી નરોત્તમ પટેલ, નારાણભાઈ પટેલ, આઈ.કે. જાડેજાથી લઈને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ જેવા આઠેક જેટલા સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અઢી દાયકાથી શાસનમાં રહેલા ભાજપમાં ત્રણ પેઢીએ બદલાઈ રહી છે ત્યારે મોદીએ યુવા નેતૃત્વને ચારેક ઉદાહરણોથી સંગઠન - સરકાર થકી ભાજપના મૂળિયા ઊંડા કરી વ્યાપ વિસ્તારનો વિચાર સમજાવ્યો હતો.
• શંકરજી ઓખાજી ઠાકોરનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યુ કે, હુ નવો નવો મુખ્યમંત્રી થયો ત્યારે આ નવ ટર્મના આ ધારાસભ્યે મારી પાસે આવી કહ્યું કે ‘તમારા અહીં બેઠા પછી અમારે ગામડાઓમાં જવું પડે છે, અત્યાર સુધી તો અમે ગામડાઓમાં ફર્યા વગર જ ચૂંટણી જીતી જતા’ પહેલાં તો ચૂંટણી સમયે જ નેતાઓ દેખાતા.
ભાજપે આ વ્યવસ્થા બદલી. ચૂંટણી હોય કે ન હોય લોકોની વચ્ચે રહેવુ જરૂરી છે.
• નારાયણભાઈ પટેલના નામજોગ મોદી બોલ્યા કે ‘અહીં કાકા બેઠા છે. તેઓ વહેલા ઘરે જાય તો પણ કાકી કહેતા કે કેમ વહેલા આવ્યા?’ ભાજપનો કાર્યકર્તા તો ઘરે હોય તો ઘરમાંય સૌને નવાઈ લાગે કે પ્રવાસ કેમ બંધ થયો? તમે ટિફિન બેઠકો શરૂ કરો. પ્રાથમિક સભ્યો સાથે સંમેલન કરો. લાભાર્થીઓને લાભ મળે છે કે કેમ એ જાણો.
• ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ઉલ્લેખ કરી કહ્યું વર્ષ 1998 ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ હતું. મોદીએ કહ્યુ કે, એ વખતે ધોળકામાં ભૂપેન્દ્રસિંહે દિવાલ ઉપર ‘બસ હવે તો ભાજપ જ’ સુત્ર લખ્યુ હતુ. એ એટલું અસરકારક થયુ કે સમગ્ર રાજ્યમાં પકડાયુ. શબ્દોની પસંદગી અને તેની ગંભીરતાને સમજાવતા મોદીએ ચૂંટણી પ્રચારનો મર્મ સમજાવ્યો હતો.
• આઈ.કે. જાડેજાનો નામજોગ ઉલ્લેખ કરી કહ્યું કે ટેકનોલોજી નહોતી ત્યારે તેઓ કાયમ પોતાના ખિસ્સામાં સરકારની યોજનાઓનું કાર્ડ રાખતા. મોદીએ જણાવ્યું કે, આઈ.કે. જ્યાં જાય ત્યાં જરૂરીયાતમંદને જાણીને કાર્ડ વહેંચે. પછી એ મેળો હોય કે કોઈનો પ્રસંગ. હવે તો કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે. યોજનાઓનો લાભ છેવડાના નાગરીક સુધી પહોચે તેના માટે સૌએ મથવુ જોઈએ.