નવી દિલ્હી: રશિયા અને યૂક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને દેશોના અનેક જવાનો માર્યા ગયા છે. આ સ્થિતિ વચ્ચે યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બની રહી છે.
ફસાયેલામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. જેઓ બહાર નિકળવા માટે પોલેન્ડ અને રોમાનિયાનો રસ્તો અપનાવી રહ્યા છે. દરમિયાન કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓનો આરોપ છે કે યૂક્રેનના ચેકપોઇંટ પર તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.
ભારતીય જાણીને જુલમ થાય છે
ભારત યૂક્રેનની મદદે આગળ ન આવ્યું હોવાથી તેનો ગુસ્સો યૂક્રેન હવે ફસાયેલા ભારતીય નાગરિકો પર કાઢી રહ્યું હોવાના પણ અહેવાલો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમને અત્યંત ઠંડીમાં પણ કેદીની જેમ રાખવામાં આવ્યા છે.
અમને ભોજન, પાણી, શેલ્ટર જેવી સુવિધા આપવાની પણ ના પાડી દેવામાં આવી છે. જ્યારે બોર્ડર ગાર્ડ્સ તેમને ગાળો આપી રહ્યા છે. કેમ કે યુએનએસસીમાં યૂક્રેન પર રશિયાએ કરેલા હુમલાની નિંદા કરતા પ્રસ્તાવની તરફેણમાં મત આપવાની ભારતે ના પાડી દીધી હતી.
બીજી તરફ ફસાયેલા વિદ્યાર્થીઓ સહિતના ભારતીયોને બહાર કાઢવા માટે કેન્દ્રીય મંત્રીઓને કેન્દ્ર સરકારે સક્રિય કરી દીધા હોવાના અહેવાલો છે. આ માટે મંત્રીઓની એક ટુકડીને યુરોપ મોકલવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના અનેક ચિંતાજનક વીડિયો સામે આવ્યા બાદ સફાળી જાગેલી કેન્દ્ર સરકાર દ્વારા હવે મંત્રીઓને દોડાવવામાં આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કેંદ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજૂ, જનરલ વીકે સિંહને આ જવાબદારી સોપવામાં આવી છે. તેઓ યુરોપ જઇને વિદ્યાર્થીઓનો સંપર્ક કરશે અને તેમને રેસ્ક્યૂ કરવાના પ્રયાસો કરશે.
એવા અહેવાલો છે કે યૂક્રેનથી આવેલા છ હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ રોમાનિયાની બોર્ડર પર ફસાયા છે. બીજી તરફ જ્યાં આ વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યાં નો ઇંડિયંસ અલાઉડના પાટિયા લગાવવામાં આવ્યા છે. જેથી ભારતીય વિદ્યાર્થીઓ હાલ નિરાધાર બની ગયા છે.
ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાયા
દેજેવી જ હાલત રોમાનિયા બોર્ડર ઉપર પણ છે. વડોદરાના ઓમ આડેસરા સહિત ૫૦થી વધુ વિદ્યાર્થીઓ બે દિવસ પહેલા અહીં પહોંચ્યા છે. બોર્ડરને પેલે પાર ભારતીય એમ્બેસી દ્વારા કેમ્પ લગાવવામા આવ્યો છે જ્યાં વિદ્યાર્થીઓને ભોજન સહિતની પ્રાથમિક સુવિધા આપ્યા બાદ ભારત આવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પરંતુ બે દિવસ થયા હજુ સુધી ઓમ આડેસરા અને અન્ય વિદ્યાર્થીઓ બોર્ડર ક્રોસ કરી શક્યા નથી કેમ કે અહી આંધાધૂંધીનો માહોલ છે. બોર્ડર પરનો ગેટ ૧૦ મિનિટ માટે ખુલે છે અને આ દરમિયાન ભારે ધક્કામુક્કી સર્જાય છે જે આ ધક્કામુક્કીમાં સફળ થાય તે બોર્ડર ક્રોસ કરી શકે છે.
ઓમ આડેસરાએ તેના પરિવાર સાથે કરેલી વાત મુજબ પહેલા વિદ્યાર્થીઓ કોઇ માર્ગદર્શન વગર જ બોર્ડર પર પહોંચી જતા હતા. હવે હોસ્ટેલ દ્વારા તબક્કાવાર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી બોર્ડર પર ધસારો ના થાય.