વડોદરાઃ બરોડ ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પૂર્વ સેક્રેટરી વિવાદમાં ફસાયા છે. અહીંના મોતીબાગ સ્ટેડિયમનાં ડ્રેસીંગરૂમના નવીનીકરણ માટે વગર મંજૂરીએ રૂ. ૭૦ લાખનો ખર્ચ કરવા બદલ બીસીએને નુકસાનમાં કરવા બદલ સંસ્થાના પૂર્વ સેક્રેટરી સંજય પટેલનું સામાન્ય સભ્યપદ પાછું ખેંચી લેવાયું છે. અને તેમની સામે નાણાંકીય અનિયમિતતા બદલ કાનૂની પગલાં લેવાની બીસીએની મેનેજિંગ કમિટીએ મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રેસીંગરૂમની મરામત માટે વર્ષ ૨૦૧૩માં તત્કાલીન કમિટીએ રૂ.૧૭ લાખના ખર્ચા મંજૂર કર્યા હતા. પરંતુ અંતે તે ખર્ચ રૂ. ૮૮ લાખ પર પહોંચ્યો હતો.
આ વધારાના ખર્ચ માટે કોઇ ક્વોટેશન મંગાવાયા હોય કે ટેન્ડર મંગાવાયા હોય તેવી કોઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. એટલું જ નહી સૂત્રોના જણાવ્યા મુજબ ગત ચૂંટણી વખતે કેટલીક રકમ ઉતાવળે ચૂકવવામાં પણ આવી હતી. રકમ પરત મેળવવા સંબંધિતો સામે કાનૂની કાર્યવાહી કરવાના મુદ્દાને પણ મંજૂરી આપવામાં આવી છે.