વડોદરાઃ દિવાળી પર્વના શુકનવંતા દિવસોમાં સંસ્કૃતિ નગરીની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના આગમનને વડોદરાવાસીઓએ હરખભેર આવકાર્યા હતા. આ બન્ને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં એરપોર્ટથી ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સ સુધી યોજાયેલા રોડ શોમાં પ્રચંડ જનમેદનીનો સાક્ષાત્કાર કર્યો હતો અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. વિદેશી મહાનુભાવોનો આ રોડ શો વડોદરા માટે અવિસ્મરણી બની રહ્યો હતો. ઉદ્ઘાટન સમારોહ બાદ બન્ને દેશના ડેલિગેશન વચ્ચે લક્ષ્મી વિલાસ પેલેસમાં દ્વિપક્ષીય મંત્રણા યોજાઇ હતી અને વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબિધિત વિષયો પર એમઓયુ (સમજૂતિ કરાર) પણ કરવામાં આવ્યા હતા. બાદમાં બન્ને મહાનુભાવોએ લક્ષ્મી વિલાસ પેલેસમાં ગુજરાતી કઢી-ખીચડી અને શાકાહારી વાનગીઓનું લંચ લીધું હતું.
દ્વિપક્ષીય વેપાર 10 બિલિયન ડોલર થયો
લક્ષ્મી વિલાસ પેલેસમાં ભારત અને સ્પેને દ્વિપક્ષીય વાટાઘાટ દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, કસ્ટમ્સ, સંસ્કૃતિ અને પર્યટન જેવા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ અંગેના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. વધુમાં સંગીત, નૃત્ય, થિયેટરમાં દ્વિપક્ષીય આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે 2024-28 માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમના મુદ્દે પણ સમજૂતી કરાર થયા હતા. સ્પેને બેંગ્લૂરુમાં વાણિજ્ય દુતાવાસ (કોન્સ્યુલેટ) ખોલવાની જાહેરાત કરી હતી, જેનું વડોદરા સાક્ષી બન્યું હતું.
ભારતના વિદેશ મંત્રાલયના સેક્રેટરી (વેસ્ટ) તન્મય લાલે વડોદરામાં કહ્યું હતું કે, લગભગ બે દાયકામાં સ્પેનના વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી તેમની પત્ની બેગોના ગોમેઝ સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દ્વિપક્ષીય બેઠકમાં બન્ને દેશો વચ્ચે રેલવે, ઈન્ફાસ્ટ્રક્ચર, કસ્ટમ્સ, સંસ્કૃતિ અને પર્યટન, વેપાર, રોકાણ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને નવીનતા, સંરક્ષણ, સુરક્ષા માટેની નાણાકીય વ્યવસ્થા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને લગતાં સમજૂતીકરાર થયા હતા. કસ્ટમ્સ સબંધિત બાબતોમાં સહકાર અને પરસ્પર સહાયતા અંગેના કરાર ઉપર પણ હસ્તાક્ષર થયા હતા. ભારતે ગયા ઓગસ્ટમાં જ બાર્સેલોનામાં કોન્સ્યુલેટ શરૂ કર્યું છે. હવે, સ્પેન બેંગ્લૂરુમાં કોન્સ્યુલેટ શરૂ કરશે. ભારત અને સ્પેનનો દ્વિપક્ષીય વેપાર 10 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. લગભગ 240 જેટલી સ્પેનિશ કંપની ભારતમાં છે. જ્યારે ભારતની 80 કંપનીઓ સ્પેનમાં છે.
વડોદરાથી ભારતની બે દિવસની મુલાકાતનો પ્રારંભ કરતા સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત દ્વિપક્ષીય બેઠકમાં સહભાગી થયા હતા. ઉદ્યોગ-વ્યાપાર, ઇનોવેશન, ટેક્નોલોજી, ટુરિઝમ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારત-સ્પેન વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને વધુ સુદૃઢ બનાવવા બાબતે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે બે મહાનુભાવો વચ્ચેની મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા અને નવી ગતિ આપી છે અને વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે ઉન્નત સહકારના નવા યુગ માટે મંચ સુયોજિત કર્યો છે. વડાપ્રધાન સાંચેઝે 2017માં વડાપ્રધાન મોદીની સ્પેન મુલાકાત પછી દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.