વોશિંગ્ટન: ‘આઉટકમ હેલ્થ’ના કો-ફાઉન્ડર અને ભારતીય-અમેરિકન બિઝનેસમેન ઋષિ શાહને અમેરિકી અદાલતે સાડા સાત વર્ષની જેલની સજા ફટકારી છે. ઋષિ શાહ સામે આરોપ હતો કે તેની કંપનીએ જંગી નફો કમાવા માટે ગોલ્ડમેન સાક્સ, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ અને ઇલિનોઇસના ગવર્નર જેબી પેટ્રિકરની કંપની સાથે છેતરપિંડી કરી હતી. અમેરિકામાં ડિસ્ટ્રિક્ટ જજ થોમસ ડર્કિને કોર્પોરેટ છેતરપિંડીના આરોપમાં શાહને દોષિત જાહેર કર્યા પછી તેને દોષી ઠેરવ્યો હતો.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર શાહે યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન આઉટકમ હેલ્થ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ કંપનીની રચના 2006માં થઈ હતી. આ કંપનીનું કામ ડોક્ટરોની ઓફિસમાં ટીવી લગાવવાનું હતું જેના પર મેડિકલ ફિલ્ડને લગતી જાહેરાતો બતાવાતી હતી. આ કામમાં શ્રદ્ધા અગ્રવાલ નામની મહિલા પણ શાહની ભાગીદાર હતી. કંપનીએ થોડા વર્ષોમાં જંગી નફો કર્યો હતો. જોકે, જાહેરાતકર્તાઓ અને દર્દીઓ વચ્ચે કેવી રીતે સંપર્ક હોવો જોઈએ તે અંગે પ્રશ્નો ઊભા થયા હતા. આ મામલે આઉટકમ હેલ્થે ઘણી મોટી કંપનીઓ સાથે ફ્રોડ કર્યાનું બહાર આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચાર વર્ષમાં, શાહની કંપની હેલ્થકેર અને ટેક ઇન્વેસ્ટમેન્ટના સંદર્ભમાં એક મોટી કંપની બની ગઈ હતી. કંપનીએ આધુનિક ટેકનોલોજી દ્વારા તબીબી ઉત્પાદનોના વિતરણનું વચન આપ્યું હતું. કંપનીએ જાહેરાત સામગ્રીનું વધુ વેચાણ દર્શાવ્યું હતું. આ પછી કંપનીના નાણાકીય આંકડાઓમાં છેડછાડ કરાઇ હતી અને રોકાણકારો સાથે ખોટું બોલવામાં આવ્યું હતું. ડેટા ટેમ્પરિંગનો ખુલાસો થયા બાદ આઉટકમ હેલ્થ કંપનીની પોલ ખુલવા લાગી હતી.
પ્રાઇવેટ જેટ અને જહાજની માલિકી
શાહે પોતાનું પ્રાઈવેટ જેટ અને જહાજ પણ ખરીદ્યા હતા. તેણે 1 કરોડ ડોલરનો બંગલો ખરીદ્યો હતો. 2016માં ઋષિ શાહની કુલ સંપત્તિ 4 બિલિયન ડોલર થઈ ગઈ હતી. 2017માં, વોલ સ્ટ્રીટ જર્નલમાં ઋષિ શાહની સ્ટોરી પણ પબ્લિશ થઈ હતી.