સુરતઃ ભારતના લશ્કરી કાફલાના ઉપયોગમાં લેવાતા બેગ અને પેરાશૂટનું કાપડ અત્યાર સુધી વિદેશથી મંગાવવામાં આવતું હતું હવે આ કાપડ સુરતમાં બનાવવાની શરૂઆત થશે. હાલમાં જ આ ખાસ ફેબ્રિકને દેશની કેન્દ્રિય લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરાયું છે. લશ્કરી પેરાશૂટ અને બેગના ફેબ્રિક માટે સુરતના ખાસ નાયલોન પોલીએસ્ટર કાપડનું ટેસ્ટિંગ વૈશ્વિક સ્તરે કરાયું હતું. કેન્દ્ર સરકારે પણ તેને સર્ટિફાઈડ કર્યું છે. ડિફેન્સ સેક્ટરમાં આ કાપડની ડિમાન્ડ આગામી દિવસોમાં જોવા મળશે. અગાઉ આ કાપડ ચીનથી ઈમ્પોર્ટ કરાતું હતું, પણ હવે મેક ઈન્ડિયા કન્સેપ્ટ હેઠળ આ કાપડ ભારતમાં બનાવવા મંજૂરી મળી છે. હાલ એની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ નજીક આવી રહી છે. આ માટે વેપારીઓ દ્વારા કોરિયા અને જાપાનથી અદ્યતન મશીનો પણ મંગાવવામાં આવી રહ્યા છે. આગામી મહિનાઓમાં રેપીયર લુમ્સ, વોટર જેટ લુમ્સ ઈમ્પોર્ટ થશે.
મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલની કમિટીના ચેરમેન અને ફિયાસ્વીના ઓલ ઈન્ડિયા ચેરમેન ભરત ગાંધીએ કહ્યું કે, સિટરા, બટરા અને કેન્દ્રિય ટેક્સટાઈલ કમિટીમાં આ ફેબ્રિક પાસ કરવામાં આવ્યું છે. ડિફેન્સ ક્ષેત્રે કાપડનું ૪૦ ટકા ઈમ્પોર્ટ ચીન કરે છે, પણ હવે ચીનની વસ્તુઓ મોંઘી બનતા અન્ય દેશો ચીનની ચીજો વાપરવાનું ટાળી રહ્યા છે. આ તકે આપણે ઝડપી આ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
પેરાશૂટ માટે ફેબ્રિક ખૂબ જ મજબૂત હોવું જોઈએ. ૧૦૦૦૦ કિ.મી. ઉપરથી જો પેરાશૂટ પડે તો હવાનો માર ઝીલી શકે આ તમામ પાસાંઓ ધ્યાનમાં રાખી લેબોરેટરીમાં કાપડ પ્રમાણિત કરવામાં આવતું હોય છે અને આ કાપડ તે માપદંડમાં ખરું ઉતર્યું છે.