ભારત-બ્રિટિશ મૈત્રીસંબંધ મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે

મિતુલ પનિકર Thursday 16th August 2018 02:15 EDT
 
 

અમદાવાદઃ વિશ્વમાં જે સામ્રાજ્યનો સૂર્ય કદી આથમતો નથી એમ કહેવાતું હતું તેવો એક સમયનો સૌથી શક્તિશાળી દેશ બ્રિટન અત્યારે નાજૂક અને મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. બ્રેક્ઝિટના કાળા વાદળો બ્રિટન પર ઝળૂંબી રહ્યાં છે ત્યારે થેરેસા મેના વડપણ હેઠળની સરકાર સમજદારી પુનઃસ્થાપિત કરવા ઝઝૂમી રહી છે. આવી આંતરિક સમસ્યાઓ અને નિરાશાઓ મધ્યે બ્રિટનના વિદેશી સંબંધો અને વિશેષતઃ ભારત સાથેનાં તેના મૈત્રીસંબંધ કસોટીની એરણે ચડ્યા છે.
પ્રકાશક/તંત્રી સી.બી. પટેલની રાહબરી હેઠળ યુકેથી પ્રસિદ્ધ થતાં પ્રતિષ્ઠિત સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા સમયાંતરે ભારત અને યુકે સંબંધો તેમજ ડાયસ્પોરા સંબંધિત વિષયો પર પરિસંવાદો યોજાતાં રહે છે. આ પરંપરાને અનુસરી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ગુરુવાર, બીજી ઓગસ્ટે ‘Exchange of Ideas: Indo-British Partnership’ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં ઈન્ડિયન પ્રોફેશનલ ફોરમના પ્રેસિડેન્ટ ડો. મોહન કૌલ, ગ્રેટ બ્રિટનની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ડેપ્યુટી લીડર લોર્ડ નવનીત ધોળકિયા, અમદાવાદસ્થિત ડેપ્યુટી હાઈ કમિશનર ઓફ યુકે જ્યોફ વેઈન અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા જેવા નામાંકિત મહાનુભાવોએ ભારત-બ્રિટન સંબંધોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પરત્વે પોતાના વિચારો રજૂ કર્યા હતા. નેતાગણ વિધેયાત્મક અને સમૃદ્ધ સહકાર વિશે મજબૂત વિચાર ધરાવતા હોવાથી સમગ્રતયા લાગણી અપેક્ષા અને નિર્ધારની જ રહી હતી.
આમંત્રિત મહેમાનોમાં સર્વશ્રી ગુજરાત સરકારના પૂર્વ ચીફ સેક્રેટરી અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, પૂર્વ હાઈ કમિશનર અને એનઆરજી ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન કે. એચ. પટેલ, એનઆરજી ફાઉન્ડેશનના ચેરમેન અને મંતવ્ય ચેનલના એડિટર દિગંત સોમપુરા, લેડી એન ધોળકિયા અને સામાજિક વિકાસ સલાહકાર સુશ્રી કીર્તિ જોશી સહિતનો સમાવેશ થયો હતો.
સૌપ્રથમ વિચારો વ્યક્ત કરતા જ્યોફ વેઈને કહ્યું હતું કે ગુજરાત અને યુકે વચ્ચે ભાગીદારીના વર્તમાન તબક્કાનો આરંભ ૨૦૧૫થી થયો હતો. ભારતમાં કુલ ૧૦ બ્રિટિશ વિદેશ ખાતાની ઓફિસ છે અને સ્ટાફ છે, જે વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધુ છે. દ્વિપક્ષી સંબંધો માત્ર ભારત કે યુકે જ નહિ, બંને દેશ માટે મહત્ત્વનું પરિબળ છે. તેમના મતે સહકારના ચાવીરુપ ક્ષેત્રોમાં ‘આપસી સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ તેમજ વેપાર સમજૂતી’નો સમાવેશ થાય છે. ડેપ્યુટી હાઈ કમિશનરે યુવા પેઢી એટલે કે વિદ્યાર્થીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો અને યુવાઓને અગ્રમોરચે લાવવા હાઈ કમિશનર દ્વારા હાથ ધરાયેલી વિવિધ પહેલ વિશે વાત કરી હતી.
શ્રી વેઈને જણાવ્યું હતું કે,‘આપણે આગળ દૃષ્ટિ રાખવાની જરુર છે. એમ પૂછો કે હવે શું? બાળકો સાથે વાતચીત કરો.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી તે પછી સંબંધો કેટલા મજબૂત થયા છે તેના વિશે વિસ્તારપૂર્વક કહેતા તેમણે ભારત અને યુનાઈટેડ કિંગ્ડમ વચ્ચે સંબંધો વિશે કેટલીક હકીકતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘બંને દેશોએ એકબીજામાં કેટલું રોકાણ કર્યું છે તેની હકીકતો હું કહેવા ઈચ્છું છુંઃ
(૧) યુકે મોટું ટી-૨૦ ઈન્વેસ્ટર છે. તેણે માત્ર ગત વર્ષમાં જ ૨૧ મિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું છે.
(૨) ભારત યુકેમાં ચોથા ક્રમનું સૌથી મોટું રોકાણકાર છે. તમામ યુરોપિયન દેશોના સંયુક્ત રોકાણ કરતાં પણ તે યુકેમાં વધુ નાણા રોકે છે.
(૩) બંને દેશોના વાર્ષિક વેપારનું મૂલ્ય ૧૮ બિલિયન પાઉન્ડ જેટલું છે. વેપારી સંબંધમાં ૧૬ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
(૪) દર વર્ષે યુકે દ્વારા ભારતીયોને ૬૦૦,૦૦૦ વિઝા આપવામાં આવે છે. ભારતીયોને આશરે ૧૭ ટકા એમ્પ્લોયમેન્ટ વિઝા મળે છે.
(૫) ગત વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને મળતા વિઝામાં વધારો થયો હતો. યુકે વિદેશમાંથી અને ખાસ કરીને ભારતમાંથી વિદ્યાર્થીઓને આવકારે છે.’
વેઈને જણાવ્યું હતું કે બંને દેશો વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર એકમેકના પૂરક બની રહ્યા છે. તેમણે ‘બંને દેશોની યુવા પેઢીઓ વચ્ચે સંબંધો વિકસાવવાની વિશેષ જરુર’ હોવાનું પણ જણાવ્યું હતું.
લોર્ડ ધોળકિયાએ ભારત અને યુકે વચ્ચેના સંબંધોના આરંભ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘દેશો ઈતિહાસ ધરાવે છે. વિશ્વની સૌથી પુરાતન લોકશાહીનું સૌથી મોટી લોકશાહી સાથે મિલન’, એશિયન રાષ્ટ્ર પર સંસ્થાનવાદે છોડેલી અસર અને આ બધું છતાં ભારતીય ડાયસ્પોરા વિશ્વમાં સૌથી વિશાળ હોવાનું કહેતા લોર્ડ ધોળકિયાએ ભારતીયોના માઈગ્રેશન વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. તેમણે યુકેમાં ભારતીય સમુદાયના બહોળા પ્રદાન વિશે પણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે,‘યુકેમાં ૨૦૦થી વધુ મંદિર છે અને ૧૦,૦૦૦થી વધુ ભારતીય રેસ્ટોરાં છે.’
બંને દેશો વચ્ચે સહકારની ભારે પ્રશંસા કરતા લોર્ડ ધોળકિયાએ સંબંધોમાં ક્યાં ખામી રહી છે તેવા મુદ્દાઓ તરફ અંગૂલિનિર્દેશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘આપણે વધુ આર્થિક સહકાર તરફ આગળ વધી શકીએ. અત્યારે ભાગીદારી ઘણી આગળ વધી છે છતાં, બંને દેશોએ હજુ વધુ મજલ કાપવાની છે તેમજ વેપાર અથવા નાણાકીય સહકારને આગળ વધારવાના માર્ગ વિચારી શકાય. ત્રીજો મુદ્દો બ્રેક્ઝિટનો છે, જેના વિશે આપણે ગત બે વર્ષથી સતત સાંભળતા આવ્યા છીએ. સમયાંતરે યુકે સરકારનું વલણ બદલાતું રહ્યું છે. એક સમયે નિશ્ચિત હાર્ડ બ્રેક્ઝિટ તરીકે આરંભ થયો હતો તે હવે વધુ હળવાશપૂર્ણ વલણ તરફ ઝૂક્યો છે.’ લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે યુકે સરકાર સોફ્ટ બ્રેક્ઝિટનો વિકલ્પ પસંદ કરશે તે બાબતે તેઓ ચોક્કસ છે. તેમણે ઓડિયન્સને યુકેની મુલાકાત વખતે આઝાદી પહેલાના ભૂતકાળને ભૂલી જવા અને દેશને ભારતીય કોમ્યુનિટી દ્વારા પ્રદાન પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,‘પાછળ નજર ન કરશો. ફાળો આપો. આગળ વધી જાઓ.’
પરિસંવાદના મુખ્ય વક્તા ડો. મોહન કૌલે ભારત-બ્રિટિશ સંબંધોને ‘દૂરદર્શી’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગત ૧૦ વર્ષમાં મૈત્રીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ડો. કૌલે કહ્યું હતું કે,‘૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેમ્બલી સ્ટેડિટમની મુલાકાત લીધી હતી ત્યારે તેમને સાંભળવા માટે ભારતીય ડાયસ્પોરાની સૌથી મોટી જનમેદની એકત્ર થઈ હોવાનું યુકેએ નિહાળ્યું હતું. તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને મોદીને એમ કહ્યું હતું કે,‘તમને ખબર છે મને અત્યાર સુધી સાંભળવા આવેલી રાજકીય મેદનીની સૌથી વધુ સંખ્યા ૭૦૦ની જ રહી છે. મારે તમારી સાથે જ રહેવું જોઈએ.’ તે જ રાતથી દ્વિપક્ષી સંબંધોને ઉત્તેજન આપવાના પ્રયાસ શરુ થયા હતા.’ તેમણે ઉમેર્યું હતું કે બંને દેશો વચ્ચે સાયન્સ, સ્કીલ્સ વગેરે સહિતના ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરતા અનેક પ્રોગ્રામ છે.
જ્યોફ વેઈન અને લોર્ડ ધોળકિયાના મંતવ્યોનું સમર્થન કરતા ડો. કૌલે પણ કહ્યું હતું કે,‘ભાવિ નિશ્ચિતપણે યુવા પેઢી પર જ આધાર રાખશે. ભારતીય વંશના ૧.૫ મિલિયન બ્રિટિશ પાસપોર્ટધારકોમાંથી બહુમતી તો પ્રોફેશનલ્સ છે. ભારતીય મૂળના લોકોની દરેક ક્ષેત્રમાં હાજરી છે અને મોટા ભાગના લોકો સીનિયર પોઝિશન્સ પર છે. સરકારી ડેટા અનુસાર યુકેમાં ભારતીય સમુદાયની સરેરાશ આવક અન્ય કોઈ પણ કોમ્યુનિટી કરતાં વધુ છે. બીજી પેઢીના ભારતીય મૂળના માઈગ્રન્ટ્સમાંથી ૩૦ ટકા તો પ્રોફેશનલ્સ બની ગયા છે.’
ગ્લોબલાઈઝેશન અને ઉભરતાં બજારોના હિમાયતી ડો. મોહન કૌલ વગદાર, સારા સંપર્કો ધરાવતા અને અને માન્ય પોલિસી એડવાઈઝર તેમજ બિઝનેસ લીડર, સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર, ડેવલપમેન્ટ નિષ્ણાત અને એકેડેમિશિયન પણ છે. તેઓ યુકેમાં ભારતીય ડાયસ્પોરાની ભાગીદારી વધારવા માટેની અગ્રણી થિન્કટેન્ક ઈન્ડિયન પ્રોફેશનલ્સ ફોરમના પ્રેસિડેન્ટ હોવા ઉપરાંત, કોમનવેલ્થ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન અને બિઝનેસ કાઉન્સિલના ચેરમેન સ્થાપક પણ છે. તેમણે વિવિધ દેશોના પ્રમુખો અને સરકારોના વડાઓ સાથે સારા સંબંધો કેળવ્યા છે. તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સહિત ભારત, આફ્રિકા અને એશિયામાં બિઝનેસ ડેલિગેશન્સનું નેતૃત્વ પણ સંભાળ્યું છે. તેમણે યુકે, યુએન, વર્લ્ડ બેન્ક, ભારત ખાતે વિવિધ સંસ્થાઓમાં ચેરમેન, બોર્ડ મેમ્બર અને સલાહકાર સહિતની કામગીરી પણ બજાવી છે. Ph.D. અને D.Litt.ની ડિગ્રી ધરાતા ડો. કૌલ અમદાવાદ સાથે વિશેષ નાતો ધરાવે છે. તેઓ અમદાવાદની પ્રતિષ્ઠિત આઇઆઇએમમાં પ્રોફેસર અને ડીન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
ડો. કૌલે કહ્યું હતું કે, ‘ઈન્ડો-યુકે સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન આવવાની ધારણા છે, પરંતુ તે સારું જ હશે. બ્રિટન ભારત સાથે સંબંધો વધારવા આતુર છે. બીજી તરફ, ભારત વિવિધ દેશોના અર્થતંત્રોને પાછળ પાડી દેવાની તૈયારીમાં છે. ૨૦૩૦ સુધીમાં તો ભારતીય અર્થતંત્ર વધુ મોટું બની શકે છે. આથી, દ્વિપક્ષી સંબંધો બંને માટે લાભકારક બની રહેશે.’ સંબંધો વધુ ગાઢ કેવી રીતે બને અને તેમાંથી લાભ કેવી રીતે મેળવી શકાય તે વિશે તેમણે કહ્યું હતું કે,‘યુકે ઈનોવેશનના મોરચે અગ્રેસર છે અને બની રહેશે. આ સંદર્ભમાં આપણે ભારત અને યુકેમાં બિઝનેસીસને યુવાન એન્ટ્રેપ્રીન્યોર્સના સર્જનમાં સાથ આપવા જણાવી શકીએ. ૬૬ મિલિયન ડોલરના મૂલ્યનાં યુકે ઈન્ડિયા ઈનોવેશન ફંડની પણ સ્થાપના કરાઈ છે. જ્યારે ભારત આઈટી સેક્ટરમાં ખુલ્લા વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણનો લાભ લેવા યુકેની કંપનીઓને ઓફર કરે છે ત્યારે યુકે પણ ભારતમાંથી આવતી અને વિસ્તરણ કરવા ઈચ્છતી ઈનોવેટિવ કંપનીઓને મદદ કરવા સાથે ૨,૫૦૦ નોકરીઓનું સર્જન પણ કરી શકે છે.’
વક્તવ્યનું સમાપન કરતા ડો. મોહન કૌલે જણાવ્યું હતું કે, ‘સેવાક્ષેત્રમાં પણ યુકે અગ્રેસર રહેશે. બંને દેશો માટે સહકાર સાધવાનું અન્ય મહત્ત્વપૂર્ણ સેક્ટર હેલ્થકેરનું રહેશે. ભવિષ્યમાં હેલ્થકેર સેન્ટર્સ માટે વિશાળ બજાર મળશે. મુખ્યત્વે ટેકનોલોજી ક્ષેત્ર અને પાયાના
સ્તરે બિઝનેસ નિર્માણમાં પ્રચંડ આશા અને તક જોવા મળશે.’
પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ અન્ય વક્તાઓના મંતવ્યોને સંક્ષેપમાંઆવરી લીધા હતા. તેમણે કહ્યું હતું કે, ‘મહાનુભાવોએ બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધો વિશે ઘણી સ્પષ્ટતાઓ કરી છે. કોમનવેલ્થથી બ્રેક્ઝિટ અને ઈનોવેશનથી ઈન્વેસ્ટમેન્ટ સુધીની પણ વાત થઈ છે. આપણે ક્યાં પાછા પડીએ છીએ અને ક્યાં વધારે પ્રભાવ છે તેની અને યુકે સિવાયના દેશો સાથે પણ ભારતના સંબંધની પણ વાત થઈ છે. ભારતનો ન્યૂ રીલેશનશિપનો યુગ શરુ થયો છે. ભારતના વડા પ્રધાનને સાંભળવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા તે પણ આપણે સાંભળ્યું છે. સંબંધોની વાતને ગ્લોબલાઈઝેશન, નેશનાલાઈઝેશન અને ડેવલપમેન્ટ સાથે જોડવી પડશે. નેશનાલાઈઝેશન એ ગ્લોબલાઈઝેશનનું વિરોધી નથી અને ભારત તો નહિ જ.’ તેમણે કહ્યું હતું કે બ્રિટન સાથે ત્રણ પ્રકારનો સંબંધ છે. શાસન, સંઘર્ષ અને સભ્યતા. બ્રિટને ભારતને અલગ અલગ આયામો આપ્યા છે.

‘બ્રિટનમાં ૮૦ વર્ષના ડો. કુસુમ વડગામાએ ભારત, ગુજરાત અને બ્રિટનના સંબંધો વિશે દસ્તાવેજી સામગ્રી સાથેના પુસ્તકો આપ્યા છે. બ્રિટન અને ભારતના સંબંધો અલગ પ્રકારના છે, જેની શરૂઆત સુરતથી થઈ હતી. નેતાઓ અને પ્રજાએ બ્રિટન પાસેથી ઘણું મેળવ્યું છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝે, સાવરકરે લંડનમાં અભ્યાસ કર્યો હતો. ગુજરાતી પત્રકાર શ્યામજી વર્માએ ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી. અત્યારનું નહિ, તે અલગ હતું. તેમણે ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ અખબારની પણ સ્થાપના કરી હતી. બ્રિટન પાસેથી આપણે ઘણું મેળવ્યું છે.
ઉદારમતવાદી બ્રિટિશરોએ ભારતની આઝાદીની લડાઈમાં પણ મદદ કરી હતી. બ્રિટિશ પાર્લામેન્ટડમાં દાદાભાઈ નવરોજી પારસી ગુજરાતી પ્રથમ સાંસદ હતા તો પારસી ગુજરાતી મેડમ કામાએ લંડનમાં પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. રાષ્ટ્રીય શાયરનું બિરુદ ધરાવતા ગુજરાતી ઝવેરચંદ મેઘાણીએ
તો બ્રિટિશ કવિઓના કાવ્યોનો ભાવાનુવાદ પણ કરેલો છે.
ભારત-યુકે વચ્ચેના સંબંધો માત્ર પ્રોફેશનલ, ઔદ્યોગિક, ટેકનોલોજી કે વિજ્ઞાનના નથી. લોર્ડ ધોળકિયાએ કહ્યું તેમ અમારા હૃદય ચીરશો તો તેમાં ભારત દેખાશે. માત્ર બ્રિટન નહિ, વિશ્વના ૬૦ દેશોમાં રહેતા ગુજરાતીઓ-ભારતીયોના હૃદયમાં પણ ભારત દેખાશે. મારું માનવું છે કે આગામી વર્ષોમાં ભારત અને યુકેનું સાંસ્કૃતિક પ્રભુત્વ આખી દુનિયામાં પથરાશે.’
કનોરિયા આર્ટ્સ સેન્ટરના ડાયરેક્ટર નિહારિકાબહેન શાહે કાર્યક્રમના ઉદ્ઘોષિકાની કામગીરી સુપેરે બજાવી હતી.
કાર્યક્રમના આરંભે બ્યુરો ચીફ નીલેશ પરમારે આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું, જ્યારે મિતુલ પનિકરે આભારવિધિ કરી હતી. મહાનુભાવોના વક્તવ્યો પછી તેમની સાથે પ્રશ્નોત્તરી યોજાઇ હતી, જેમાં તેમણે સંતોષકારક ઉત્તર આપ્યા હતા. કાર્યક્રમના અંતે આમંત્રિતોએ સાત્વિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો. 
(ફોટોસૌજન્યઃ ઝાટકિયા સ્ટુડિયો-અમદાવાદ)

• • • • •

યુકેમાં ભારતીય ડોક્ટર્સ, સ્ટુડન્ટ વિઝા, ભાગેડુ ભારતીયો અને વેપારયુદ્ધ સંબંધે પ્રશ્નો કરાયા

ડો. મોહન કૌલ, લોર્ડ નવનીત ધોળકિયા, ડેપ્યુટી હાઈ કમિશનર ઓફ યુકે જ્યોફ વેઈન અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાની પેનલે પરિસંવાદમાં ઉપસ્થિત લોકોને પ્રશ્નોત્તરી માટે આવકાર્યા હતા. ન્યૂરોસર્જન ડો. મહેન્દ્રસિંઘ ચૌહાણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શ્રી લંકન અને પાકિસ્તાની ડોક્ટર્સની સરખામણીએ ભારતીય ડોક્ટરો માટે યુકેની મેડિકલ સિસ્ટમમાં પ્રવેશવાનું શા માટે વધુ મુશ્કેલ રહે છે? ડો. ચૌહાણે કહ્યું હતું કે તેઓ આશરે ૫૦ ડોક્ટર મિત્રોને જાણે છે જેમણે યુકેમાં ટેસ્ટ આપવી પડી હતી, જ્યારે શ્રી લંકા અને પાકિસ્તાનના ડોક્ટર્સને પરીક્ષા આપવી પડતી નથી. 

લોર્ડ ધોળકિયાએ ઉત્તરમાં જણાવ્યું હતું કે, ‘યુકેમાં ઓવરસીઝ ડોક્ટર્સ એસોસિયેશન છે અને ટુંક સમયમાં ભારતીય કમિશનરના આમંત્રણથી ઈન્ડિયન ડોક્ટર્સ એસોસિયેશન સાથે બેઠક પણ યોજાશે. આ પ્રકારનો મુદ્દો આવા ચોક્કસ તબક્કે હાથ ધરાવો જોઈએ. કેટલાક દેશને બાકાત રખાય છે અને અન્યને નહિ તે સમજવામાં કોઈ મુશ્કેલી હોવાનું મને જણાતું નથી. આમ છતાં, પાર્લામેન્ટમાં પ્રશ્ન પૂછવાની આવશ્યકતા જણાતી હોય તો તમારા મિત્રોને મારો સંપર્ક કરવા જણાવશો. હું હેલ્થ મિનિસ્ટરને પ્રશ્ન કરીશ કે આવો ભેદભાવ શા માટે છે અને અને તેને દૂર કરવા શું કરી શકાય?’
ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઈનને અચ્યુત સંઘવીએ પ્રશ્ન કર્યો હતો કે સ્ટુડન્ટ વિઝા હળવા બનાવાયા છે તેવાં ૧૧ દેશની યાદીમાં ભારતને શા માટે સ્થાન અપાયું નથી. આ ઉપરાંત, યુકે સરકારે એમ પણ કહ્યું છે કે ભારત તેના ગેરકાયદે માઈગ્રન્ટ્સને પાછા લેવા તૈયાર નથી. શું આ ભારત પર દબાણ લાવવાની નીતિ છે?
જ્યોફ વેઈને પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ‘યુકેમાં ભારતીય મૂળના ઘણાં લોકો છે, તેમાં કમનસીબે ગેરકાયદે ભારતીય નાગરિકોની સંખ્યા પણ વધુ છે. હું માનું છું કે કોઈ વિઝા અથવા ઈમિગ્રેશન સ્કીમ હળવી બનાવીએ ત્યારે આ બાબત વિચારમાં લેવો જોઈએ. ભવિષ્યમાં ભારતને આ ૧૧ દેશની અથવા વિસ્તારિત યાદીમાં ન સમાવાય તેનું કોઈ કારણ નથી. મારા મૂળ આંકડાને જોઈએ તો, ગયા વર્ષ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝામાં ૨૭ ટકાનો વધારો થયો છે. આ હકીકતને ભારતીય નાગરિકો યુકે જાય અને અભ્યાસ કરે તેને પ્રોત્સાહન ન અપાતું હોવા તરીકે હું જોતો નથી.’
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘મારા માનવા મુજબ તમારો બીજો પ્રશ્ન ભારતથી નાસીને યુકે પહોંચતા ભારતીય નાગરિકો વિશે છે. આ મુદ્દો ન્યાયાધીન પ્રક્રિયા વિશેનો છે. જો કોઈ ભારતીય નાગરિક ભારતથી નાસીને યુકે પહોંચે અને તમારા કહેવા અનુસાર તેને યુકેથી પાછા લાવવાનો હોય તો પણ અમારી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહે છે. વર્તમાનપત્રોમાં જે સમાચાર વાંચો છો તે કેસીસમાં હું વ્યક્તિગત ઉલ્લેખ કરવા માગતો નથી પરંતુ, હું એટલું કહીશ કે એક વખત ન્યાયિક પ્રક્રિયાનું અનુસરણ થાય અને તે વ્યક્તિને ભારત મોકલવા જોઈએ તેમ જણાય તો અમે તે નિર્ણય અમને બંધનકર્તા રહેશે.’
અન્ય પ્રશ્ન એક તરફ યુએસ અને બીજી તરફ અન્ય દેશોના મુદ્દે હતો. યુરોપિયન યુનિયન અમેરિકા સાથે સીધા સંઘર્ષમાં છે ત્યારે યુકેનું વલણ શું છે? ડો. કૌલે ઉત્તર વાળતા કહ્યું હતું કે, ‘યુકે સરકાર અથવા પ્રજા મુક્ત વેપારની તરફેણમાં છે અને લગભગ બધા દેશ સાથે મુક્ત વેપારસોદા માટે તૈયાર છે. યુકે મુક્ત વેપાર સમજૂતીઓનું પ્રવક્તા બનવા અને નેતાગીરી સંભાળવા ઈચ્છે છે.’
લોર્ડ ધોળકિયાએ ઉમેર્યું હતું કે, ‘વેપારનીતિઓનો નિર્ણય બાકી છે. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ચીન સાથે વેપારયુદ્ધ આદર્યું છે. વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું જ છે કે અમે ઈયુ તથા અન્ય દેશોની સાથે જ રહીશું. મૂળભૂત રીતે જ આ વાત ખોટી છે અને વિશ્વમાં બધે વેપારને નુકસાન કરશે. પ્રેસિડેન્ટ ટ્રમ્પના મતને તેઓ યોગ્ય માનતાં નથી અને હું પણ તેમના વિચારને યોગ્ય માનતો નથી.’ 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter