વાવઃ પાકિસ્તાનમાં કરોડો તીડના ઝૂંડ અનિયંત્રિત છે. પવનની દિશા બદલાતાં ભારત - પાકિસ્તાન સરહદે આવેલા ઉત્તર ગુજરાતમાં તીડના ટોળાં ધસી આવે છે. વાવ તાલુકાના ગામડાંઓમાં ૧૭મી જાન્યુઆરીએ ફરી કરોડોની સંખ્યામાં તીડનું આક્રમણ થતાં સરકાર પણ ચિંતિત બની અને તીડ નિયંત્રણ વિભાગે તીડનાં ટોળાંને કાબૂમાં કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે તો ખેડૂતો પાકનો સફાયો ન થાય તે માટે વાસણ, તગારા વગાડીને ધુમાડો કરીને તીડ ભગાડી રહ્યા છે.
૧૭મી જાન્યુઆરીએ સાંજે પવનની દિશા બદલાતા વાવ નજીકના રાધાનેસડા, કુંડાળીયા અને માવસરી સહિતના ગામોમાં તીડ ત્રાટકયાં હતા. માવસરીમાં તો વાસણના અવાજ, ફટાકડા ફોડ્યા અને ધુમાડો કર્યાં છતાં જીરાનો પાક બચાવી શકાયો નહોતો. ૨૦ કિલોમીટરની લંબાઇ અને ૩ કિલોમીટર પહોળાઇમાં પથરાયેલું તીડનું આ ટોળું રાધાનેસડા રણ થઇને આવ્યું હતું. ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું કે. રાધાનેસડા, કુંડાળીયા અને માવસરીમાં તીડ ત્રાટકતાં દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. કુંડાળીયામાં ૨૧ ટ્રેકટર, માવસરીમાં ૬ ટ્રેકટર મળી કુલ ૨૭ ટ્રેકટર તેમજ કેન્દ્રની ૮ ટીમો દવા છાંટી રહી છે.
રણવિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો
માવસરીના નાયબ સરપંચ પ્રકાશભાઈ વ્યાસે જણાવ્યું કે, વગડામાં આમ તો વધુ તીડ હતા ત્યાં રખડતા પશુઓ વધુ ઘાસચારો પણ ચરે છે તેથી પશુઓને હાનિ ન થાય એ માટે ખેડૂતોએ ત્યાં દવા છાંટવાની ના પાડી હતી. રણમાં દવાનો છંટકાવ કરાયો હતો. અગાઉ આવેલા તીડનાં ટોળાં કરતાં આ ટોળું વધુ મોટું છે. તીડના આક્રમણ પર નિયંત્રણ ન થાય તો મોટી સંખ્યામાં આફત સર્જાઈ શકે છે.