પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વનવાસી વિસ્તારમાં વારસાગત સિક્સસેલ એનિમિયા રોગના તાજેતરમાં ૩૯૦ કેસ સામે આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિક્સસેલ એનિમિયા અને ૧૮ જેટલા સિક્સસેલ ટ્રેઈટ ધરાવતા વ્યક્તિઓ હોવાનું તાજેતરમાં સામે આવ્યું છે. આ રોગને અટકાવવા માટે ઉત્તર ગુજરાત આરોગ્ય તંત્ર દ્વારા દાંતા અને અમીરગઢ તાલુકામાં સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
બનાસકાંઠા જિલ્લાના વનવાસી વિસ્તારોમાં સિક્સસેલ એનિમિયા રોગ વારસાગત રીતે આમ તો જોવા મળતો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જોકે કોરોના મહામારી વચ્ચે આ રોગના વનવાસી વિસ્તાર દાંતા અને અમીરગઢ તાલુકામાં ૩૯૦થી વધુ કેસ નોંધાતા આ બાબત ચિંતાજનક ગણાવાઈ રહી છે. વારસાગત સિક્સસેલ એનિમિયા અને ૧૮ જેટલા સિક્સસેલ ટ્રેઈટ ધરાવતા વ્યક્તિઓનાં લોહીનાં પરીક્ષણ કરતાં જાણવા મળ્યું હતું કે દર્દીઓને આ રોગ છે. જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે કોઈ પણ રોગનું નિદાન શક્ય તેટલું ઝડપી કરવાનો સંકલ્પ છે.
આરોગ્ય વિભાગ દ્વારા આ સિક્સસેલ પોઝિટિવ દર્દીઓને પીળા કલરનું કાર્ડ તેમજ સિક્સસેલ ટ્રેઈટગ્રસ્ત વ્યક્તિને અર્ધ પીળા કલરનું કાર્ડ અને સામાન્ય વ્યક્તિને સફેદ કલરના કાર્ડ આપવામાં આવ્યાં છે. જોકે સિક્સસેલ ટ્રેઈટ કે સિક્સસેલ એનેમિયાવાળા પુરુષ મહિલા સાથે લગ્ન કરવામાં આવે તો આવનાર બાળક પણ સિક્સસેલ એનિમિયાવાળું જન્મે એવી શક્યતા રહેલી હોય છે. આરોગ્ય વિભાગ આ રોગને જડ મૂળથી નાબૂદ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાનું સ્થાનિક આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
રોગ કેવી રીતે ફેલાય?
જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. ગર્ગે જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં વર્ષો પહેલાં ઝેરી મેલેરિયાથી લોકોનાં મોત થતાં હતા. જેને લઈ તેમના રક્તકણ કુદરતી દાંતરડા આકારના થતા તેઓ મેલેરિયાની બીમારીથી બચ્યા હતા, પરંતુ સિક્સસેલ એનિમિયાના રોગમાં સપડાયા હતા. જેને લઈ આ દર્દીઓનું આયુષ્ય ૩૦થી ૪૦ વર્ષનું થયું.
લોહીના સેમ્પલ લેવાયા
બનાસકાંઠાના કેટલાક આદિવાસી વિસ્તારમાં તમામ રહેવાસીઓનાં લોહીના સેમ્પલ લઈને દવા આપવા સાથે તેમને આ રોગ વિશે સમજણ પણ આપવામાં આવી છે. તેમના લગ્ન સિક્સસેલ એનિમિયા કે સિક્સ ટ્રેઈડ વ્યક્તિ સાથે ન થાય તો જ આ બીમારીને રોકી શકાય. એવું મેડિકલ ઓફિસરોએ સમજાવ્યું છે.
તબીબી કાર્યકરોએ એવું પણ સમજાવ્યું છે કે શરીરમાં બે પ્રકારના ક્રોમોઝોન હોય છે. જે વ્યક્તિને બન્ને ક્રોમોઝોનમાં બીમારી હોય તેને સિક્સસેલ એનિમિયા ગ્રસ્ત કહેવામાં આવે છે. જ્યારે એક ક્રોમોઝોનમાં જેને આ બીમારી હોય તેને સિક્સસેલ ટ્રેઈટ કહેવામાં આવે છે.