નવી દિલ્હી: વિશ્વમાં સૌથી વિશાળ વસતી ધરાવતા લોકશાહી દેશ ભારતમાં 18મી લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ચૂંટણી પંચના આમંત્રણથી 23 દેશોના 75 પ્રતિનિધિઓ વિશ્વની આ સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયાને જોવા-સમજવા માટે ભારત આવ્યા છે. ઉચ્ચત્તમ ધોરણો સાથે ચૂંટણી કરાવવા પ્રતિબદ્ધ ચૂંટણી પંચે વિશ્વના દેશોના ઈએમબીને ભારતની ચૂંટણી પ્રક્રિયાના સાક્ષી બનવા 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ઈલેક્શન વિઝિટર્સ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. સહભાગના પ્રમાણ અને પરિમાણની દૃષ્ટિએ આ પ્રકારનું આ પહેલું આયોજન હશે.
ભૂતાન, મોંગોલિયા, ઓસ્ટ્રેલિયા, માડાગાસ્કર, ફિઝી, કિર્ગિઝ રિપબ્લિક, રશિયા, મોલ્દોવા, ટ્યુનિશિયા, સેશેલ્સ, કંબોડિયા, નેપાળ, ફિલિપાઈન્સ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, કઝાકિસ્તાન, જ્યોર્જિયા, ચિલી, ઉઝબેકિસ્તાન, માલદિવ્સ, પપુઆ ન્યુ ગિની અને નામિબિયા જેવા 23 દેશોના 75 પ્રતિનિધિ આ કાર્યક્રમમાં સહભાગી થશે. ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઈલેક્ટ્રોલ સિસ્ટમ્સના સભ્યો અને ભૂતાન તથા ઈઝરાયલના પ્રસાર માધ્યમો પણ સહભાગી થશે.
ચોથી મેએ શરૂ થયેલા આ કાર્યક્રમનો હેતુ વિદેશના ચૂંટણી પ્રબંધન એકમોને ભારતની ચૂંટણી પ્રક્રિયાની બારીકીઓની સાથે સાથે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ દ્વારા ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ સિસ્ટમ્સ સાથે પરિચિત કરાવવાનો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડો. સુખબીરસિંહ સંધુએ આ પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું. એ પછી આ પ્રતિનિધિઓ ચૂંટણી પ્રક્રિયાની તૈયારી નિહાળવા માટે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત
લીધી હતી.