કેરા: કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા આકાર પામતી કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે વધુ રૂ. ૫૧ લાખનું દાન જાહેર થયું છે. નારાણપરના લંડન સ્થિત દાતા લક્ષ્મણભાઈ કેરાઈ દ્વારા આ દાન જાહેર કરાતાં તેમનું સન્માન પણ કરાયું હતું. હૃદય, કિડની અને કેન્સરની પૂર્ણ કક્ષાની સારવારના હેતુથી અંદાજે રૂ. ૧૨૫ કરોડના ખર્ચે ભુજમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ઊભી કરવાની જાહેરાત ડિસેમ્બર, ૨૦૧૮માં કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા કરાઈ હતી. હોસ્પિટલનો શિલાન્યાસ પણ ડિસેમ્બર, ૨૦૧૮માં જ કરાયો હતો.
કચ્છની ૨૧ લાખની માનવ વસ્તી અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે લેવાયેલા આ નિર્ણયમાં અનેક દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. એ પછી તાજેતરમાં ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ લાલજીભાઈ કેરાઈ અને તેમનાં પત્ની અમૃતબહેન, પુત્ર સંજય, પુત્રી દીનાબહેન તથા પરિવાર દ્વારા માતા ધનબાઈ, પિતા લાલજી મૂળજી કેરાઈ અને બર્નટોક ટિમ્બર ગ્રુપ ઓફ કંપની (યુકે) દ્વારા રૂ. ૫૧,૦૦,૦૦૦ દાન નૂતન હોસ્પિટલના વિભાગના નામકરણ પેટે જાહેર કરાયું હતું.
આ માતબર દાન બદલ આભાર માનતા સંસ્થાના પ્રમુખ હરિભાઈ હાલાઈ, અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, યુવક સંઘ પ્રમુખ મનજી પિંડોરિયા વતી ત્રણેય પાંખોના મંત્રી કેશરાભાઈ પિંડોરિયા, સમાજ મંત્રી રામજી સેંઘાણી, યુવક સંઘ મંત્રી વસંત પટેલે લક્ષ્મણભાઈના પરિવારનું સન્માન કર્યું હતું. લક્ષ્મણભાઈએ સમાજ સાહસને વધાવતાં કહ્યું કે, દાતાઓ સારા કાર્યો માટે સમાજ સાથે છે. આ પ્રસંગે નાઈરોબી ડનહીલ ગ્રુપના દેવશીભાઈ અરજણ કેરાઈ, કુંવરજીભાઈ બંધુઓએ કંપની પરિવાર તરફથી એક વિભાગ માટે મોટું દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. પટેલ ટ્રાવેલ્સના મેઘજીભાઈ ખેતાણી, રવજી કેરાઈ (કુન્દનપર) ઉપસ્થિત રહ્યા હતા. હાલની માતુશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં શરૂ થનારા આ વિભાગ માટે નામકરણ દાન આવકાર્ય છે.