અમદાવાદ: ભારતની સૌથી મૂલ્યવાન ટોપ-500 કંપનીઓમાં 31 કંપનીઓ ગુજરાતની છે. એક્સિસ બેંકના પ્રાઈવેટ બેંકિંગ બિઝનેસ બર્ગન્ડી પ્રાઇવેટ અને હુરુન ઈન્ડિયાએ 2023 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500ની યાદી જાહેર કરી છે. ભારતમાં 500 મોસ્ટ વેલ્યુએબલ કંપનીઓની આ યાદીમાં 31 કંપનીઓ ગુજરાતની છે અને કુલ વેલ્યુ રૂ. 14.7 લાખ કરોડ જેટલી છે.
આ યાદીમાં અદાણી ગ્રૂપની આઠ કંપનીઓ સંયુક્તપણે રૂ. 9.9 લાખ કરોડની વેલ્યુ ધરાવે છે અને 500 ટોપ કંપનીઓની કુલ વેલ્યુમાં 4.3 ટકા હિસ્સો ધરાવે છે. હેલ્થકેર સેક્ટરે ગુજરાતમાંથી સૌથી વધુ નવા ઉમેરા જોયા છે જેની આગેવાની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે લીધી છે જેનું મૂલ્ય રૂ. 65,332 કરોડ કરોડ છે, જેના પછી રૂ. 61,900 કરોડ સાથે ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ અને રૂ. 58,733 કરોડ સાથે ઝાયડસ લાઇફસાયન્સીસ છે.
આ યાદીમાં પાંચ કપનીઓ સાથે એનર્જી સેક્ટરે બીજું સ્થાન મેળવ્યું છે, જેના પછી પ્રત્યેકમાં ચાર નવી કંપનીઓના પ્રવેશ સાથે કેમિકલ્સ તથા કન્ઝ્યુમર ગુડ્સે સ્થાન મેળવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ગુજરાતની કંપનીઓનું કુલ વેચાણ સંયુક્તપણે રૂ. 4.3 લાખ કરોડ હતું જે ગયા વર્ષની સરખામણીએ 30 ટકાનો વધારો દર્શાવે છે. આ લિસ્ટમાં સ્થાન મેળવનાર ગુજરાતની કંપનીઓની સરેરાશ વય 38 વર્ષની છે.
એક્સિસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિતાભ ચૌધરીએ જણાવ્યું હતું, ભારત હવે પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યો છે. લિસ્ટમાં સ્થાન પામેલી કંપનીઓએ સંયુક્તપણે શેરધારકો માટે રૂ. 231 લાખ કરોડના મૂલ્યનું સર્જન કર્યું છે.