અમદાવાદઃ વિવિધતામાં એકતા આપણા દેશની અનેરી વિશિષ્ટતા છે. ભારતમાં કુલ ૧૨૪ પ્રકારની ભાષાનો વાતચીત માટે ઉપયોગ કરાય છે. આ પૈકી ગુજરાતમાં જે જિલ્લામાં સૌથી વધુ ભાષા બોલાતી હોય તેમાં સુરત મોખરે છે. સુરતમાં ભારતની ૫૭ ભાષામાં વાત કરતા લોકો વસે છે.
ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં દેશના હબ એવા સુરતની વસતીમાં એટલી વિવિધતા છે કે ગુજરાતી ૫૪.૮૦ ટકા લોકોની માતૃભાષા છે. સુરત શહેરમાં જ ભારતની ૫૪ ભાષા બોલતા લોકો વસે છે. એક અહેવાલમાં રજૂ કરવામાં આવેલી વિગત અનુસાર ગુજરાતમાં ૯૦ પ્રકારની ભારતીય ભાષા બોલાય છે. અને તેમાં ૨૨ શિડ્યુલ્ડ લેંગ્વેજનો પણ સમાવેશ થાય છે. ભારતની સૌથી વધુ ભાષા હોય તો તેમાં કચ્છ બીજા સ્થાને છે. સરકાર દ્વારા કચ્છી ભાષાને સિંધી ભાષાની બોલી જ ગણવામાં આવે છે. જેના કારણે કચ્છમાં ૫૪.૯૦ ટકા વસતીની જ માતૃભાષા ગુજરાતી છે.
ડાંગમાં માતૃભાષા ગુજરાતી હોય તેવી વસ્તી માત્ર ૩૨.૫૦ ટકા છે. ડાંગમાં ડાંગલી ભાષા બોલવાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આ સિવાય વડોદરામાં ૫૨ જ્યારે અમદાવાદમાં ૪૯ વિવિધ પ્રકારની ભારતીય ભાષા બોલતા લોકો છે. ગુજરાતી માતૃભાષા હોય તેનું વડોદરામાં ૭૩.૯૦ જ્યારે અમદાવાદમાં ૬૮.૩૦ ટકા પ્રમાણ છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં સૌથી વધુ ૯૯ ટકા લોકોની માતૃભાષા ગુજરાતી છે.