અમદાવાદઃ બનાસકાંઠાના વાવમાં તળજાભાઈનો દોઢ વર્ષનો પુત્ર બીમાર પડતાં તેને ભૂવા પાસે લઈ જઈને ડામ અપાવાયા. જોકે બાળક અસ્વસ્થ જ રહેતાં તેને સારવાર માટે અમદાવાદ લવાયું, પણ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું.
ચીપિયા વડે ડામ
ભૂવાએ બાળકને ચીપિયા વડે ડામ દીધા હતાં. ડામ આપ્યા બાદ બાળકની તબિયત વધુ લથડતાં બાળકને થરાદ લઈ જવાયું હતું. એ પછી વધુ સારવાર માટે ડીસા લવાયું. ડીસામાં તબીબે કહ્યું કે, બાળકને ન્યુમોનિયા છે તેથી તેને અમદાવાદ લઈ જાઓ. અંતે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રવિવારે સાંજે સારવાર દરમિયાન બાળકે જીવ છોડી દીધો. આ ઘટનાના બનાસકાંઠામાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. લોકો અંધશ્રદ્વામાંથી બહાર આવે તે માટે તબીબો પણ અપીલ કરી રહ્યા છે.
ભૂવો ડામ દે ને બાળક તરફડે
ગ્રામ્ય વિસ્તારોમાં બીમાર બાળકોને સોંય, ચીપિયા, સળિયા ગરમ કરીને ભૂવા બાળકોને ડામ આપે છે. ડામ અપાતા હોય ત્યારે બાળકને તેના સ્વજનો તરફડતું જોયા કરે છે. બાળક બીમાર જ રહે પછી અંતે માતા પિતા હોસ્પિટલના પગથિયા ચડે છે. મુશ્કેલી એ છે કે બાળકને સારવાર માટે દવાખાને દાખલ કરાય ત્યાં સુધીમાં કે સારવારમાં બાળકનું મોત પણ થઈ શકે છે.
ડામ અપાયેલા ૨૦ બાળકોની સારવાર
બાળકને તાવથી શરદી, ખાંસી, ઝાડા-ઊલટી અને ખેંચ જેવી બીમારી જણાય તો લોકો અડધી રાત્રે ભૂવા પાસે દોડી જાય છે. ભૂવા માસૂમ બાળકની જિંદગી પણ જોખમમાં મૂકતાં ખચકાતા નથી. તાજેતરમાં ડામ અપાયેલા બાળકને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો જ્યાં બાળકનું મોત થયું હતું. ડીસાના તબીબોએ કહ્યું કે, છેલ્લા એક માસમાં ડામ અપાયેલા ૨૦થી વધુ બાળકોને સારવાર અપાઈ છે. ડોક્ટરોએ બીમાર બાળકોની સારવાર માટે વાલીઓને અપીલ કરી છે કે બાળક બીમાર પડે તો યોગ્ય તબીબી મદદ લો, પણ અંધશ્રદ્વાળુઓના બહેરા કાને તબીબોની વિનંતી અથડાતી
જ નથી.