ગાંધીનગર, અમદાવાદઃ વિશ્વના બે દિગ્ગજ નેતાઓ - ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુજરાત મુલાકાત દરમિયાન વિશ્વ સમક્ષ રાજદ્વારી સંબંધોની મિશાલ રજૂ કરતાં દોસ્તીની પતંગ ચગાવી હતી. બન્ને નેતાઓએ ગુજરાતમાં સાત કલાકથી વધુ સમય ગાળ્યો હતો.
મોદીએ વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિંગપિંગ અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે પછી નેતન્યાહૂએ ગુજરાતનું આતિથ્ય માણ્યું હતું. બંને નેતાઓ એરપોર્ટથી રોડ-શો યોજીને સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને અંજલિ અર્પણ કરી હતી. બાદમાં બન્ને મહાનુભાવો અમદાવાદ નજીક બાવળા ખાતે ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી i-Createનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત અને ઈઝરાયલ માનવતાના ઈતિહાસમાં નવો અધ્યાય આલેખશે.
આ પૂર્વે પત્ની સારા સાથે આવેલા બેન્જામિન નેતન્યાહૂનું અમદાવાદ એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરાયું હતું. દિલ્હીની માફક અહીં પણ વડા પ્રધાન મોદી ‘પોતાના મિત્ર’ને સત્કારવા પ્રોટોકોલ તોડીને સામેથી દોડી ગયા હતા અને બંને નેતાઓ એકબીજાને ભેટયા હતા. એરપોર્ટ ખાતે તરણેતરની રંગબેરંગી હેન્ડિક્રાફ્ટની છત્રીથી પ્રભાવિત થયેલા ઈઝરાયલી વડા પ્રધાન એ છત્રી હાથમાં પકડીને ઝૂમવાની તક ચૂક્યા ન હતા. બાદમાં આ બંને વડા પ્રધાનોએ એરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી નવ કિલોમીટરનો રોડ-શો યોજ્યો હતો.
ઊભા રસ્તે થોડા થોડા અંતરે લગાવાયેલા સ્ટેજ ઉપર દેશભરના વિવિધ રાજ્યોએ તેમના કલાવૃંદો દ્વારા પ્રાંતીય ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરી હતી. આઈક્રિએટ સંસ્થાની મુલાકાત અને ગુજરાતના પસંદગીના ટોચના ઉદ્યોગકારો સાથે ભોજન લીધા બાદ બંને વડા પ્રધાનો હેલિકોપ્ટર દ્વારા પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે શાકભાજી ઉછેરના સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત લીધી હતી.
વદરાડમાં બંને દેશોની દોસ્તીના માનાર્થે સ્થપાયેલા સ્તંભનું બેન્જામિન નેતન્યાહૂના હસ્તે અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે બન્ને નેતાઓએ કચ્છમાં ભુજ તાલુકાના કૂકમા ગામે નવા સ્થપાયેલા ખજૂર સંશોધન કેન્દ્રનું રિમોટ દ્વારા ઉદ્ઘાટન પણ કર્યું હતું.
નેતન્યાહૂ હૈદરાબાદને અમદાવાદ સમજી, ગુજરાતનો આભાર માન્યો !
આઈક્રિએટ સંસ્થાના સમારંભને સંબોધતા ઈઝરાયલના વડા પ્રધાને તેમના દેશના હૈફાની મુક્તિની લડતમાં ગુજરાતીઓએ પણ યોગદાન આપ્યું હોવાનું કહી ગુજરાતનો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, હૈફાની મુક્તિના જંગમાં ઘણા ભારતીયોએ પોતાના જાનનું બલિદાન આપેલું અને તેમાં ગજરાતીઓ પણ હતા. આભાર ગુજરાત! પરંતુ પ્રસિદ્ધ ઈતિહાસકારે આમાં ઈઝરાયલના વડા પ્રધાન હૈદરાબાદને અમદાવાદ સમજ્યા હોવાની ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું. વાસ્તવિકતા એ છે કે, ૧૯૧૮માં બ્રિટિશ સૈન્યએ હૈફા ખાતે તૂર્કી સૈનિકોને હરાવ્યા હતા તે સૈન્યમાં લાન્સર્સ ભારતના જોધપુર, મૈસોર અને હૈદરાબાદના જવાનો સામેલ હતા.
નવતાડના સમોસા સાથે ગુજરાતી ભાણું
ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ, તેમના પત્ની સારા અને ડેલિગેટ્સના સન્માનમાં વડા પ્રધાન કાર્યાલયે અમદાવાદના બાવળા સ્થિત આઈક્રિએટ સેન્ટરમાં ભોજન સમારંભ યોજ્યો હતો. જેમાં ગુજરાતી વાનગીઓ અને તેમાંય અમદાવાદના વિખ્યાત નવતાડના સમોસાના પણ પિરસાયા હતા. ગુજરાતી, રાજસ્થાની વાનગીઓનો પરિચય ઈઝરાયલી મહેમાનોને કરાવવા માટે અંગ્રેજી અને હિબ્રુ ભાષામાં ખાસ મેન્યુ તૈયાર કરાયું હતું. આ મેન્યુમાં કઈ વાનગી કેવી રીતે બને છે તેની ટૂંકી જાણકારી પણ અપાઇ હતી.
મહેમાનોને વેલકમ ડ્રિન્કમાં પાઈનેપલ જ્યુસ, ફુદિના-તુલસીનું પાણી અને છાશ સર્વ કરાયા હતા. જ્યારે સ્ટાર્ટ્સમાં સલાડ, ઢોકળા, લીલવાના પાતરા, હમસ, ઈઝરાઈલી સલાડ, ફણગાવેલા કઠોળ-કાળા ચણાનું સલાડ, ચણા જોર ચાટ, દહીંવડાં, ટામેટા-ફુદિનાનો શોરબા સુપ અપાયા હતા. મેઈન કોર્સમાં લીલવાની કચોરી, નવતાડના સમોસા, પનીર ટિકા મસાલા, ઊધિંયુ, રાજસ્થાની ગટ્ટા કરી, મુજાદરા, રિંગણ-બટાકાનું ભરથું, દાલતડકા, જીરા મટરપુલાવ, ફુલકા રોટી, પરાઠા અને પુરી, પાપડ, અથાણુ અને ચટણી. મહેમાનોને સ્વીટ્સમાં ગાજરનો હલવો, દુધ-પિસ્તા અને ગુલાબજળનો મહલાબિયા અને કુલ્ફી પાન પીરસાયા હતા.