ન્યૂ યોર્કઃ યુનાઇટેડ નેશન્સ (યુએન)ના મુખ્યાલયમાં રામનામ અને રામચરિત માનસની ચોપાઈઓ ગૂંજી રહી છે. રામાયણી પૂ. મોરારિબાપુએ રવિવારથી અહીં 9 દિવસીય રામકથા શરૂ કરી છે. અમેરિકાના સમય મુજબ રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કથા થશે. પૂ. મોરારિબાપુએ કહ્યું હતું કે આ કથા કોઇ રેકોર્ડ બનાવવા, કોઇ બુકમાં નામ નોંધાવવા કે પછી કોઇ વિશેષ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે આયોજિત થઈ રહી નથી, પણ જે ઈમારતમાં બેસીને વિશ્વભરના દિગ્ગજ નેતાઓ વિશ્વશાંતિ માટેની ચર્ચા કરે છે, ત્યાં રામકથાનું આયોજન એ ઈશ્વરની જ કૃપા છે.
કથા માટેના હોલમાં વ્યાસપીઠની પાછળ ‘પ્રેમ દેવો ભવ’ લખ્યું છે. ‘હું વર્ષોથી મારી કથા દરમિયાન કહું છું કે મારું ચાલે તો યુએનની બિલ્ડિંગ પર ‘પ્રેમ દેવો ભવ’ લખાવું. જો મને કથા કરવાની મંજૂરી મળે તો રશિયા-યુક્રેન સરહદ અથવા ઇઝરાયલ-હમાસ વચ્ચે જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં રામકથા કરવા માંગું છું. ત્યાં બંને તરફથી શસ્ત્રો ફેંકાઈ રહ્યાં છે. હું શાસ્ત્ર લઇને જઇશ. આ રામકથાના માધ્યમથી અમે પરમ શાંતિ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીશું.
તેમણે ઉમેર્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના ચાર મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવી, વિશ્વભરમાં ભૂખમરો, બીમારી, નિરક્ષરતાની નાબૂદી, રાષ્ટ્રો વચ્ચે પારસ્પરિક સંવાદિતા અને મિત્રતા અને દરેકને સ્વતંત્રતા-અધિકાર મળે તેમજ રાષ્ટ્રો એકબીજાનું સન્માન કરે.
સમગ્ર ભારત અને આધ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાત છે કે 27 જુલાઈથી પૂજ્ય મોરારિબાપુની રામકથાનો યુએનમાં પ્રારંભ થયો છે. વિશ્વમાં સત્ય, પ્રેમ અને કરુણાના સંદેશને ફેલાવવાના હેતુથી મોરારિબાપુ યુએનમાં કથા કરી રહ્યા છે.
પૂજ્ય બાપુની આ 940મી રામકથા છે જે નવ દિવસ એટલે કે 4 ઓગસ્ટ સુધી અમેરિકાસ્થિત યુનાઇટેડ નેશન્સ (યુએન)ના હેડ ક્વાર્ટરમાં ચાલશે.
યુએનના ન્યૂયોર્ક સ્થિત હેડ ક્વાટર્સમાં મોરારિબાપુની કથાનું આયોજન થવું એ ન માત્ર ભારત, પણ આધ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાત છે. યુએનએ આંતરરાષ્ટ્રીય દેશોનું સંગઠન છે, જેમાં 193 દેશ સભ્ય છે. જેમાં પ્રથમ વખત ભારતના કોઇ સંત કથાકારની રામકથા યોજાઇ છે. ભારતના અન્ય કોઈ કથાકાર, આધ્યાત્મિક વિભૂતિને આ પ્રકારનો અવસર મળ્યો નથી કે યુએનઓ હેડ ક્વાર્ટરમાં સત્સંગ કરી શકે.
મોરારિબાપુના અવાજમાં અંગ્રેજીમાં રામકથા!
મોરારિબાપુની કથા વિદેશોમાં જ્યારે પણ થાય છે ત્યારે આમ તો એનું લાઈવ પ્રસારણ થાય છે, પણ આ વખતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના માધ્યમથી આ કથાનું દુનિયાભરમાં પ્રસારણ થઇ રહ્યું છે. લાઈવ પ્રસારણમાં હિન્દીમાં તો કથા સાંભળવા મળે જ છે, પરંતુ AIની મદદથી અંગ્રેજીમાં પણ કથા ટ્રાન્સલેટ થાય છે, અને તે પણ મોરારિબાપુના જ અવાજમાં સાંભળવા મળે છે. જોકે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થયેલી કથા થોડાક કલાકો પછી સાંભળવા મળે છે.