અમદાવાદઃ અબુધાબીમાં તાજેતરમાં યોજાયેલી ફર્સ્ટ લો ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ૮૦ દેશોનાં ૨૦૦થી વધુ કાયદાકીય નિષ્ણાતોને સંબોધતા BAPSના બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે, વકીલોનાં વ્યવસાયમાં માત્ર કાયદાકીય નિપુણતા ઉપરાંત, અંતરાત્માનો અવાજ, સત્ય, અહિંસા અને પ્રામાણિકતા જેવા મૂલ્યો અનિવાર્ય છે. આ ફર્સ્ટ લો ઇન્ટરનેશનલ (FLI-૨૦૧૮) કોન્ફરન્સનાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન હાજર હતાં. આ કોન્ફરન્સમાં પ્રબુદ્ધ વક્તવ્યને કારણે સાધુ બ્રહ્મબિહારીદાસજીને સ્ટેન્ડિંગ ઓવેશન પ્રાપ્ત થયું હતું.
વકીલની ફરજ કોર્ટ ઉપરાંત, પોતાનાં ક્લાયન્ટ, પોતાનાં કમ્યુનિટી, કાઉન્ટરપાર્ટ કાઉન્સેલર પરત્વે છે જ, પરંતુ પ્રત્યેક વકીલે અંતરાત્માનો અવાજ અને સ્વચેતનાને કેન્દ્રમાં રાખીને કાનૂની ફરજ બજાવવી જોઈએ. મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાનાં પૂજારી હતા તો અબ્રાહમ લિંકન પ્રામાણિકતાને પ્રાથમિકતા આપતાં હતાં. આ બંને મહાનુભાવો દુનિયાનાં શ્રેષ્ઠ નેતાઓ હતા. તેમણે વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી, એમ કહી વકીલો અને નેતાઓ વચ્ચેનાં તાલમેળની વાત બ્રહ્મવિહારીદાસજીએ કરીને નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર, બરાક ઓબામા, વુડ્રો વિલ્સન અને જિનપિંગ જેવા એડવોકેટ કમ વર્લ્ડ લીડર્સનાં ઉદાહરણ આપ્યાં ને વકીલોના હક અને જવાબદારીની છણાવટ કરી હતી.
કોન્ફરન્સમાં ૧૪ હજાર વકીલો અને ૮૫ ગણમાન્ય આંતરરાષ્ટ્રીય લો ફર્મનું પ્રતિનિધિત્વ કરતાં ૮૦ દેશોમાંથી ૨૦૦ વકીલો હાજર હતા.