અમદાવાદઃ રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ કરતાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેન્ડેટ આપ્યો હતો. આ પગલાંથી નારાજ ચૌધરી સમાજમાંથી આવતા અને અગાઉ અપક્ષ અને કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહેલા માવજી પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. માવજી પટેલે પોતાના પ્રચાર દરમિયાન શેખી મારી હતી કે અપક્ષ તરીકે ચૂંટણી જીતીને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો પાવર ઉતારી દઇશ. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પદાધિકારીઓના ઉમેદવારી પાછી ખેંચવાના પ્રયાસોને પણ ફગાવી દીધા હતા.
આથી વાવ પેટા ચૂંટણી જીત્યા પછી પ્રમુખ પાટીલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ ‘પાવર’ બતાવી દીધો છે. આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપના કાર્યકરોએ કરેલી કામગીરી, મતદારોને આભારી છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલી કામગીરીને પણ બિરદાવી હતી.
સ્વરૂપજી અને કાર્યકરોને બિરદાવતા મુખ્યમંત્રી
વાવ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના વિજયી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા થકી તેમણે જણાવ્યું હતું કે યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ સ્વરૂપજી ઠાકોરને અને કર્મઠ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન આપું છું. તે સાથે તેમણે ભાજપાની વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ આભાર માન્યો હતો. અન્ય મંત્રીઓએ પણ ભાજપની વિજય બદલ સ્વરૂપજી અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
હારનો રંજ, વિજેતાને અભિનંદન: શક્તિસિંહ
વાવની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહે શરૂઆતથી જ દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ છેલ્લા થોડા રાઉન્ડમાં નુકસાની બાદ નજીવા મતોથી હારનો રંજ છે. વિજેતા ઉમેદવારને અભિનંદન અને વાવ વિધાનસભાના મતદારોએ કોંગ્રેસને જે સાથ આપ્યો તેમનો હાર્દિક આભાર. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જે નિષ્ઠા અને પ્રામાણિકતાથી ચૂંટણી લડ્યા તેમનો ખૂબ આભાર.