GCMMFના ચેરમેનપદે ફરીથી જેઠાભાઈ પટેલની વરણી

Tuesday 18th August 2015 09:22 EDT
 

ગુજરાતના ૩૦ લાખ પશુપાલકોની માતૃસંસ્થા અને વાર્ષિક રૂ. ૨૧ હજાર કરોડનું જંગી ટર્નઓવર ધરાવતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનપદે અઢી વર્ષની ટર્મ માટે ફરીથી જેઠાભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. રાજકીય હાઇવોલ્ટેજ ડ્રામા પછી ૧૭ ડેરી સંઘોમાં ઉત્તમ ડેરીના મોહનભાઇ ભરવાડની ગેરહાજરીમાં બનાસ ડેરીના ચેરમેન પરથીભાઇ ભટોળે સાબર ડેરીના જેઠાભાઇ પટેલના નામની દરખાસ્ત કરી હતી.

અમૂલ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેનનું ભાષણ કરતા મૃત્યુઃ પેટલાદમાં સોમવારે પાટીદાર અનામતની માગ સાથે યોજાયેલી એક સભામાં પ્રવચન કરી રહેલા અમૂલ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન ગોરધનભાઇ આશાભાઇ પટેલ અચાનક જ મંચ પર ઢળી પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા

ધર્મજના રાજેશ પટેલ લિખિત પુસ્તકનું વિમોચનઃ આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા શતાબ્દી શતકોત્સવ કાર્યક્રમનું આયોજન થયું હતું. જે અંતર્ગત ધર્મજના રાજેશ પટેલ લિખિત જીવન ઉપયોગી પુસ્તક ‘જીવન પથના પગથિયાં’ વિદ્યાર્થીઓને ભેટ આપવાનો તથા રાજેશ પટેલના નવા પુસ્તક ‘તંત્રાવલી’નો વિમોચન સમારોહ અર્થશાસ્ત્રી અને પૂર્વ પ્રધાન જયનારાયણભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાયો હતો. રાજેશભાઈનો તે દિવસે વર્ષગાંઠ હોવાથી મહેમાનોના હસ્તે કેક કાપીને તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, પૂર્વ કલેક્ટર આર. એન. જોશી, ચરોતર એજ્યુકેશન સોસાયટીના ચેરમેન નિરવભાઈ પટેલ, મંત્રી કે. ડી. પટેલ તથા આણંદ નગરપાલિકાના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

૧૫ દિવસમાં નર્મદા ડેમ ત્રીજીવાર ઓવરફ્લો થયોઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં ત્રીજી વાર ઓવરફ્લો થયો છે. ૩૦ જુલાઇએ ઓવરફ્લો થયો હતો ત્યારે માત્ર ૧૨ કલાક પછી નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતો. ત્યારબાદ ફરી નર્મદા ડેમ પાંચ ઓગસ્ટે ઓવરફ્લો થયો હતો, જે ચાર દિવસ સુધી ઓવરફ્લો રહ્યા બાદ બંધ થયો હતો.

આણંદ જિલ્લા પંચાયતની ૧૪ બેઠકોની ફાળવણીમાં ફેરફારઃ રાજ્ય ચૂંટણી પંચે ગત સપ્તાહે આણંદ જિલ્લા પંચાયત તથા ઉમરેઠ અને બોરસદ નગરપાલિકાના થયેલા સીમાંકનો અંગે આખરી આદેશનું જાહેરનામું જાહેર કરતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. આણંદ જિલ્લા પંચાયતના સીમાંકનના અંતિમ જાહેરનામામાં કુલ ૧૪ બેઠકોની ફાળવણીમાં ફેરફાર થતાં ઘણા નેતાઓનું ભવિષ્ય બદલાશે, તો વળી કેટલાકને નવો મતવિસ્તાર શોધવો પડશે. બોરસદ અને ઉમરેઠ નગરપાલિકાના વોર્ડમાં પણ ફેરફાર જાહેર કરાતાં સ્થાનિક રાજકારણમાં ગરમા આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter