સુરતઃ પનાસ ગામની કચરાપેટીમાંથી તાજેતરમાં નવજાત બાળકી મળી હતી. ઘટનાની તપાસમાં બહાર આવ્યું કે આ બાળકી એ જ વિસ્તારમાં રહેતા સગા ભાઈ-બહેનના અનૈતિક સંબંધોનું પરિણામ છે. ૧૭મી જાન્યુઆરીએ સવારે પનાસ ગામની કચરાપેટી પર કાગડા ઊડાઉડ કરતા હતા. નજીકમાં રહેતી ધારા નામની બાળા નાસ્તો લેવા નીકળી ત્યારે તેણે કાગડાની કાગારોળ વચ્ચે બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો. બાળસહજ જિજ્ઞાસા સાથે કચરાપેટી પાસે પહોંચી તો પતંગના દોરામાં વીંટળાયેલી નવજાત બાળકી તેને નજરે પડી હતી. એ પછી ધારાએ તેના પરિવારને જાણ કરતાં સૌ ભેગા થયા અને ૧૦૮ને બોલાવી હતી અને ઉમરા પોલીસને પણ જાણ કરાઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે, પનાસ ગામના એક પરિવારની તરુણી ઘણા સમયથી ખુલતા વસ્ત્રો પહેરીને ફરતી હતી. ૧૬મીની બપોરથી તેના કોઈ સગડ નહોતા. ૧૭મીએ મોડી સાંજે ઉમરા પોલીસે સંદિગ્ધ તરુણીને ઝડપી હતી. પૂછપરછમાં તરુણીએ કબૂલ કર્યું કે સગા ભાઈ સાથે શારીરિક સંબંધથી તેને ગર્ભ રહ્યો હતો અને આ બાળકીને તેણે જન્મ આપ્યો હતો.