ન્યૂ જર્સીઃ ૫૦ વર્ષ કરતાં વધુ સમયથી ફ્રેન્ચાઈઝીસ સાથે કામ કરનારા ભારતીય-અમેરિકન હોટેલ માલિકોના અનુભવી ગ્રૂપે ન્યૂ જર્સીમાં રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે મેમ્બરશીપ હોટેલ ઓર્ગેનાઈઝેશન (MHO) હોટેલ્સના નામે સૌપ્રથમ ભારતીય-અમેરિકન ફ્રેન્ચાઈઝ શરૂ કરી છે.
આ પ્રસંગે ૧૦૦થી વધુ આમંત્રિતો હાજર રહ્યા હતા અને અન્ય ઘણાં લોકો ઝૂમના માધ્યમથી જોડાયા હતા. MHO Hotelsનો સિદ્ધાંત ‘સાથે મળીને અમે સારું કરીશું’ છે અને તેનો ઉદેશ હોટલમાલિકોને તેમનો ખર્ચ ઘટાડવામાં અને આવક વધારવામાં મદદરૂપ થવાનો છે. નવી સંસ્થા અંગેની મિટીંગમાં MHOના ચેરમેન સી. ઝેડ. પટેલે માહિતી આપી હતી.
આ પ્રસંગે જો જોહલે ગ્રૂપ પ્રેઝન્ટેશનનું સંચાલન કર્યું હતું. પેનલિસ્ટ્સમાં ફાઉન્ડર/સીઈઓ અને પ્રેસિડેન્ટ મહેન્દ્ર ઝેડ. પટેલ, સીટીઓ પેટ્રિક પટેલ અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને સીઓઓ કેશીન પટેલનો સમાવેશ થતો હતો.
કાર્યક્રમમાં ન્યૂ યોર્ક ખાતેના ભારતના કોન્સલ જનરલ રણધીર કુમાર જયસ્વાલ, ડેપ્યૂટી કોન્સલ જનરલ શત્રુઘ્ન સિંહા, રોયલ આલ્બર્ટ પેલેસ / TV9ના માલિક અને સીઈઓ તથા MHO હોટેલ્સ ફ્રેન્ચાઈઝી એડવાઈઝરી બોર્ડના ચેરમેન આલ્બર્ટ જસાણી અને TV Asiaના સીઈઓ અને ચેરમેન એચ. આર. શાહ ઉપસ્થિત રહ્યા હતા.
હોટેલ માલિકોએ શા માટે MHO Hotels સાથે જોડાવું જોઈએ તે અંગે એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર્સે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ડો. તુષાર પટેલે હોસ્ટ તરીકે કામગીરી કરી હતી અને ડીજે/સિંગર રાકેશ રાજે ગીતો દ્વારા મનોરંજન પૂરું પાડ્યું હતું.