નવી દિલ્હી: વિજય માલ્યા અને નિરવ મોદીની આર્થિક ગોબાચારીને પણ ઝાંખી પાડી દે તેવું મસમોટું બેન્કીંગ કૌભાંડ બહાર આવ્યું છે, અને તે પણ ગુજરાતમાં. દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇએ આ મામલે સુરત - દહેજસ્થિત એબીજી શિપયાર્ડ લિમિટેડ સામે ગુનો નોંધ્યો છે. કંપનીએ પાંચ વર્ષ - ૨૦૧૨થી ૨૦૧૭ - દરમિયાન ૨૮ બેન્ક અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવેલા ભંડોળનો દુરુપયોગ કરીને રૂ. ૨૨,૮૪૨ કરોડનું કૌભાંડ આચર્યું છે. સીબીઆઇએ કંપનીના મેને. ડિરેક્ટર રિશી અગ્રવાલ ઉપરાંત તત્કાલિન એક્ઝિ. ડિરેક્ટર સંથાનમ્ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિનીકુમાર, સુશીલકુમાર અગ્રવાલ અને રવિ નેવેટિયા ઉપરાંત એબીજી ઇન્ટરનેશનલ પ્રા.લિ. સામે ફરિયાદ નોંધી છે.
સિંગાપોર જઇ વસ્યો છે રિશી અગ્રવાલ
એબીજી શિપયાર્ડ લિમિટેડ એ રિશી અગ્રવાલે સ્થાપેલા એબીજી ગ્રૂપની ફ્લેગશિપ કંપની છે, અને તે જહાજનિર્માણ અને સમારકામની કામગીરી સાથે સંકળાયેલી છે. દક્ષિણ ગુજરાતના સુરત તથા ભરૂચ જિલ્લાના દહેજમાં તેના શિપિંગ યાર્ડ છે અને કંપનીએ અત્યાર સુધીમાં કુલ ૧૬૫ જહાજોનું નિર્માણ કર્યું છે.
એબીજી ગ્રૂપનો સ્થાપક રિષી અગ્રવાલ દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસ એસ્સાર જૂથના રુઇયાબંધુઓનો ભાણેજ છે અને છેલ્લા લાંબા સમયથી ભારત છોડીને સિંગાપોર જઇ વસ્યો છે. સીબીઆઇએ કેસ નોંધ્યા પછી કંપની અને તેના ડિરેક્ટરોના સુરત, ભરૂચ, મુંબઇ, પૂણે વગેરે શહેરોમાં ૧૩ ઠેકાણે દરોડા પાડીને મોટી સંખ્યામાં દસ્તાવોજો જપ્ત કર્યા હોવાનો દાવો થાય છે. જોકે આ બધા પ્રયાસો ઘોડા નાસી છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા જેવા છે.
કંપની વિરુદ્ધ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે. એસબીઆઇને કંપની પાસેથી રૂ. ૨,૯૨૫ કરોડ લેવાના નીકળે છે, તો કંપનીએ આઈસીઆઈસીઆઈ બેન્કને રૂ. ૭૦૮૯ કરોડ, આઈડીબીઆઈ બેન્કને રૂ. ૩૬૩૪ રોડ, બેન્ક ઓફ બરોડાને રૂ. ૧૬૧૪ કરોડ, પંજાબ નેશનલ બેન્કને રૂ. ૧૨૪૪ કરોડ અને ઇંડિયન ઓવરસીઝ બેન્કને રૂ. ૧૨૨૮ કરોડ રૂપિયા ચૂકવવાના છે.
ભંડોળનો દુરુપયોગ અને વિશ્વાસભંગ
સીબીઆઈએ ફરિયાદમાં જણાવ્યું છે તે પ્રમાણે કંપનીએ ભંડોળને અયોગ્ય રીતે બીજે વાળ્યું છે, તેનો દુરુપયોગ કરીને વિશ્વાસભંગ કર્યો છે અને બેન્કોએ જે હેતુસર નાણાં આપ્યા હતા તે સિવાયના હેતુ માટે તેનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી છે. એજન્સીએ એફઆઈઆરમાં લખ્યું છે કે વૈશ્વિક સંકટને કારણે કોમોડિટીની માગ અને કિંમતોમાં ઘટાડાને કારણે શિપિંગ ઉદ્યોગને વિપરિત અસર થઈ હતી અન તેના કારણે કાર્ગોની ડિમાન્ડમાં પણ ઘટાડો થયો હતો. કેટલાક જહાજોના નિર્માણના ઓર્ડર રદ થતાં કંપની પર આર્થિક ભારણ વધ્યું હતું પરિણામે કાર્યશીલ મૂડી રોકાઈ હતી અને કંપની સામે લિક્વિડિટી સહિતની નાણાકીય સમસ્યાઓ સર્જાઇ હતી. કંપનીને સીમાચિહ્ન હાંસલ કરવામાં સમસ્યા આવી હતી અને તેના પરિણામે કંપની વિવિધ બેન્કો અને નાણાં સંસ્થાનોની લેણી રકમ પરત ચૂકવવામાં અસમર્થ રહી હતી.
૨૦૧૨થી ૨૦૧૭ વચ્ચે થઈ છેતરપિંડી
એબીજી શિપયાર્ડે આચરેલી ગેરરીતિ અંગે એકાઉન્ટીંગ ફર્મ મેસર્સ અર્નેસ્ટ એન્ડ યંગ એલપીએ ફોરેન્સિક ઓડિટ હાથ ધર્યું હતું, જેમાં આરોપીઓએ એકસંપ કરીને એપ્રિલ ૨૦૧૨થી જુલાઈ ૨૦૧૭ની વચ્ચે આ બેન્કો સાથે આચરેલું કૌભાંડ છતું થયું હતું. આરોપીઓએ બેન્કે આપેલા ભંડોળનો તેના મૂળ હેતુ સિવાયના અન્ય કાર્યો માટે ઉપયોગ કર્યો હતો.