મંગળવારે રાજકોટ આવેલા ‘સેબી’ના ચેરમેન યુ. કે. સિંહાએ જણાવ્યું હતું કે, ડબ્બા ટ્રેડીંગ સામે કડક કાર્યવાહી કરી શકાય તેવાં નિયમો ગત જુલાઈ માસમાં બન્યા છે અને તેના આધારે આવા ગેરકાયદે સોદા રોકવા માટે અમે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. ડબ્બા ટ્રેડીંગથી માર્કેટને નુકસાન થાય છે અને સોદા કરનારને કોઈ કાનૂની રક્ષણ પણ મળતું નથી. ઉલ્લેખનીય છે કે ડબ્બા ટ્રેડિંગમાં ખાનગી ધોરણે સંચાલિત શેરબજારમાં, સત્તાવાર શેરબજારની જેમ જ શેરોની લે-વેચ થાય છે. જોકે આવા સોદાને કોઇ કાનૂની માન્યતા હોતી નથી.
શેરબજારમાં કોઇ શેરને ડિલિસ્ટ કરવાના નિયમોમાં થયેલા ફેરબદલ અંગે તેમણે કહ્યું કે, હવે કમસેકમ ૨૫ ટકા શેરહો્લ્ડરને સાથે રાખીને જ કંપની ડિલિસ્ટનો નિર્ણય કરવો પડે છે.
‘સેબી’ના અધ્યક્ષ સિંહાએ જણાવ્યું હતું કે, શેરહોલ્ડરોના રક્ષણમાં દેશનો ક્રમાંક વિશ્વમાં છેલ્લા ત્રણ વર્ષથી ઉંચો આવી રહ્યો છે. ૨૦૧૨માં આ રેન્કીંગ દુનિયામાં ૪૯ હતું. ૨૦૧૩માં તે સુધરીને ૩૪ થયેલું અને રિપોર્ટ પ્રમાણે રોકાણકારોની હિતની રક્ષામાં ભારતનું સ્થાન દુનિયામાં સાતમું છે.