નવી દિલ્હીઃ ફ્લોરિડાના 14 વર્ષના દેવ શાહે psammophile શબ્દનો સાચો સ્પેલિંગ લખીને ‘2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી’ સ્પર્ધા જીતી લીધી છે. પહેલેથી જ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભારતવંશી બાળકોનો દબદબો રહ્યો છે, અને આ સિલસિલો આગળ વધ્યો છે. દેવ શાહને 95મી ‘2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી’ સ્પર્ધા જીતવા સાથે 50,000 ડોલરનું ઇનામ મળ્યું હતું. ટ્રોફી સ્વીકારતી વખતે દેવે જણાવ્યું હતું કે, ‘મને વિશ્વાસ નથી થતો કે આ હકીકત છે. હજુ મારા પગ ધ્રુજી રહ્યા છે.’
મેરીલેન્ડના નેશનલ હાર્બરમાં યોજાયેલી સ્પર્ધા જીત્યા પછી તેણે કહ્યું હતું કે, “મેં છેલ્લા ત્રણ મહિનામાં ઘણો ભોગ આપ્યો હતો અને મને ખુશી છે કે તેનું ફળ મને મળ્યું છે.” દેવ શાહે ઘણું વિચાર્યા પછી psammophileનો સાચો સ્પેલિંગ લખ્યો હતો. આ શબ્દનો અર્થ એક એવો છોડ કે પ્રાણી છે જે રેતાળ વિસ્તારમાં પાંગરે છે.
સ્પર્ધામાં સ્પેલિંગ વિશે વધુ માહિતી મેળવવા દેવ શાહે પ્રશ્ન કર્યો હતો કે, “Psammo ગ્રીક શબ્દ છે અને તેનો અર્થ રેતી થાય છે?” તેને જવાબ મળ્યો કે, “Phile શબ્દનો અર્થ પ્રેમ થાય છે.” દેવ શાહને તરત જ શબ્દના મૂળની જાણ થઈ હતી પણ સાવચેતી માટે તેણે વધુ માહિતી માંગી હતી. તેના ચહેરા પર હાસ્ય હતું, જે દર્શાવતું હતું કે દેવ શાહને તેના જવાબમાં વિશ્વાસ છે.
દેવ શાહે ડિક્શનરી માટે વધુ સમય આપવા ઇતર પ્રવૃત્તિમાં ઘટાડો કર્યો હતો. પરીક્ષા પૂરી થયા પછી કેટલાક દિવસ તો તે શાળાએ પણ ન હતો ગયો. દેવ શાહે જણાવ્યું હતું કે, “આ તમામ બાબતોનું મને ફળ મળ્યું છે.” તેણે કહ્યું હતું કે, “મેં જે સમયે આખરી શબ્દ સાંભળ્યો ત્યારે લાગ્યું કે હું સ્પર્ધા જીતી ગયો છું.”
સ્પર્ધામાં તેણે bathypitotmeter, tolsester, rommack, aegagrus, schistorrhachis, poliorcetics, Perioeci, exhortation, cocomat અને ardoise જેવા શબ્દોના પણ સાચો સ્પેલિંગ લખ્યો હતો.