મંગળ પરના ક્રેટરને દેવેન્દ્ર લાલનું નામ આપવામાં આવ્યું

Saturday 13th July 2024 15:12 EDT
 
 

અમદાવાદ: મંગળ પરના એક ક્રેટર એટલે કે ખાડાને અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ના ભૂતપૂર્વ ડિરેકટર દેવેન્દ્ર લાલનું નામકરણ થયું છે. ડો. વિક્રમ સારાભાઈના ડિસેમ્બર 1971માં આકસ્મિક નિધન પછી પીઆરએલના ડિરેકટર બનેલા દેવેન્દ્ર લાલને ડો. સારાભાઈના વિઝનને આગળ ધપાવીને ભારતમાં સ્પેસ રીસર્ચનો નવો યુગ શરૂ કરવાનું શ્રેય અપાય છે.
ભારતીય વિજ્ઞાનીઓએ આ ક્રેટર શોધ્યા હોવાથી નાસાએ ભારતીય વિજ્ઞાનીઓને તેમનાં નામ પાડવા કહેલું. પીઆરએલએ એક ક્રેટરનું નામ દેવેન્દ્ર લાલનું જ્યારે બીજાં બે ક્રેટરને ‘મુરસાન’ અને ‘હિલ્સા’ ક્રેટર નામ આપવાનું સૂચન કર્યું હતું. નાસાએ આ દરખાસ્તને મંજૂરી આપતાં ક્રેટરને દેવેન્દ્ર લાલનું નામ અપાયું છે.
દેવેન્દ્ર લાલનું યોગદાન
દેવેન્દ્ર લાલના સમયમાં પીઆરએલે માઉન્ટ આબુમાં ઈન્ફ્રારેડ ઓબ્ઝર્વેટરી સ્થાપી હતી. ગુરૂ શિખર પાસેની ઈન્ફ્રારેડ ઓબ્ઝર્વેટરી અવકાશમાં ચાલી રહેલી ગ્રહો, તારા વગેરેની હિલચાલ નોંધવા માટેની પહેલી સંસ્થા હતી. દેવેન્દ્ર લાલે રાજકોટ, સુરત અને અમદાવાદના થલતેજમાં સોલર વિન્ડની ઝડપ માપવા માટે રેડિયો ટેલીસ્કોપ પણ લગાવ્યાં. પીઆરએલમાં અર્થ સાયન્સ, લ્યુનાર મેટરોઈસ અને પ્લાઝામા રિસર્ચ શરૂ કરાવવાનું શ્રેય પણ લાલને જાય છે.
ભારતમાં સ્પેસ રિસર્ચના પ્રણેતા મનાતા બે મહાન વિજ્ઞાનીઓ હોમી ભાભા અને ડો. વિક્રમ સારાભાઈ બંનેના વિઝનને લાલે સાકાર કર્યું છે. પીઆરએલમાં જોડાતાં પહેલાં દેવેન્દ્ર લાલ હોમી ભાભાએ સ્થાપેલી તાતા ઈન્સ્ટિટયુટ ઓફ રીસર્ચમાં કામ કરતા હતા.
નાસાએ 2005માં મંગળ પર માર્સ અવકાશ યાન મોકલ્યું પછી આ ઓર્બિટરમાં ફીટ થઈ શકે તેવું રડાર 2006માં મોકલ્યું હતું, મંગળની જમીન અંગેનો ડેટા મોકલતું આ રડાર મંગળ ગ્રહ પરના જ્વાળામુખી, બરફ, પાણી, ખાડા વગેરેનો ડેટા મોકલે છે.
પીઆરએલના વિજ્ઞાનીઓને આ ડેટાના સંશોધનમાં મંગળ પર જવાળામુખીના વિસ્તારમાં ત્રણ મોટા ખાડા (ક્રેટર) દેખાયેલા. આ પૈકી બે ખાડાનો 10-10 કિલોમીટર પહોળા છે જ્યારે એક ખાડો 50 કિલોમીટરનો વ્યાસ ધરાવે છે. મંગળના પશ્ચિમ ગોળાર્ધમાં વિષુવવૃત્તની પાસે થાર્સિસ નામે જવાળામુખીનો મોટો વિસ્તાર છે કે જેને થાર્સિસ નામ અપાયેલું છે. સૌરમંડળમાં અહીં સૌથી મોટો જ્વાળામુખી હોવાનું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter