ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસનો કારમો પરાજય

Wednesday 24th February 2021 06:53 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વખત ભગવો લહેરાયો છે અને ભાજપે તમામ છ મહાનગરપાલિકા - અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર કબ્જે કરી છે. મહાનગરપાલિકાની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ૪૬ ટકા જેટલું નીચું મતદાન થયું હતું. આમ છતાંયે ભાજપને ભૂતકાળના તમામ રેકોર્ડ તોડીને ફરી પાંચ વર્ષના શાસનનો જનાદેશ મળ્યો છે. કોરોના મહામારી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ જાણે કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ સ્વીકાર્ય ન હોય તેમ જાકારો આપ્યો છે. તો બીજી તરફ, આ સ્થાનિક ચૂંટણીઓ મારફતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (‘આપ’) અને અસદ્દુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમિન (એઆઇએમઆઇએમ)ના ગુજરાતમાં પગરણ થયા છે. સુરતમાં ‘આપ’નો ૨૭ બેઠકો પર વિજય થયો છે. તો અમદાવાદમાં ઓવૈસીની એઆઇએમઆઇએમના ૭ ઉમેદવારો ચૂંટાયા છે.
અઢી-ત્રણ દાયકાથી ગુજરાતના મહાનગરોમાં શાસનધૂરા સંભાળી રહેલા ભાજપે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરમાં પોતે જ પ્રસ્થાપિત કરેલા રેકોર્ડ તોડીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ગુજરાતમાંથી કોંગ્રેસમુક્ત ભારતની શરૂઆત થઈ ચૂકી હોય તેમ સુરત કોર્પોરેશનમાં એક પણ ઉમેદવાર જીત્યો નથી! સુરતમાં લોકોએ વિપક્ષ તરીકે કોંગ્રેસના બદલે ‘આપ’ પર પસંદગી ઉતારી છે. વડોદરા, રાજકોટ, ભાવનગરમાં કોંગ્રેસે જીતેલી બેઠકોનો આંકડો સિંગલ ડિજિટમાં છે. તો અમદાવાદ શહેરમાં પણ કોંગ્રેસનો સાવ રકાસ થયો છે. આમ, પાંચ વર્ષ પહેલા છ કોર્પોરેશનમાં કુલ ૧૭૫ જનપ્રતિનિધિ ધરાવતી કોંગ્રેસનો આંકડો ઘટીને ૫૫ થઇ ગયો છે.

‘છોટે ચાણક્ય’ની જોડી

મહાનગરપાલિકાની ચૂંટણીના જ્વલંત પરિણામો બાદ વિશ્લેષકો પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની જોડીને ‘છોટે ચાણક્ય’ની જોડી તરીકે ઓળખાવી રહ્યા છે. આ બન્ને નેતાઓએ ઘડેલો ચૂંટણી વ્યૂહ અને પ્રચારની રણનીતિ પક્ષને વિજયના પંથે દોરી ગઇ છે. છ મહાનગરોની ચૂંટણીમાં ઊતરતા પહેલા જ ભાજપે એન્ટિઈન્કમ્બન્સીને ખાળવા ત્રણ ટર્મ ચૂંટાયેલા, ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા અને હોદ્દેદારોના સગાં સંબંધીઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર-રાજ્યમાં મજબૂત સરકાર અને સ્થાનિક સ્તરે ઓછા લોકપ્રશ્નો વચ્ચે ભાજપમાં નવયુવકોને જ ચૂંટણીમાં ઉતારવાનો પ્રયોગ ફળ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટમાં ભાજપના ૪૦થી વધુ ઉમેદવારોએ તો ધારાસભ્યોને પણ શરમાવે તેવી જંગી લીડથી વિજય પતાકા લહેરાવ્યા છે.

છ મહાનગરોની ૫૭૬ બેઠકોમાંથી ભાજપે જીતેલી ૪૮૩ બેઠકોમાં સૌથી વધુ યુવાન, શિક્ષિત જનપ્રતિનિધિઓ નાગરિકોને મળ્યા છે. આમ, ગુજરાત દેશમાં સૌથી વધુ યુવાન ચૂંટાયેલા યુવા જનપ્રતિનિધિઓ ધરાવતા રાજ્ય તરીકે પણ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. આ સાથે જ ભાજપ માટે વિધાનસભા - ૨૦૨૨ની ચૂંટણીનો રસ્તો સાવ સાફ થઈ ગયો છે. મહાનગરોના પરિણામોની અસર રવિવારે યોજનારી ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ જોવા મળે તો નવાઈ નહીં.

ધન્યવાદ, ગુજરાત!

ગુજરાતમાં ભાજપના વિજયપતાકા લહેરાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રાજ્યના મતદારોનો આભાર માન્યો હતો. વડા પ્રધાને ટ્વિટ કર્યું હતુંઃ રાજ્યભરની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓના પરિણામો સ્પષ્ટપણે બતાવે છે કે, લોકો વિકાસની રાજનીતિ અને સુશાસન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ફરી એક વાર ભાજપ ઉપર વિશ્વાસ મુકવા બદલ રાજ્યની જનતાનો આભારી છું. ગુજરાતની સેવા કરવી એ હંમેશા ગૌરવ છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાને મતદાન પૂર્વે પક્ષના પેજ પ્રમુખોને સંબોધતો પત્ર લખી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

સૌથી ઓછી ઉંમર, સૌથી વધુ લીડ

પાલિકાની ચૂંટણીના તમામ ઉમેદવારોમાં વોર્ડ-૯ના ભાજપના ૨૨ વર્ષીય ઉમેદવાર શ્રીરંગ રાજેશ આયરે સૌથી વધુ ૨૦,૧૧૧ મતથી લીડથી વિજેતા બન્યા છે. શ્રીરંગ ભાજપના સૌથી નાની ઉંમરના ઉમેદવાર છે. ભાજપના ત્રણ ટર્મથી વધુ ચૂંટણી લડ્યા હોય તેવા લોકોને ટિકિટ નહીં આપવાના નિર્ણયના કારણે રાજેશ આયરેને ટિકિટ મળી શકી ન હતી. તેના સ્થાને તેના પુત્ર શ્રીરંગ આયરેને ટિકિટ આપવામાં આવી હતી.

અમદાવાદઃ ઇતિહાસમાં પહેલી વાર ભાજપને ૧૫૯ બેઠક, ઓવૈસીને ૭ મળી

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીના ઈતિહાસમાં ભાજપે સૌથી વધુ ૧૫૯ બેઠકો જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ૧૯૮૭માં ભાજપે પહેલી વાર કોર્પોરેશનમાં સત્તા સંભાળ્યા પછી અત્યાર સુધીની આ સૌથી મોટી જીત છે. ભાજપે નવા માપદંડ અનુસાર ૧૦૦થી વધુ સિનિયર નેતાઓની ટિકિટ કાપી હોવા છતાં પ્રચંડ બહુમતીથી વિજય થયો છે. તો ઓવૈસીના પક્ષે ૭ બેઠક જીતીને ખાતું ખોલાવ્યું છે. જોકે, ‘આપ’ને એક પણ સીટ મળી નથી. અન્ય રસપ્રદ બાબત એ છે કે, ૧૯૨માંથી માત્ર એક અપક્ષ લાંભા વોર્ડમાંથી ચૂંટાયો છે. ૪૮ વોર્ડમાંથી ૩૮ વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલનો વિજય છે. નારણપુરામાં ભાજપ એક બેઠક બિનહરીફ જીત્યો છે.

રાજકોટમાં ભાજપે ૬૮, કોંગ્રેસ ૪ બેઠક જીતી, આપને ૧૭.૨ ટકા મત

વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલનના પગલે રાજકોટમાં કોંગ્રેસને ૩૪ બેઠક મળી હતી તે આ વખતે ઘટીને ૪ થઇ છે, જ્યારે ભાજપને ૨૦૧૫માં ૩૮ બેઠકો મળી હતી તે વધીને ૬૮ થઇ છે. ભાજપને કોંગ્રેસનો ગઢ વોર્ડ નં. ૩ તોડવામાં સફળતા મળી હતી. જોકે વોર્ડ ૧૫માં કોંગ્રેસનો ગઢ અકબંધ રહ્યો છે. ભાજપ માટે બહુમતી મેળવવી મુશ્કેલ નહોતી, પરંતુ કોંગ્રેસને ક્લિનસ્વીપ કરવા માટે કેટલાક મોટા માથાને હરાવવા પડકાર હતો. વોર્ડ નં. ૧૨માં કોંગ્રેસના વિજય વાંકને હરાવવામાં ભાજપના પ્રદીપ ડવ ડાર્ક હોર્સ સાબિત થયા હતા. વોર્ડ નં. ૨માં દાવેદારી કરનાર અતુલ રાજાણીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરામાં ૬૯ બેઠકો સાથે ભાજપની સૌથી મોટી જીત, કોંગ્રેસને ૭ જ બેઠક

આ વખતના પરિણામો દર્શાવે છે કે ૧૫ વર્ષ બાદ કોંગ્રેસ ફરી સિંગલ ડિજિટમાં સમેટાઇ છે. વર્ષ ૨૦૦૫માં ભાજપને ૫૮ જ્યારે કોંગ્રેસને ૧૪ બેઠકો મળી હતી. જ્યારે આ વખતે ભાજપને ૬૯ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર ૭ બેઠકો આવી છે. આ ચૂંટણીમાં ૧૬ લઘુમતી ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા, પરંતુ એક પણ ઉમેદવાર વિજેતા બન્યા નથી. આમ આ વખતના બોર્ડમાં ૧૧ વર્ષ ફરી એક વખત એક પણ લઘુમતી કાઉન્સિલર નહીં હોય. સૌથી વધુ વિવાદમાં રહેલી વોર્ડ-૧૮ની ચારે બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી હતી. આ વોર્ડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનો ૩૪ વર્ષ બાદ પરાજય થયો છે.
સુરતમાં ‘પાસ’નું ફેક્ટર ભાજપને નહીં, પણ કોંગ્રેસને નડી ગયું
સુરત શહેર ૨૦ વર્ષ બાદ ‘કોંગ્રેસમુક્ત’ બન્યું છે. સુરતમાં ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકમાંથી ભાજપે ૯૩ બેઠક તો ‘આપ’એ ૨૭ બેઠક જીતી છે. વરાછામાં ‘આપ’ના વિજય પાછળ કોંગ્રેસમાં ટિકિક વહેંચણીને લઇ પાટીદાર આંદોલન સમિતિ (‘પાસ’) સાથે કરાયેલો અન્યાય, તક્ષશીલા કાંડ, મોંઘવારી સહિતના ફેક્ટર કામ કરી ગયા છે. કોંગ્રેસના સૂંપડા સાફ થઇ જતાં સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર ‘આપ’ વિપક્ષમાં બેસશે. શહેર ભાજપ મહામંત્રીપદેથી રાજીનામું આપી કતારગામ વેડરોડમાંથી ચૂંટણી લડનાર લલીત વેકરિયાની પણ હાર થઇ ગઇ છે.

જામનગરમાં બસપાના પગરણઃ ભાજપને ૧૨ બેઠક વધુ, કોંગ્રેસને ફટકો

જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડની કુલ ૬૪ બેઠકમાંથી ૫૦ ઉપર કમળ ખીલતાં શહેરમાં સતત છઠ્ઠી વખત ભાજપ શાસનધૂરા સંભાળશે. ફક્ત ૧૧ બેઠક પર કોંગ્રેસના પંજો પડ્યો છે. તો માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા)એ ૩ બેઠક કબ્જે કરી છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત તો મળ્યા છે, પરંતુ બેઠક પર વિજેતા ન થતાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે.
ભાજપમાંથી ટિકિટ કપાતા પૂર્વ ડે. મેયર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કરસન કરમૂર બળવો કરીને ‘આપ’ની ટીકિટ પર ચૂંટણી લડ્યા હતા. વોર્ડ-૫માંથી તેમનો પરાજય આશ્વર્યજનક માનવામાં આવે છે. જામનગરમાં વોર્ડ-૧૫ વર્ષોથી કોંગ્રેસનો ગઢ હતો. એમાં ૩ સીટથી ખાતું ખોલાવીને ભાજપે ગાબડું પાડ્યું છે. સામા પક્ષે ભાજપના ગઢ વોર્ડ-૧૩માં ૧ સીટ સાથે કોંગ્રેસે ગાબડું પાડ્યું છે.
જામનગરમાં વોર્ડ-૬માં મોટા ભાગે હિન્દીભાષી વસે છે. ૨૦૧૫માં અહીં ચારેય સીટ ભાજપની હતી. અહીં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કમલાસિંગની ટિકિટ કાપવી ભાજપને ભારે પડી અને ઇતિહાસમાં પ્રથમ વાર બસપાની ૩ સીટો આવી ગઇ. જામનગર મનપાની ૬૪ બેઠકોમાં આમ આદમી પાર્ટીએ ૪૫ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, એમાંથી એક પણ ઉમેદવાર ચૂંટાયા નથી.

ભાવનગરમાં ૪૪ બેઠકો સાથે ભાજપે ફટકારી વિજયની સિક્સર

ભાવનગર શહેરમાં ૧૩ વોર્ડની કુલ ૫૨ બેઠકો માટેની ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં જ ભાજપનું કમળ ખીલી ઉઠ્યું હતું. કુલ ૫૩ બેઠક પૈકી ભાજપને ૪૪ અને કોંગ્રેસનો સફાયો થઇ ગયો હતો. કુલ ૫૨ બેઠક પૈકી ભાજપને ૪૪ અને કોંગ્રેસના ફાળે ૮ બેઠક આવી હતી. આ વખતે પણ અન્ય કે અપક્ષને ફાળે એક પણ બેઠક ગઇ નથી. ગત ચૂંટણીની તુલનામાં ભાજપને ૧૦ બેઠકનું નુકશાન ભોગવવું પડ્યું છે. ૧૯૯૫થી આ ૨૦૨૧ સુધી એટલે કે સતત છઠ્ઠી ચૂંટણીમાં શાનદાર વિજય મેળવી ભાજપે ભાવનગરમાં વિજયની સિક્સર ફટકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter