બાલાસિનોરઃ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં બનેલા ફોસિલ પાર્ક- ડાયનાસોર મ્યુઝિયમનું ૮મી જૂને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ઉદ્દઘાટન કર્યું હતું. આ ડાયનાસોર મ્યુઝિયમનો પ્રારંભ થતાં ગુજરાતના આ મ્યુઝિયમે દુનિયાના ત્રીજા સૌથી મોટા વિશિષ્ઠ ડાયનાસોર ફોસિલ પાર્ક તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ફોસિલ પાર્ક દેશનો પ્રથમ ડાયનાસોર પાર્ક છે. આ પાર્ક દ્વારા પ્રવાસીઓને ડાયનાસોરનો ઇતિહાસ, એમની જીવન પદ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓને કેવી રીતે નાશ થયો તેની અધ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ અને ચાર્ટ દ્વારા જોવા મળશે.
બાવન હેક્ટરમાં મ્યુઝિયમ
બાલાસિનોરની નજીક રૈયોલી ગામે આશરે બાવન હેકટર વિસ્તારમાં ૬૫ મિલિયન વર્ષના ગુજરાતના ડાયનાસોરના ઇતિહાસની ગાથા કહેતો માહિતીસભર મ્યુઝિયમ અને પાર્ક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ પાર્ક અને મ્યુઝિયમમાં વિવિધ છ જેટલી માહિતી આપતી ગેલરીઓ ઉભી કરાઇ છે. અલગ અલગ ડાયનાસોરના મોડેલ્સ, ટચ ક્રિન, સેલ્ફ નેવીગેટર, ડોકયુમેન્ટરી ફિલ્મ દ્વારા ધરતીની ઉત્પત્તિથી એનો ઇતિહાસ, વિશાળકાળ ડાયનાસોરનું જીવનચક્ર અને ડાયનાસોર કેવી રીતે નાશ પામ્યા તેની વિવિધ માહિતી પણ રજૂ કરવામાં આવી છે.
ડાયનાસોર વિશેની વિવિધ માહિતી
વર્ષ ૧૯૮૩ અને ત્યારબાદ ૨૦૦૩માં જે ઇંડા અને ડાયનાસોરના વિવિધ ભાગોના હાડકાં મળ્યા હતા, એને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં ડાયનાસોરના રહેઠાણ, એની ટેવો, ખોરાક અને એના જીવનને લગતી અન્ય માહિતી વિભિન્ન આજથી ૩૬ વર્ષ પહેલા વિશાળકાળ રાજાસોરસ નર્મન્ડેન્સિસ ડાયનાસોર, રાયોલિસોરસ ગુજરાતેન્સિસ અને ટાએટેમોસોરસના હાડકાંરૂપી અવશેષો મધ્ય ગુજરાતના નવાબી નગર બાલાસિનોરથી ૧૧ કિલોમીટર દૂર રૈયોલી ગામે સંશોધન દરમિયાન મળ્યા હતા. આ ડાયનોસોરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસિલ વસાહત જણાય છે. અગાઉ ૨૦૦૩માં, અહીંથી ડાયનોસોરની લગભગ સાત પ્રજાતિઓને શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયનાસોર રેક્સ કુળની હતી. જેના અવશેષો નર્મદા નદીના વિસ્તારના સ્થળેથી પ્રાપ્ત થયા હતા.