સુરતઃ સેશન્સ કોર્ટમાં સાધિકા સાથે દુષ્કર્મના કેસમાં મંગળવારે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદ અને માત્ર રૂ. એક લાખનો દંડ ફટકાર્યો હતો. ૨૬મી એપ્રિલે એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા નારાયણ સહિત પાંચ આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કરાયા હતા.
નારાયણ સહિત પાંચને સજા
પાખંડી આસારામના દીકરા નારાયણ સાંઇએ અનુયાયી એવી બે સગી બહેનો સાથે ૨૦૦૧માં પરિચય કેળવી તેમાંથી એકની સાથે ૨૦૦૨માં જહાંગીરપુરા આશ્રમમાં બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ તેની સાથે સુરત સહિતના અન્ય આશ્રમોમાં વારંવાર દુષ્કર્મ કર્યું હતું. આ ચકચારી કેસમાં છેલ્લા પાંચ વર્ષથી જેલવાસ ભોગવતા નારાયણ સાંઇ સહિત તેના કાવતરાખોર સાગરીતો ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા, ભાવના ઉર્ફે જમના, કૌશલ ઉર્ફે હનુમાન અને રમેશ મલ્હોત્રાને પણ કોર્ટે ૨૬મીએ દોષિત ઠેરવ્યા હતા. આ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અને હાલ જામીન ઉપર મુક્ત એવા અજય દીવાન, નેહા દીવાન, મોનિકા અગ્રવાલ, મોહિત ભોજવાણી અને પંકજ ઉર્ફે ચિન્ટુને કોર્ટે દોષમુક્ત જાહેર કર્યાં હતા. સાધિકાનું જાતીય શોષણ કરનારા નારાયણ સહિત પાંચેય આરોપીઓને કસૂરવાર ઠેરવી કોર્ટે તમામને ૨૬મીએ લાજપોર જેલ મોકલી આપ્યા હતા.
કેસનો ઘટનાક્રમ
જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર વર્ષ ૨૦૦૨માં દુષ્કર્મ આચરવામાં આવ્યું જેની ફરિયાદ ૧૧ વર્ષ પછી વર્ષ ૨૦૧૩માં કરાઈ હતી. ફરિયાદ બાદ નારાયણની ૫૮ દિવસ પછી કુરુક્ષેત્રમાંથી ધરપકડ કરાઈ હતી. નારાયણ સતત ૫૮ દિવસ સુધી ભાગતો રહ્યો હતો. એ પછી પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સામે ટ્રાયલ ચાલી હતી. ૩૦મીએ સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન, ગંગા, જમુના અને હનુમાનને ૧૦ વર્ષ અને રમેશને ૬ માસ કેદની સજા કરી હતી. નારાયણ સાંઈને રૂ. લાખ અને ગંગા, જમુના અને હનુમાનને રૂ. ૫૦૦૦ હજાર અને રમેશને રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો છે.
કાગળ પેન માગ્યા
કોર્ટમાં બચાવ પક્ષની દલીલો વચ્ચે નારાયણે લખવા કાગળ પેન માગ્યા અને જમીન પર બેસીને કાગળ પર લખ્યું કે, ૨૬મીએ તેને દોષી જાહેર કરાયો તેના પર પુનઃ વિચાર કરાય. તેઓ સચ્ચાઈ જાણવા માગે છે. એ પછી તે ઉભો રહીને દલીલો સાંભળતો રહ્યો. એ પછી તેણે ફરી કાગળ પેન માગીને લખ્યું કે, નિર્ભયા કેસમાં રૂ. ૧ કરોડ વળતર મંગાય તે સમજાય, પણ આ કેસમાં રૂ. ૨૫ લાખ વળતરની માગ સમજી શકાય નહીં.
સાંઈ હાઈ કોર્ટમાં જશે!
બચાવ પક્ષના વકીલ બી. એમ. ગુપ્તાએ ચુકાદા પછી કહ્યું, સીજેઆઈ સામે પણ દુષ્કર્મના આરોપ લાગે છે. રેપ કેસમાં કોઈ સાક્ષી જ હોતા નથી કે પુરાવા હોતા નથી. અમે દોઢ વર્ષની સજાની માગ કરી હતી. કોર્ટે આજીવન ફટકારી છે તેથી અમે હાઈ કોર્ટમાં જઈશું. આ રીતે છોકરીઓને પવિત્ર માની સજા અપાતી રહેશે તો સમાજે ભયાનક પરિણામ ભોગવવા પડશે. ફરિયાદી પક્ષે જણાવ્યું કે, આ કેસમાં પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હોવાથી તેના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાયો છે. નારાયણે ધાર્મિક સ્થાનના ઉચ્ચ દરજ્જે બેસીને ગુનો કર્યો છે તેને મહત્તમ જન્મટીપની સજા થવી જ જોઈએ.
લાંચનો કેસ પણ પેન્ડિંગ
સાધિકા ઉપર બળાત્કાર ગુજારવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે સાંઇની ધરપકડ કરીને જેલભેગો કર્યો એ પછી જેલમાંથી નારાયણ સાંઇએ આ કેસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ અને તબીબોને રૂપિયાના જોરે ખરીદી લેવા પેંતરો રચ્યો હોવાનો કેસ પણ તેની પર થયો હતો. પોલીસ અધિકારીઓ સહિતનાઓને લાંચ આપવા એકઠા કરાયેલા રોકડા રૂ. ૮.૧૦ કરોડ પણ અગાઉ જપ્ત કરાયા હતા.
સાક્ષીઓની હત્યા
બળાત્કારી બાપ બેટા આસારામ અને નારાયણના કેસના મહત્ત્વના સાક્ષીઓ અમૃત પ્રજાપતિ અને અખિલેશની હત્યા થઇ હતી. સાધિકાના પતિ તથા અન્ય એક સાક્ષી મહેન્દ્ર ચાવલા ઉપર પણ જીવલેણ હુમલો થયો હતો. આ હાઇપ્રોફાઇલ કેસમાં પ્રોસિક્યુશનના સાહેદો તથા મુખ્ય સરકારી વકીલ પી. એન. પરમારને પણ પોલીસ પ્રોટેકશન અપાયું છે.