અમદાવાદઃ ગુજરાતમાં ભાજપે ફરી એક વખત વિજયપતાકા લહેરાવ્યા છે. વીતેલા સપ્તાહે તમામ છએ છ મહાનગરપાલિકા સર કર્યા બાદ હવે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. એક તરફ ભાજપે મજબૂત દેખાવ જારી રાખ્યો છે તો બીજી તરફ મુખ્ય વિરોધ પક્ષે કોંગ્રેસે એટલો જ નબળો દેખાવ કર્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ પક્ષના કારમા પરાજય બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે.
નગરપાલિકામાં ભાજપે ૨૦૮૫, કોંગ્રેસે ૩૮૮, અપક્ષે ૧૭૨, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (‘આપ’)એ ૯, માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા)એ ૬ તેમજ અન્યોએ ૨૪ બેઠકો જીતી છે.
જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાજપે ૮૦૦, કોંગ્રેસે ૧૬૯, અપક્ષે ૩, ‘આપ’ ૨, બસપાએ એક અને અન્યોએ ૪ બેઠકો જીતી છે.
તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ભાજપે કુલ ૩૩૫૨ બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસે ૧૨૫૨, અપક્ષે ૧૧૫, ‘આપ’ ૩૧, બસપાએ ૪ અને અન્યોએ ૧૬ બેઠકો જીતી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની ૮૧ નગરપાલિકાઓની, ૩૧ જિલ્લા પંચાયતોની તથા ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે રવિવારે મતદાન થયું હતું. મતદાન દર વખતની માફક એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું અને સરેરાશ ૬૩.૨૦ ટકા મતદાન થયું હતું.
અટલ વિશ્વાસ અને પ્રેમ માટે નમનઃ મોદી
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલા શાનદાર વિજય પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યાં છે. વડા પ્રધાને ટ્વિટ કર્યું હતું, ‘ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીનાં પરિણામોથી સ્પષ્ટ છે કે ગુજરાત ભાજપના વિકાસ અને ગુડ ગવર્નન્સના એજન્ડા સાથે ઊભું છે. હું ગુજરાતના લોકોને ભાજપ માટે તેમના અટલ વિશ્વાસ અને પ્રેમ માટે નમન કરું છું.’
કોંગ્રેસના નેતાઓ ચાવડા - ધાનાણીના રાજીનામા
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા હતા ત્યારે જ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું. અમિત ચાવડાથી માંડીને પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓના વિસ્તારમાં કોંગ્રેસનો પરાજય થતો જોવા મળ્યો છે તો ભાજપે શાનદાર વિજય મેળવ્યો છે. ભાજપનો આ દેખાવ વડા પ્રધાન મોદીથી માંડીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારમાં લોકોનો ભરોસો દર્શાવે છે.
કોંગ્રેસે ક્યાં લોચો માર્યો?
પરંપરાગત રીતે શહેરી વિસ્તારમાં ભાજપ તો ગ્રામ્ય વિસ્તારને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો રહ્યોછે, પરંતુ જે રીતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાથી લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓના વિસ્તારમાં કોંગ્રેસનો પરાજય થયો છે તે જોતાં સ્પષ્ટ થાયછે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોંગ્રેસનો આધાર ખસકવા લાગ્યો છે.
રાજકીય વિશ્લેષકો કહે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો નબળો દેખાવ દર્શાવે છે કે ગુજરાતમાં કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. ૨૦૧૫માં ભાજપને સૌરાષ્ટ્રની ૫૬માંથી ૩૦ વિધાનસભા બેઠકો મળી હતી. અને મોટા ભાગની જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ જેમાં રાજકોટ જિલ્લા પંચાયત પણ સામેલ છે તે કોંગ્રેસ પાસે હતી. કોંગ્રેસને મળેલી એ સફળતા પાછળ ભાજપથી પાટીદારો અને ખેડૂતોની નારાજગીનો મોટો ભાગ હતો. એ સમયે ગ્રામ્ય વિસ્તારો કોંગ્રેસની સાથે હતા. ૨૦૧૫માં મોરબી પાટીદાર આંદોલનમાં મહત્ત્વનું મથક હતું અને ત્યાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સફળતા મળી હતી. અમરેલી સહિત અન્ય જગ્યાએ પણ આવું જ થયું હતું. જ્યાં જ્યાં પાટીદારોનું પ્રભુત્વ હતું ત્યાં કોંગ્રેસને સફળતા મળી હતી.
૨૦૧૫માં પાટીદાર આંદોલનનો પ્રભાવ હતો અને હાર્દિક પટેલની લોકપ્રિયતા પણ ચરમ પર હતી. કોંગ્રેસને ત્યારે આનો ફાયદો મળ્યો હતો, પરંતુ આ વખતે ખેડૂતો અને પાટીદારો ભાજપ સાથે છે."
સક્ષમ નેતૃત્વનો અભાવ, આંતરિક ટાંટિયાખેંચ
વિશ્લેષકો કોંગ્રેસની ખામી સામે આંગળી ચીંધતા કહે છે કે કોંગ્રેસમાં સક્ષમ નેતાગીરીનો અભાવ, આંતરિક કંકાસ, નેતાઓ માત્ર ચૂંટણી વખતે દેખાય પછી ભૂલી જાય અને ટિકિટ છેલ્લે સુધી જાહેર નથી થતી, એવી અનેક સમસ્યાઓ છે. પરેશ ધાનાણી વિપક્ષના નેતા છે પરંતુ પોતાના ગઢ અમરેલી જિલ્લા પંચાયતમાં પક્ષને જિતાડી ન શકે, અર્જુન મોઢવાડિયા પણ પોતાના શહેરમાં પાર્ટીને જિતાડી ન શકે તો સમજવું કે પાર્ટી પાસે ચૂંટણીની કોઈ રણનીતિ જ નથી. આ કોંગ્રેસના પતનનાં કારણો છે અને હવે પરિસ્થિતિ એ છે કે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ રહેશે કે નહીં એ સવાલ છે. કોંગ્રેસનું જે હદે પતન થયું છે ત્યાંથી પાછાં ઊભા થવું બહુ મશ્કેલ છે.
હાર્દિક પટેલે પણ મહાનગરપાલિકા ચૂંટણી પછી પોતાની નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ જ પાર્ટીને ડુબાડી દેવા માટે જવાબદાર છે.
નિષ્ણાતો કહે છે કે કોંગ્રેસમાં જે સંસ્કૃતિ છે એ ઇશારો કરે છે કે હાર્દિક પટેલ જેવા નવા નેતાઓને અન્ય નેતાઓનો સાથ નહીં મળ્યો હોય. પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પાર્ટી તરફ એ રીતે સમર્પિત નથી દેખાતા કે તેઓ નવા નેતાને ટેકો આપીને પાર્ટીને મજબૂત બનાવે. કોંગ્રેસનો આંતરિક વિખવાદ તેને અસફળ બનાવે છે.
સરેરાશ ૬૩.૨૦ ટકા મતદાન
ગુજરાતમાં ૮૧ નગરપાલિકાઓની, ૩૧ જિલ્લા પંચાયતોની તથા ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે રવિવારે યોજાયેલું મતદાન દર વખતની માફક એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું અને ઝાલોદ સિવાય ક્યાંય કોઈ મોટો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. ઝાલોદ તાલુકાના ધોડિયા ગામે એકમાત્ર બૂથમાં બપોરે કેટલાક માણસોએ ધસી આવી ઇવીએમ ઉપર કુહાડીના ઘા મારી તોડી નાખતાં આ બૂથ ઉપર ફેરમતદાન યોજાયું હતું. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ નગરપાલિકાઓમાં ૫૬.૮૯ ટકા, જિલ્લા પંચાયતોમાં ૬૩.૪૫ ટકા અને તાલુકા પંચાયતોમાં ૬૪.૩૨ ટકા મતદાન નોંધાયું હતું, જે ૨૦૧૫માં થયેલા મતદાન કરતાં ઓછું હતું. રાજ્ય ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે ત્રણે સંસ્થાઓમાં સરેરાશ ૬૧.૫૫ ટકા મતદાન રહ્યું હતું. કોરોના મહામારીને સેમી અર્બન એવા નગરપાલિકા વિસ્તારમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.