• ડો. ડિમ્પલ પારેખને ‘ઈન્ડિયા પ્રાઈડ એવોર્ડ’ઃ સિટિઝન ઇન્ટેગ્રેશન પિસ સોસાયટી સંસ્થા દર વર્ષે આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપનારી વ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે ઈન્ડિયા પ્રાઈડ એવોર્ડથી સન્માનિત કરે છે. આ વર્ષે સ્વાસ્થ્ય ક્ષેત્રે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ખ્યાતિ આપવા બદલ અને નવીન ટેકનોલોજી વિક્સાવવા માટે ઈન્ડિયા પ્રાઈડ એવોર્ડ ડો. ડિમ્પલ. આર. પારેખને અપાયો છે.
• બાળકીની બલિ ચઢાવનારા તાંત્રિકોને કેદઃ રશીદમિયાં બચુમિયાં મલેક પોતાની કેટલીક ઇચ્છાઓ પૂરી કરવા માટે ધર્મની બહેન બિલ્કિસબાનુની અઢી વર્ષીય દીકરી સુલતાનાને મહુધાના અંધજ ગામની સીમમાં આવેલી એક દરગાહના બાપુ તાંત્રિક ઉસ્માન કાલુ દીવાન તેના પુત્ર અનવર ઉસ્માન દીવાન પાસે બલિ માટે લઈ ગયો હતો. રશીદની મુરાદો પૂરી કરવા ૧૯ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ તાંત્રિક પિતા પુત્રએ સુલતાનાનું ગળું કાપીને હત્યા કર્યા બાદ તેની બલિ ચડાવી હતી. આ કેસમાં નડિઆદ કોર્ટે ૨૩મી મેએ રશીદમિયાં અને તાંત્રિક પિતા પુત્રને રૂ. ૧૦ હજારનો દંડ અને આજીવન કેદની સજા ફટકારી છે.
• પેટલાદમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પથ્થરમારોઃ પેટલાદના આંજણાવાડ વિસ્તારમાં રસ્તામાં અવરજવર બાબતે ૨૨મીએ સમી સાંજના સુમારે હિન્દુ અને મુસ્લિમ કોમના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે આ સામાન્ય બોલાચાલીએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આંજણાવાડ અને સૈયદવાડમાં બંને કોમનાં ટોળાં સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. એ પછી પેટલાદમાં અજંપાભરી પરિસ્થિતિ વચ્ચે પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.