નવી દિલ્હી: ગુજરાતમાં શાસક ભાજપ વિક્રમજનક સાતમી વખત સરકાર રચવા તરફ આગળ ધપી રહ્યો છે, વિપક્ષ કોંગ્રેસનો ફરી એક વખત કરુણ રકાસ થઇ રહ્યો છે અને ‘આપ’નો રાજ્યસ્તરે ઉદય થઇ રહ્યો છે. આ તારણ છે રાજ્યમાં હાથ ધરાયેલા એક્ઝિટ પોલનું.
182 બેઠકોની વિધાનસભા માટે સોમવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું તે સાથે જ વિવિધ ટીવી ચેનલો અને અખબારી જૂથો દ્વારા હાથ ધરાયેલા એક્ઝિટ પોલના પરિણામ જાહેર થયા હતા. જેમાં એક અવાજે સૂર રજૂ થયો છે કે રાજ્યમાં ફરી એક વખત ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર રચશે. છ મીડિયા ગ્રૂપ દ્વારા થયેલા એક્ઝિટ પોલના સર્વેની સરેરાશ જોઇએ તો ભાજપને 136, કોંગ્રેસને 35 અને ‘આપ’ને 8 બેઠક મળી શકે છે.
અલબત્ત, આ માત્ર જનમત સર્વેના આધારે રજૂ થયેલું તારણ છે. ભૂતકાળમાં એક્ઝિટ પોલના તારણ ખોટા પણ સાબિત થયા છે તે સહુએ યાદ રાખવું જોઇએ. સાચું ચિત્ર તો ગુરુવારે - આઠમી ડિસેમ્બરે મતગણતરી સાથે જ સ્પષ્ટ થશે.
ગુજરાતની સાથે જ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થશે. 68 બેઠકો ધરાવતા હિમાચલ પ્રદેશમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે કસોકસની સ્પર્ધા જોવા મળે છે.
એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 182 પૈકી 117થી 151ની રેન્જમાં બેઠક મળશે. કોંગ્રેસને 16થી 51ની રેન્જમાં બેઠક મળશે તેમ કહેવાયું છે. તો ‘આપ’ને 2થી 13 બેઠક મળશે તેમ કહેવાયું છે. બહુમતી માટે કોઈ પણ પક્ષને 92 બેઠક જરૂરી છે.
ટીવી9 ગુજરાતી ટીવી ચેનલના અંદાજ અનુસાર ભાજપને 125-130, કોંગ્રેસ-એનસીપીને 40-50 અને આમ આદમી પાર્ટી (‘આપ’)ને 3-5 તથા અન્યોને 3-7 સીટ મળશે. આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 129-151 સીટ મળશે, કોંગ્રેસને 16-30 અને ‘આપ’ને 9-21 સીટ મળશે. એબીપી ન્યૂઝ સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 128-140 સીટ, કોંગ્રેસને 31-43 અને ‘આપ’ને 3-11 બેઠક મળશે. ન્યૂઝ 24-ટૂડેઝ ચાણક્યના પોલ અનુસાર ભાજપને 150 સીટ મળે તેવી શક્યતા છે, જ્યારે કોંગ્રેસને 19 અને આપને 11 સીટ મળવાની શક્યતા જણાય છે. ન્યૂઝ એક્સ-જન કી બાતના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 117-140 સીટ, કોંગ્રેસ-એનસીપીને 34-51 અને આપને 6-13 તથા અન્યને 1-2 સીટ મળવાનો અંદાજ છે. રિપબ્લિક ટીવી પી-માર્કના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 128-148, કોંગ્રેસને 30-42 અને આપને 2-10 તથા અન્યોને 0-3 બેઠક મળશે.
ભાજપને સૌથી વધુ 151 તો સૌથી ઓછી 117
ભાજપને સૌથી વધુ 151 સીટ મળશે તેવો વર્તારો એક્સિસ-ઈન્ડિયા ટૂડેના સર્વેમાં કરવામાં આવ્યો છે. ટૂડેઝ ચાણક્યના પોલ અનુસાર પણ ભાજપને 150 સીટ મળશે. રિપબ્લિકનો સર્વે પણ તેની નજીક જ છે. જો આ સર્વે સાચો પડે તો ભાજપે ચૂંટણી અગાઉ આપેલા ટારગેટ સુધી ભાજપ પહોંચી શકે. બીજી તરફ જોઈએ તો ભાજપને સૌથી ઓછી 117 સીટનો અંદાજ ન્યૂઝ એક્સ-જન કી બાતના એક્ઝિટ પોલમાં અપાયો છે.
કોંગ્રેસને સૌથી વધુ 51 તો સૌથી ઓછી 19
કોંગ્રેસને સૌથી વધુ 51 સીટનો અંદાજ ન્યૂઝ એક્સ-જન કી બાતના સર્વેમાં રજૂ થયો છે જેણે ભાજપને સૌથી ઓછી સીટ મળવાનો અંદાજ આપ્યો છે. કોંગ્રેસને સૌથી ઓછી 19 સીટનો અંદાજ ટૂડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યો છે. એ જ રીતે આમ આદમી પાર્ટીને સૌથી વધુ 21 સીટ એક્સિસ-ઈન્ડિયા ટુડેના સર્વે મુજબ મળવાનો અંદાજ છે. મહત્વની બાબત એ છે કે આ જ સર્વેમાં ભાજપને સૌથી વધુ 151 સીટનો અંદાજ રજૂ થયો છે. ‘આપ’ને સૌથી ઓછી 2 સીટનો અંદાજ રિપબ્લિકના પોલમાં અપાઇ છે. 3 સીટ એબીપી ન્યૂઝ-સી વોટરના અંદાજમાં અપાઇ છે.
આમ છતાં દરેક ચૂંટણી વખતે બહાર પડતા ઓપિનિયન પોલ દરેક રાજકીય પક્ષો, ઉમેદવારો અને સમર્થકોને એક વાર વિચારતા તો કરી નાખે છે કે, ‘આ એક્ઝિટ પોલના આંકડા સાચા પડશે કે ખોટા?’
2017નો એક્ઝિટ પોલઃ ઐસા ભી હોતા હૈ...
વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ ખૂબ રસપ્રદ રહ્યા હતા, ટાઈમ્સ નાઉએ ભાજપને 115 અને કોંગ્રેસને 64 બેઠક પર જીત મળવાનું અનુમાન કર્યું હતું. જ્યારે ટુડે- ચાણક્યે ભાજપને 135 બેઠક અને કોંગ્રેસને માત્ર 47 બેઠક મળશે તેવો એક્ઝિટ પોલ પ્રસારિત કર્યો હતો. એપીબી ન્યૂઝે ભાજપને 117 જ્યારે કોંગ્રેસને 64 બેઠક પર જીત મળશે તેવું અનુમાન એક્ઝિટ પોલ મારફતે લગાવ્યું હતું. જ્યારે ઈન્ડિયા ટુડેએ ભાજપને 99થી 113 અને કોંગ્રેસને 68થી 82ની રેન્જમાં બેઠક મળશે તેવો દાવો કર્યો હતો.
છેલ્લા જ્યારે સત્તાવાર મત ગણતરી થઈ તો ભાજપ 100 બેઠકોનો આંકડો પણ પાર નહોતો કરી શક્યો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠક પર જીત મળી, જ્યારે કોંગ્રેસ 77 બેઠક પર સફળ રહી, અન્ય પક્ષને 6 બેઠક પર જીત મળી હતી.