ભારતમાં ક્રિકેટનું આગમન કયારે થયું?

સી.બી.પટેલ Tuesday 24th May 2016 09:43 EDT
 

ઈંગ્લેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે અને પ્રથમ ટેસ્ટમાં જ ઈંગ્લેન્ડનો એક ઈનિંગ સાથે ભવ્ય વિજય થયો છે.

ભારતીય ઉપખંડમાં ચાર દેશ-ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે. હમણા તો અફઘાનિસ્તાન પણ સારો દેખાવ કરી રહ્યું છે. IPLથકી ભારત ક્રિકેટ રમતા તમામ દેશોના ક્રિકેટરો માટે સૌથી લોભામણું સ્થળ બની ગયું છે. ઈંગ્લિશ ખેલાડીઓ ઘરઆંગણે આખુ વર્ષ રમીને કમાણી કરે તેની સરખામણીએ IPL મેચોમાં ચાર સપ્તાહ રમીને જ વધુ કમાણી કરી લે છે.

એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય છે કે અંગ્રેજ ખેલાડીઓ ભારતમાં સૌ પહેલા ક્યારે ક્રિકેટ રમ્યા હતા? ક્રિકેટ રેકોર્ડ્સના ઈતિહાસ અનુસાર ૧૭૨૧માં કેટલાક અંગ્રેજ ખલાસીઓ ગુજરાતમાં ખંભાતના અખાત નજીક એક ક્રીક-ખાડી પર ક્રિકેટની રમત રમ્યા હતા, જે ભારતની ધરતી પર પહેલી ગેમ હતી. જ્હોન ડ્રયુએ તેમની ૬૦ પાનાની પુસ્તિકામાં આનો રસપૂર્વક ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાના લખાણનો આધાર ક્લેમેન્ટ ડાઉનિંગના પુસ્તક (A History of the Indian Wars 1737) ને ગણાવ્યો છે. લોર્ડ ભીખુ પારેખના સૌજન્યથી મને તાજેતરમાં જ આ પુસ્તિકા મળી છે. તે ખરેખર અદ્ભૂત વાત કહે છે. આ પુસ્તિકા ગુજરાતી સાહિત્યમાં માત્ર ‘ચંચી’ અથવા ‘CC’ તરીકે જ પ્રખ્યાત મૂર્ધન્ય લેખક ચંદ્રવદન ચીમનલાલ મહેતાને અર્પણ કરવામાં આવી છે.

એક સમયે ડભોઈના કલેક્ટર અને ગુજરાતમાં સૌથી પ્રખ્યાત અંગ્રેજો (અથવા બ્રિટિશર) માંના એક એ.કે. ફોર્બસે ‘રસ માળા’ નામે મોટો ગ્રંથ લખ્યો હતો. જ્હોન ડ્રયુની પુસ્તિકામાં ૧૭મી અને ૧૮મી સદીના ગુજરાત વિશે ઘણા ઉલ્લેખો કરાયા છે. એ જાણવું રસપ્રદ બની રહેશે કે એક ઈસ્ટ ઈન્ડિયા કંપની ત્રણ વહાણ સાથે ૧૬૦૭માં સુરત (રાંદેર) પહોંચી હોવાં છતાં બે ઈસ્ટ ઈન્ડિયા કંપનીઓ દ્વારા તે જ સત્તાવાર હોવાનો દાવો કરાયો હતો. આ દરેકે સુરતમાં મુગલ સત્તાવાળાઓ સમક્ષ બીજી કંપનીને ચાંચિયા તરીકે ઓળખાવી હતી. વિવાદગ્રસ્ત બન્ને પક્ષકાર સાચા હોવાનો કદાચ આ દુર્લભ કિસ્સો હતો!

જ્હોન ડ્રયુ લખે છે કે તે સમયે માત્ર અંગ્રેજો જ સંસ્થાનવાદી સત્તા ન હતા, તેઓ તો ૧૭૨૧માં રાષ્ટ્રસત્તા પણ ન હતા. આ ઉપરાંત, મહત્ત્વની એક વધુ જાણકારી પણ છે. ‘અછત, અરાજકતા અને વેલ્ફેરની મુશ્કેલીઓનો સામનો કરતી કંપની વાસ્તવમાં (બોમ્બે કાઉન્સિલના શબ્દોમાં) ‘ઘણા વર્ષો સુધી સુરતમાં અંગ્રેજોની તમામ બાબતોમાં નિરંકુશપણે વહીવટ ચલાવતા’ ભારતીય શાહુકારો (મર્ચન્ટ બેન્કર્સ) અને દલાલોની જ આશ્રિત હતી. તે વખતના સુરતના અગ્રગણ્ય શાહુકાર લાલદાસ વિઠ્ઠલદાસ પરીખનું નીરિક્ષણ છે કે, ‘સમય કેવો નાજૂક હોય છે.’

જંબુસરથી થોડે દૂર ઢાઢર નદી ખંભાતના અખાતને મળે છે. ભારતીય ધરતી પર ચિમનાવ નામના સ્થળે સૌ પ્રથમ વખત ઈંગ્લિશ (એટલે કે કોઈ પણ યુરોપિયન માટે વપરાતો શબ્દ) અને ભારતીય ખલાસીઓ (૨૦ યુરોપિયન અને ૩૦ ભારતીયો) વચ્ચે ક્રિકેટની રમત રમાઈ હતી. એ સમયે કેન્ટના ક્રિકેટરોનો મોટો ટેકો સાંપડ્યો હતો.

આ પુસ્તિકામાં ભૂગોળ, ઈતિહાસ, યુદ્ધ અને કાવાદાવા વિશે ઘણા ઉલ્લેખ છે. આની વાત ફરી કોઈક વખત કરીશું. જોકે, કેટલાક સ્થળોના નામનો ઉલ્લેખ અવશ્ય કરવો જોઈએ, જે ઘણા વાચકોને તેમના વતનની યાદ અપાવશે, જેમ કે- ભરુચ, સુરત, વડોદરા, આમોદ, ચિમનાવ, કાવી, અમદાવાદ, નડિયાદ, વાસદ, અડાસ સહિત અનેક સ્થળો અને મહી, સાબરમતી, ઢાઢર, નર્મદા, તાપી જેવી નદીઓ વગેરે.

(એશિયન વોઈસના તારીખ ૨૧ મે, ૨૦૧૬ના અંકમાં પ્રકાશિત કોલમ As I See It નો ભાવાનુવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter