ગાંધીનગરઃ દિવસ હતો ૨૨ મેનો અને સમય હતો બપોરના બે વાગ્યાનો. સ્થળ હતું કોબા-સ્થિત શ્રીમહાવીર જૈન આરાધના કેન્દ્ર. હજારો આંખો એકીટશે ભગવાન મહાવીર સ્વામીના ભાલપ્રદેશને તાકી રહી હતી. ઘડિયાળમાં ૨ કલાકને ૭ મિનિટ થઇ કે ચરમતીર્થપતિ ૨૪મા તીર્થંકર મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનનો ભાલપ્રદેશ સૂર્યતિલકથી ઝળહળી ઉઠ્યો. આ સાથે જ આરાધનાધામ સંકુલ જયઘોષથી ગાજી ઉઠ્યું હતું. આ ઘટના ૧૯૮૭થી દર વર્ષે ૨૨ મેના રોજ બને છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાંથી હજારો ભાવિકો કોબામાં ઉમટ્યા હતા અને સૂર્યકિરણ થકી સર્જાતા દૈદિપ્યમાન પ્રકાશપુંજનો અલૌકિક નજારો નિહાળ્યો
હતો.
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના ટ્રસ્ટી શ્રીપાલભાઈ શાહના જણાવ્યા પ્રમાણે આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી કાળધર્મ પામ્યા બાદ તેઓની સ્મૃતિ ચિરસ્મરણીય રહે તે માટે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ આયોજન થયું છે. જે અનુસાર દર વર્ષે આરાધના ધામમાં શિલ્પશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનાં સમન્વયસમાન આ અદભૂત ઘટના નિર્માણ
પામે છે.
આચાર્ય પદ્મસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી જ્યોતિર્વિદ આચાર્ય અરુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા., શાસ્ત્રજ્ઞ વિદ્વાન આચાર્ય અજયસાગર સૂરીશ્વરજી મ.સા., પંચાગ ગણિતજ્ઞ આચાર્ય અરવિંદસાગર સૂરીશ્વરજી મ.સા.એ ભારે જહેમત ઉઠાવીને ગણતરી માંડી. આ પછી શિલ્પશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી એ પ્રકારે દેરાસરનું નિર્માણ કરાયું કે જેથી ચોક્કસ સમયે જ સૂર્યતિલકની ઘટના સર્જાય. આ પ્રકારની ઘટના બનવાના મૂળમાં એ કારણ છે કે, સુર્યની ગતિ નિશ્ચિત છે અને જ્યોતિષશાસ્ત્ર મુજબ સુર્ય ક્યારેય વક્ર ગતિ નથી કરતો. આમ અહીં દર વર્ષે ૨૨ મેના રોજ બપોરે ૨ ક્લાક અને ૦૭ મિનિટે જ ભગવાન મહાવીર સ્વામીના કપાળે સુર્યતિલક થાય છે. આ નજારો એટલો તો અલૌકિક અને ચમાત્કારિક લોકોને લાગે છે તેને નિહાળવા માટે લોકો કોબા ખાતે આવતા હોય છે.
શ્રીપાલભાઇ કહે છે કે અગાઉ એક વાર એવું બન્યું હતું કે જ્યારે વાદળો ઘેરાઈ આવ્યા હતા અને બધાને એવું હતું કે આ વર્ષે સૂર્યતિલકના દર્શન થશે નહીં, પરંતુ જેવો ૨.૦૭ મિનિટનો સમય આવ્યો કે વાદળો હટી ગયા અને પ્રભુ મહાવીરનાં ભાલે સૂર્યતિલક થયું હતું.