ગુજરાત અને કેરળ બાદ બિહારમાં ૧૦૧ વર્ષ પછી તબક્કાવાર રીતે સંપૂર્ણ દારૂબંધી જાહેર થઈ છે. પહેલા તબક્કામાં પહેલી એપ્રિલથી બિહારમાં દેશી દારૂ પર પાબંદી છે. તમિળનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ પણ રાજ્ય સ્તરે જો તેમનો પક્ષ અન્નાદ્રમુક ફરીથી સત્તામાં આવશે તો રાજ્યમાં દારૂબંધી થશે તેવું વચન આપ્યું છે. ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે આલ્કોહોલ પર પ્રતિબંધ પર વિચાર થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સમાચારે દારૂબંધી વિશે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો આ મુદ્દે મત જાણવાનો પ્રયત્ન કર્યો છે જે અહીં રજૂ કરાયો છે.
• બિહારમાં પણ દારૂબંધીથી બહેનો ખાસ ખુશ થતી હશે. દારૂબંધીથી એક રીતે સોશિયલ કેપિટલ એટલે કે સામાજિક મૂડી અને સામાજિક પરંપરાઓ જરૂર સચવાય. દારૂની લતના કારણે કેટલાય પરિવારોમાં આરોગ્યની તકલીફો જોવા મળે છે અને ગરીબ પરિવારો તો રીતસર બરબાદીમાં જ ધકેલાય છે. તે સમસ્યાઓ દૂર થાય. ગુજરાતમાં ગાંધીજીએ દારૂ ન પીવા પર ભાર મૂક્યો હતો અને હવે દેશના અન્ય રાજ્યોમાં સરકારે દારૂબંધી અમલમાં મૂકી તે આવકારદાયક પગલું છે.
ગૌરાંગ જાની, સમાજશાસ્ત્રી
આલ્કોહોલના સેવનથી વ્યક્તિના મનમાં જે વાત કે પ્રવૃત્તિ દબાઈ હોય તે આલ્કોહોલની અસર હેઠળ છતી થાય છે. નશામાં મન મસ્તિષ્ક પર કાબૂ ન રહેતાં ગુનાખોરી અને રેપના બનાવો બને છે. તેથી ક્યાંય પણ દારૂબંધીનો નિર્ણય યોગ્ય જ છે. હા, નિયમિત રીતે જે શરાબનું સેવન કરતા હોય તેમના માટે તરત જ દારૂ છોડવો શક્ય નથી. જો તેઓ એકદમ દારૂ છોડે તો માનસિક સંતુલન પર ગહેરી અસર થાય છે. કેટલાક કેસમાં ખેંચ પણ આવી શકે છે. તેથી જ સરકારે કોઈ પણ જગ્યાએ દારૂબંધી લાગુ પાડવાની જાહેરાત ઓછામાં ઓછા છ મહિના પહેલાંથી તો કરી દેવી જોઈએ.
હંસલ ભચેચ, મનોચિકિત્સક
• બિહારમાં સ્ત્રીઓ પર હિંસા, કૌટુંબિક સમસ્યાઓ, ગરીબી જેવા પ્રશ્નો પર કાર્ય કરતાં મારી સંસ્થા ‘સેવા’ દ્વારા તૈયાર કરાયેલા અને સરકારને વિનંતી કરતા એજન્ડામાં દારૂબંધીનો પણ સમાવેશ થતો હતો. સરકારે આ રાજ્યમાં દારૂ નિષેધ કર્યો તે વખાણવા લાયક પગલું છે. પરમિટ સાથે પણ જો આલ્કોહોલનું સેવન થાય તો એની આદત જ એવી છે કે તે ભાન ભુલાવે. વિવેક ચુકાવે. આજકાલ શહેરીકરણની અસર હેઠળ દેખાદેખીમાં સ્ત્રીઓ પણ જો આલ્કોહોલનું સેવન કરતી હોય તો તે પણ વિવેક જાળવીને દારૂનું સેવન કરી શકે નહીં તેથી ખોટી દિશામાં જવા કરતાં પહેલેથી જ આ મામલે સાવધ રહેવું સારું એવું મારું માનવું છે.
ઇલાબહેન ભટ્ટ, સામાજિક સંસ્થા ‘સેવા’ના સંસ્થાપક, સમાજિક કાર્યકર
પાર્કિન્સનની વાત કરીએ તો આલ્કોહોલ મગજની નર્વ સિસ્ટમને હાનિ પહોંચાડે છે જેના લીધે વ્યક્તિને પાર્કિન્સન થઈ શકે. પાર્કિન્સનના દર્દીઓએ તો આલ્કોહોલનું સેવન કરવું જ ન જોઈએ બાકી કંપવામાં વધારો થાય. આ ઉપરાંત આલ્કોહોલ પર પ્રતિબંધ સામાજિક સુખાકારી માટે પણ જરૂરી છે. કેટલાક દારૂબંધીની છૂટ ધરાવતાં રાજ્યોની મુલાકાત લઈએ તો સડકો પર કેટલાય લોકો નશામાં ધૂત ફરતાં દેખાશે અને નશાર્ત હોઈને અણછાજતી હરકતો પણ કરી બેસે. દારૂબંધીવાળા રાજ્યોમાં આ મુદ્દે શાંતિ અને સલામતી દેખાશે.
ડો. નીતાબહેન ગોસ્વામી, પાર્કિન્સન સ્પેશિયાલિસ્ટ
• ભારતની સ્વતંત્રતા પછી કેટલાક રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા અધિક ટેક્સ અને ડ્યુટી સાથે લિકરની છૂટ અપાઈ હતી, પણ હવે કેટલાક રાજ્યોમાં દારૂબંધી લદાઈ છે તે પરિવર્તન આવકારદાયક છે. હવે એ રાજ્ય સરકાર અને જે તે રાજ્યમાં વસતી પ્રજાની જવાબદારી છે કે તેઓ આલ્કોહોલના સેવનથી દૂર રહે અને નશામુક્તિ કેન્દ્રોની સ્થાપના કરે.
સુદર્શન આયંગર પ્રખ્યાત ગાંધીવાદી
• ગુજરાતમાં રાજ્યની સ્થાપનાથી જ દારૂબંધી હોવાથી જાહેરમાં તો કમ સે કમ લોકો દારૂથી દૂર રહે છે. અહીં ગેરકાયદે દારૂ મળે છે, પણ જાહેરમાં લોકો ન પીતા હોવાથી સ્ત્રીઓ અને બાળકો પર તેમની અસર પડતી નથી. બિહારમાં હાલમાં જ દારૂબંધી થવાથી બિહારના લોકો જે દારૂની લતે છે તેમને આવતા અમુક મહિનાઓ સુધી દારૂ પીતાં રોકવા મુશ્કેલ થશે જેથી ત્યાંના ક્રાઈમરેટમાં વધારો થઈ શકે અને ગેરકાનૂની રીતે દારૂની આયાત-નિકાસ વધી શકે છે.
રૂપા વાઘેલા, ટ્રસ્ટી ‘સ્પંદન’ સામાજિક સંસ્થા
• જ્યાં સુધી એક આખો વર્ગ કાયદાની તરફેણમાં ન હોય ત્યાં સુધી કાયદાનું જોઈએ તેવું પરિણામ મેળવી શકાતું નથી. દારૂબંધીના કાયદા માટે પણ મારું આ જ માનવું છે. ગુજરાત વર્ષોથી ડ્રાય સ્ટેટ છે, પરંતુ ગેરકાયદે અહીં દારૂની હેરફેર અને સેવન થાય છે. દારૂની છૂટ ખાસ તો એવા સમાજમાં વધુ નુક્સાનકારક છે કે જ્યાં હજી સમાજમાં સ્ત્રીઓ અને બાળકોને નબળાં ગણાય છે. જોકે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં મહિલાઓ દારૂબંધી માટે ઝુંબેશ ચલાવે છે તે વખાણવા યોગ્ય છે.
કમલાબહેન ગુર્જર, પૂર્વ રાજ્ય પ્રધાન, સામાજિક ન્યાય અને સશક્તિકરણ અને પ્રમુખ, આદર્શ મહિલા સમાજ